ગયા : બિહાર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 50’ ઉ. અ. અને 84° 50’ પૂ. રે.ની આજુબાજુનો 4941 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ જહાનાબાદ અને નાલંદા જિલ્લા, પૂર્વ તરફ નવાડા જિલ્લો, દક્ષિણ તરફ હઝારીબાગ, ચત્રા અને પાલામૌ જિલ્લા તથા પશ્ચિમે ઔરંગાબાદ જિલ્લો આવેલા છે. જિલ્લામથક ગયા જિલ્લાના ઉત્તર ભાગ તરફ મધ્યમાં આવેલું છે.

ગયા જિલ્લો

ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા : જિલ્લાનો દક્ષિણ ભાગ પહાડી છે, તેના તળેટી ભાગો જંગલથી છવાયેલા છે. આ પૈકીનો ઘણોખરો ભાગ ઉજ્જડ છે અને ખેડાણયોગ્ય નથી. જિલ્લાનો ઉત્તર તરફનો ભાગ કાંપનાં મેદાનોથી બનેલો સમતળ પ્રદેશ છે. જિલ્લાની દક્ષિણ સીમા છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાંથી વિસ્તરેલી ડુંગરધારોથી બનેલી છે. આ ઉપરાંત અહીં પાલામૌ અને હઝારીબાગના ઉચ્ચપ્રદેશના સમુત્પ્રપાતો(scarps)નાં વિસ્તરણ પણ જોવા મળે છે.

ફલ્ગુ નદી ગયામાંથી પસાર થાય છે, આ ઉપરાંત આ જિલ્લામાંથી પુનપુન નદી પણ વહે છે. આ જિલ્લો સમુદ્રથી દૂર આવેલો હોવાથી અહીંની આબોહવા વિષમ રહે છે, ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે. સરેરાશ વાર્ષિક વરસાદ સ્થાનભેદે 750થી 1250 મિમી. જેટલો પડે છે.

ખેતીપશુપાલન : જિલ્લાનો સમતળ વિભાગ કાંપની ફળદ્રૂપ જમીનોથી બનેલો છે. અહીં ડાંગર, ઘઉં, શેરડી, મકાઈ, કઠોળ, તેલીબિયાં, તમાકુ અને જવની ખેતી થાય છે. સિંચાઈની સગવડ સારી છે; તેમ છતાં કેટલેક ઠેકાણે કૂવાઓનો પણ ઉપયોગ થાય છે.

જિલ્લામાં ગાયો, ભેંસો, આખલા, બળદ જેવાં પશુઓનો ઉછેર થાય છે. સ્થાનિક ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી બહારનાં પશુઓની આયાત થાય છે. અહીં પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો તેમજ કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રોની સગવડ ઊભી કરવામાં આવી છે.

ઉદ્યોગોવેપાર : જિલ્લામાં એક માત્ર ઔદ્યોગિક સ્થળ ગયા છે. માનપુર ખાતે કુટિરઉદ્યોગ વિકસ્યો છે, જ્યાં લોકો હાથસાળ અને પાવરલૂમ પર કાપડ તૈયાર કરે છે. ઉત્પાદન પેદાશોમાં ટુવાલ, ચાદરો, શેતરંજી, જાડી ધોતી અને સાડીઓનો સમાવેશ થાય છે. પથ્થરકૂટી ખાતે પથ્થરો પર કોતરણીકામ તેમજ શિલ્પો બનાવાય છે. ગ્રામીણ વિસ્તારમાં ડાંગર છડવાની અને આટાની મિલો આવેલી છે. ટૂંકમાં, ઔદ્યોગિક ર્દષ્ટિએ આ જિલ્લો પછાત ગણાય છે.

જિલ્લામાં પગરખાં અને હાથસાળનું કાપડ બને છે. અહીંથી શાકભાજી, ચોખા, તેલીબિયાં, ઘઉં, ગોળ, ચામડાં, પાષાણ કપચીની નિકાસ તથા કરિયાણું, લોખંડ, કોલસો, ચા, કેરોસીન, રૂ, લાકડાં, તમાકુ, મસાલા, કાગળ, ફળો અને કાપડની આયાત કરવામાં આવે છે. જિલ્લામાં ગયા, ટેકરી, શેરઘાટી, બંકીબજાર અને અરવલ ખાતે વેપારનાં મથકો આવેલાં છે.

પરિવહનપ્રવાસન : જિલ્લામાં સડકમાર્ગોની ગૂંથણી સારી રીતે વિકસેલી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 2 (ગ્રાન્ડ ટ્રન્ક રોડ) જિલ્લાના દક્ષિણ ભાગમાં પૂર્વ-પશ્ચિમ પસાર થાય છે; જે એક બાજુ દિલ્હી અને બીજી બાજુ કૉલકાતાને જોડે છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગો આજુબાજુના જિલ્લા મથકો તેમજ શહેરો સાથે સંકળાયેલા છે. રાજ્ય પરિવહનની બસો અવરજવરની સેવા આપે છે. ગયા શહેર પટણા સાથે રેલમાર્ગ દ્વારા જોડાયેલું છે. ગયા-ધનબાદ પણ રેલવેથી જોડાયેલાં છે.

જિલ્લામાં આવેલાં મુખ્ય પ્રવાસી મથકોમાં બોધિગયા, અમેઠી, અર્સીકલાન, બાકરુર, ધર્મારણ્ય, ગયા, ગુનેરી, કેસ્પા, કોંચ, સોનેપુર, સાંડેશ્વર, કર્કીહર વગેરેનો સમાવેશ થાય છે.

