ગંધાર (ગુજરાત) : મધ્યકાલીન બંદર તથા તેલક્ષેત્રને કારણે જાણીતું બનેલ સ્થળ. ભૌગોલિક સ્થાન : 21° 42’ ઉ. અ. અને 72° 58’ પૂ. રે.. તે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ઢાઢર નદી ઉપર ખંભાતના અખાતના કિનારાથી 6 કિમી., ભરૂચથી 54 કિમી. અને વાગરાથી 18 કિમી. દૂર છે.

અહીં મહાવીર સ્વામી તથા પાર્શ્વનાથનાં સોળમી સદીમાં બંધાયેલાં બે જૈન મંદિરો છે. રણછોડજીનું મંદિર એક સૈકા જેટલું પ્રાચીન છે.

ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ લિમિટેડનું ગંધાર સંકુલ

ગંધાર આસપાસ 800 કિમી.ની પટ્ટીમાં હાઇડ્રોકાર્બન હોવાનું જણાયું છે. તેલ અને કુદરતી વાયુ પંચનો પ્રથમ તબક્કે 44 કૂવામાંથી શારકામ કરી 6.25 લાખ ટન ક્રૂડ તેલ અને 15 લાખ ક્યૂબિક મીટર ગૅસ મેળવવાનો અંદાજ છે, તેલક્ષેત્રના સંપૂર્ણ વિકાસ પછી 30 લાખ ટન તેલ મળવાનો અંદાજ છે. અહીં અંકલેશ્વરથી ત્રણગણો જથ્થો હોવાનું જણાય છે. મુખ્ય તેલક્ષેત્રના 130 કિમી. વિસ્તારમાં 1987માં ફેબ્રુઆરી માસથી કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો. 14 કૂવાનું શારકામ હાથ ધરાયું હતું. 1986–87માં 40,901.5 ટન અને 1987–88માં 1,72,628.8 ટન તેલ ઉત્પાદન થયેલું. કુલ 21 કૂવાની ચકાસણી બાદ 17 કૂવામાંથી તેલ મળ્યું છે. 1990 સુધીના ઉપલબ્ધ આંકડાઓ મુજબ ગંધાર તેલક્ષેત્રનો વિસ્તાર 80 ચોકિમી. છે અને તેમાંથી પ્રતિદિન ઉત્પાદન 2000 ટન છે. અહીંનું તેલ ટૅન્કર દ્વારા ડબકા અને ત્યાંથી પાઇપલાઇન દ્વારા કોયલી રિફાઇનરી ખાતે મોકલાય છે.

ઇતિહાસ : આ બંદરનો પ્રથમ ઉલ્લેખ ઈ. સ. 713–14નો છે. અલ બિલાદુરીના જણાવ્યા પ્રમાણે તેની સમૃદ્ધિથી આકર્ષાઈને સિંધનો આરબ સૂબો હાસમ બિન અમરૂ જળમાર્ગે ગંધાર ઉપર ચડી આવ્યો હતો. તેણે મૂર્તિઓ અને મંદિરોનો નાશ કરીને અહીં મસ્જિદ બંધાવી હતી. ઈ. સ. 760માં સિંધના આરબ હાકેમ હિશામે ગંધાર ઉપર હુમલો કરી લૂંટ ચલાવી હતી. અબુ ઝફર નદવીના જણાવ્યા પ્રમાણે અલાઉદ્દીનના સૂબા અલ્પખાને ગંધાર બંદર જીતી લીધું હતું (1304–15).

સુલતાન મુહમ્મદશાહ તઘલખ(1325–1351)ના સમયમાં 1342માં મોરોક્કોનો અરબ પ્રવાસી ઇબ્ન બતૂતા ખંભાતથી નીકળી કાવી થઈને ગંધાર બંદરે આવ્યો હતો. જાલણશી ગંધારનો રાજા હતો. ગંધારના રાજા તથા હિંદુ વેપારીઓ તથા હસન, ઇબ્રાહીમ, ઇલિયાસ, મીરકાલ, તાજીઉદ્દીન, ઇબ્ન ઉલ કૌલુમી વગેરેનાં ઘણાં વહાણો હતાં. ઇબ્ન બતૂતા ઘણા મુસ્લિમ વહાણવટીઓ અને વેપારીઓને મળ્યો હતો. તેઓ ખૂબ ધનાઢ્ય હતા અને પરદેશ સાથે બહોળો વેપાર ધરાવતા. મુઝફ્ફરશાહ બીજાના સમયમાં આવેલ (1511–26) વાર્તેમાએ ગુજરાતનાં 84 બંદરો પૈકી ગંધારનો ઉલ્લેખ કર્યો છે. બાર્બોસાએ પણ ઘોઘા સાથે ગંધારના બંદરનો ઉલ્લેખ કર્યો છે.

