ગંભીર ઈજા (grievous hurt) : શરીરના અંગ કે ઉપાંગને કાયમી કે જોખમી ઈજા. ઇન્ડિયન પીનલ કોડ(IPC)ની 319ની કલમ પ્રમાણે શારીરિક દુખાવો, રોગ કે માંદગી (infirmity) થાય તેવી ક્રિયાને ઈજા (hurt) કહે છે. IPC 320, 322 અને 325માં ગંભીર ઈજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. (જુઓ સારણી)

સારણી : ગંભીર ઈજાઓ

1. શુક્રપિંડ કાપી કાઢવો (emasculation).
2. કોઈ એક આંખ વડે જોવાની ક્ષમતાનો કાયમી રીતે નાશ કરવો.
3. કોઈ એક કાન વડે સાંભળવાની ક્ષમતાનો કાયમી રીતે નાશ કરવો.
4. અવયવ, હાથ, પગ કે તેના સાંધાને કાપી કાઢવો.
5. અવયવ, હાથ, પગ કે તેના સાંધાના ઉપયોગને કાયમી ધોરણે દુષ્ક્રિય (impaire) બનાવવો.
6. ચહેરા કે માથા પર કાયમને માટે કુરૂપતા (disfiguration) થાય તેવું કરવું.
7. હાડકાં કે દાંતને તોડવા કે તેમના સ્થાનેથી ખસેડી નાખવા (dislocation).
8. મૃત્યુનો ભય ઉત્પન્ન કરે અથવા 20 દિવસ સુધી સખત શારીરિક પીડા

કરે કે તેની રોજિંદી ગતિવિધિઓને અટકાવી દે એવી ઈજા થવી.

આવી ઈજા જાણીજોઈને કરાઈ હોય અને અકસ્માતથી ઉદભવી ન હોય તો તેને ગુનો (offence) ગણવામાં આવે છે. IPC 321 પ્રમાણે ઇરાદાપૂર્વક કે ગંભીર ઈજા થવાની શક્યતાની જાણકારી હોય તો તે ગુનાપાત્ર ગંભીર ઈજા ગણાય છે. ગંભીર ઈજાઓ જોખમી ઈજાઓ છે, પરંતુ કાયદાના અર્થઘટન માટે તેની વિશેષતાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે શુક્રપિંડહનન (emasculation) નામની ઈજામાં શુક્રપિંડ દૂર કરીને પુરુષત્વ (masculine power) નાબૂદ થાય તેવી ઈજા છે. માટે તેવી ઈજા સ્ત્રીઓને ન કરી શકાય. IPC – 320 પ્રમાણે શારીરિક ભાગ(member)ની વ્યાખ્યામાં હાથ-પગ તથા એવા અવયવોનો સમાવેશ થાય છે જે સ્પષ્ટપણે કોઈ વિશિષ્ટ કાર્ય કરતા હોય; જેમ કે આંખ, કાન, નાક, મોં, હસ્ત (hand), પાદ (foot). આવા કોઈ પણ શારીરિક ભાગમાં કાપી કાઢતી કે કાયમી ધોરણે દુષ્ક્રિયતા(impairment)માં ઈજાને ગંભીર ઈજા કહે છે, જ્યારે જે તે અવયવ, ઉપાંગ કે સાંધો સામાન્ય ક્રિયા ન કરી શકે અથવા તેની ઈજાને કારણે તે દુ:ખદાયક (miserable) બને અથવા તેને અરક્ષિત કરે તેવી ઈજાને દુષ્ક્રિયતાકારક ઈજા કહે છે. હાડકા પર ઘસારો (scratch) કે નાનો કાપો પડે તેને હાડકું ભાગ્યું નથી ગણાતું, તેવી જ રીતે દાંત હાલી જાય તો તેને દંતભ્રંશ (dislocation of tooth) નથી ગણાતું. હૉસ્પિટલમાં 20 દિવસ રાખવા પડે તેટલા જ કારણસર ઈજાને ગંભીર ઈજા ગણવામાં નથી આવતી; પરંતુ 20 દિવસ દરમિયાન અતિશય પીડા થતી હોય અથવા રોજિંદી ક્રિયાઓ ઈજાને કારણે અટકી પડી હોય તો તેને ગંભીર ઈજા ગણવામાં આવે છે. ગુનાઇત ગંભીર ઈજા માટે IPC – 325 અંતર્ગત 7 વર્ષ સુધીની સજા અને/અથવા દંડની જોગવાઈ કરાયેલી છે.

ડી. જી. દેસાઈ

શિલીન નં. શુક્લ