ભગવાન બુદ્ધને અહીં બોધિગયા ખાતે જ્ઞાન મળેલું, તેથી બૌદ્ધો અહીં દર્શનાર્થે આવે છે. એ જ રીતે, ભારતભરમાંથી હિન્દુઓ પિતૃશ્રાદ્ધ માટે ગયા ખાતે આવે છે. અહીં રથયાત્રા અને ગોપાષ્ટમીના મેળા ભરાય છે. આ ઉપરાંત અહીં કાર્તિકી પૂર્ણિમા, શ્રાવણી પૂર્ણિમા, શિવરાત્રી, દશેરા, મકરસંક્રાંતિના દિવસે પણ મેળા ભરાય છે.

વસ્તીલોકો : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 34,64,983 જેટલી છે; તે પૈકી સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ લગભગ સરખું છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 90 % અને 10 % જેટલું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુઓની વસ્તી વિશેષ છે, મુસ્લિમો બીજા ક્રમે આવે છે; જ્યારે ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને શીખ લોકોની વસ્તી ઓછી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ શહેરોમાં 75 % અને ગામડાંઓમાં 40 % જેટલું છે. જિલ્લાનાં બધાં શહેરોમાં પ્રાથમિક–માધ્યમિક શાળાઓની પૂરતી સગવડ છે, એ જ રીતે જિલ્લાનાં 60 % ગામડાં પણ શાળાશિક્ષણની સગવડ ધરાવે છે. જિલ્લામાં અંદાજે 24 જેટલી કૉલેજો આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 2 ઉપવિભાગો અને 18 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 5 શહેરો અને 2896 (246 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ગયા (તીર્થધામ) : ભારતીય સનાતની હિંદુઓ પિતૃઓનાં શ્રાદ્ધ કરવાને માટે ગયાજી જાય છે. પ્રાચીન કાળથી આ તીર્થ જાણીતું છે.

આ તીર્થની ઉત્પત્તિ વિશે અનેક અનુશ્રુતિઓ છે અને ગયામાં પિતૃઓને પિંડદાન કરવાથી અવગતિયાઓની ગતિ થાય છે એવી ર્દઢ ધાર્મિક માન્યતા છે. એટલે જ શ્રાદ્ધ સરાવવા ભારતભરમાંથી લોકો ગયા જાય છે. ગયાની યાત્રાનો વિધિ પણ ‘વાયુપુરાણ’માં આપવામાં આવ્યો છે.

પ્રવાસી મથક : બોધિગયા

ગયાની દક્ષિણે આશરે 11 કિમી. ઉપર બુદ્ધગયા નામનું બૌદ્ધતીર્થ આવેલું છે. શાક્યકુમાર સિદ્ધાર્થે 19 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરેલો અને છ વર્ષ સુધી ગયા નજીકના રાજગૃહ અને ઉરુવેલામાં ભ્રમણ કરેલું. ઉરુવેલામાં એમણે તપશ્ચર્યા કરી હતી. એઓ પવિત્ર થઈ પીપળના વૃક્ષ નીચે બેઠા ત્યાં પોતાના પાંત્રીસમા વર્ષે એમને પૂર્ણ જ્ઞાન થયું. એઓ ‘બુદ્ધ’ થયા. ત્યાંથી પછી નજીકના સારનાથમાં જઈને ઉપદેશ દેવાનો એમણે આરંભ કરેલો. પેલો પીપળો – ‘બોદ્ધિવૃક્ષ’ સૌથી પ્રાચીન પૂજ્ય વૃક્ષ ગણાય છે. એનો એક વાર કોઈએ નાશ કરેલો, ત્યાં અશોકે પુનરુજ્જીવન આપેલું.

ઇતિહાસ : આ શહેરનું નામ ‘ગયા’ ભાગવત પુરાણમાંના ઉલ્લેખ મુજબ અહીં રહેતા ગયાસુર રાક્ષસ પરથી પડેલું હોવાની કિંવદંતી છે. વાયુપુરાણ મુજબ ગયા નામના રાક્ષસે અહીં હજાર વર્ષ સુધી તપ કરેલું, તે પરથી આ નામ પડેલું છે.

પ્રાચીન સમયમાં ગયા મગધ સામ્રાજ્યનો ભાગ હતું; તેથી ગયાનો પ્રાચીન ઇતિહાસ મગધ સાથે સંકળાયેલો ગણાય. આ સ્થળ ઘણું પ્રાચીન છે, જ્યાં ઘણી સંસ્કૃતિઓ ઉદય પામી, વિકસી અને વિલય પામી. મગધનું સામ્રાજ્ય તેનું જ્વલંત ઉદાહરણ છે.

ગયા (શહેર) : ગયા જિલ્લામાં આવેલું વહીવટી મથક. તે પટણાથી દક્ષિણે 88 કિમી. અને કૉલકાતાથી વાયવ્યમાં 467 કિમી. અંતરે આવેલું છે. ગંગાની શાખા ફલ્ગુ નદીને કાંઠે તે વસેલું છે. ગંગાના મેદાન અને છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશના સંગમસ્થાને આવેલું ગયા રેલમાર્ગ દ્વારા દેહરી, પટણા અને ધનબાદ સાથે જોડાયેલું છે. ગયા વેપાર અને ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે.

ગિરીશભાઈ પંડ્યા

કે. કા. શાસ્ત્રી