અકબરના સમયમાં (1572–1605) મકરબખાન સૂરત અને ખંભાતનો મુત્સદ્દી હતો. પોતાના મદદનીશો મારફત બંદરોનો વહીવટ સંભાળતો હતો. ગંધારનો ઘોઘા સાથે સંયુક્ત બંદરી વહીવટ હતો. અકબરના શાસન દરમિયાન હીરવિજયસૂરિ ગંધારથી ફતેહપુર સિક્રી અકબરને મળવા ગયા હતા. હીરવિજયસૂરિ ચાતુર્માસ ગંધારમાં રહ્યા હતા. 500 ધનાઢ્ય શ્રાવક શ્રેષ્ઠીઓ તેમના પ્રવચનમાં હાજરી આપતા હતા તે ગંધારની આબાદી સૂચવે છે. જસિયાના પુત્રો રાજિયા અને વજિયા ગંધારના વતની હતા. તેનો ખંભાત સાથે ધીકતો વેપાર હતો.

1556માં પોર્ટુગીઝોના હુમલાને કારણે ગંધારના વેપારીઓએ ગંધાર છોડીને જંબુસર સ્થળાંતર કરેલું. સીઝર ફ્રેડરિકે 1563માં ગંધારનો ઉલ્લેખ તેના પ્રવાસવર્ણનમાં કરેલ છે. 1573માં ચેવલ બંદરના એક ખોજગીને કેટલાક માણસો સાથે ફિરંગીઓ પકડીને ગોવા લઈ ગયા હતા અને તેમને કેદમાં નાખ્યા હતા. પરીખ રાજિયાએ તેમને છોડાવ્યા હતા. તે ફરી પકડાતાં તેનો એક લાખ સિક્કા દંડ થયો હતો. રાજિયા શેઠે તેના જામીન થઈને છોડાવ્યો હતો. આ ઉપકારને વશ થઈને તે ખોજગીએ પર્યુષણના દિવસે પકડેલા 22 ચોરોને રાજિયાનું નામ લેવાથી છોડી દીધા હતા. ગોવાના ગવર્નરે એક વેપારીનું વહાણ રાજિયાની વગને કારણે છોડી દીધું હતું. આમ ગોવાના ગવર્નર સાથે સારા સંબંધો હતા. સંવત 1661ના દુકાળના પ્રસંગે તેમણે રૂ. 26 લાખ રાહતકામમાં વાપર્યા હતા.

જહાંગીરના સમયમાં ભારતમાં આવેલ અંગ્રેજ એલચી સર ટૉમસ રો(1615)ના જણાવ્યા પ્રમાણે ખંભાતનું બારું કાંપથી પુરાઈ જવાથી મોટાં વહાણો ગંધાર બંદરે આવતાં હતાં અને હોડીઓ મારફત ત્યાંથી ખંભાત માલ જતો-આવતો હતો. ગુજરાત સર્વસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે આઈને-અકબરી(1609)માં ગંધાર બંદરનો ઉલ્લેખ છે. હીરવિજયસૂરિ ઉપરાંત ભાનુચંદ્રગણિ, વિનયવિજયસૂરિ વગેરે વિદ્વાન સૂરિઓ ગંધારમાં રહેતા હતા અને અકબરના દરબારમાં તેમનાં ઘણાં માન અને લાગવગ હતાં. ‘મિરાતે અહમદી’માં અલી મહમૂદ ખાને ગુજરાતનાં 23 બંદરોનો ઉલ્લેખ કર્યો છે તે પૈકી ગંધાર એક છે.

સોળમા સૈકામાં ગંધાર સમૃદ્ધિની ટોચે હતું. સત્તરમી સદીમાં ત્યાં ઘણા ધનાઢ્ય શ્રાવકો રહેતા હતા. અઢારમી સદીના અંતભાગમાં ખંભાતના ચાંચિયાઓએ લૂંટ કરી ગંધારને બાળ્યું હતું. 1790માં પૂરનાં પાણી ગંધાર ઉપર ફરી વળ્યાં હતાં અને ભારે વિનાશ વેર્યો હતો. ત્યારબાદ ગંધાર આબાદ થઈ શક્યું ન હતું અને બધો વિસ્તાર ખારાપાટમાં ફેરવાઈ ગયો હતો.

શિવપ્રસાદ રાજગોર