ગંગા : ભારતની સર્વ નદીઓમાં અત્યંત પવિત્ર મનાતી નદી. હિમાલયમાં આશરે 4062 મીટરની ઊંચાઈએ આવેલી ગંગોત્રી ગ્લેશિયરની ગોમુખ તરીકે ઓળખાતી હિમગુહાથી આરંભી ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં થઈ 2,510 કિલોમીટરનો પ્રવાસ કરતી ગંગા બંગાળના ઉપસાગરને મળે છે. ગંગાના ઉદગમ વિશેની પુરાકથાઓમાં તેનું અત્યંત પાવનત્વ સૂચવાયું છે. ગંગા શબ્દની વ્યુત્પત્તિ પણ આવા અર્થને અનુકૂળ છે. गमयति भगवत्पादं सा गङ्गा અથવા गम्यते मोक्षार्थिभिः सा गङ्गा —  ‘જે ભગવાનને ચરણે પહોંચાડે છે’ અથવા ‘મોક્ષાર્થીઓ જેનું સેવન કરે છે તે ગંગા’. ભગવદ્ગીતાએ ‘स्रोतसामस्मि जाह्नवी એમ કહી ગંગાનું ઘણું માહાત્મ્ય કર્યું છે અને જનસામાન્યે ‘औषधं जाह्नंवीतोयम्’ કહી તેનું પાવનત્વ સ્વીકાર્યું છે.

વેદોમાં ગંગાનો સર્વપ્રથમ નામોલ્લેખ ઋક્સંહિતામાં છે. એક મંત્રમાં (IX. 75.5માં) વૈદિક સમયની પરિચિત સરસ્વતી (જે પાછળથી વિનશન તીર્થમાં લુપ્ત થઈ તે), શુતુદ્રી (સતલજ), પરુષ્ણી (રાવી), અસિક્ની (ચિનાબ), મરુદવૃધા (?), વિતસ્તા, આર્જિકીયા (સંભવત: બિયાસ) અને સુષોમા (સુવાન) એ સપ્તસિન્ધુ પ્રદેશની નદીઓ સાથે ગંગા અને યમુનાની સ્તુતિ કરાઈ છે અને બીજા એક મંત્રમાં (VI. 45.31) ગંગાના પ્રબળ પ્રવાહને ઉપમાન કલ્પવામાં આવ્યો છે. શતપથ અને જૈમિનીય બ્રાહ્મણોમાં તથા તૈત્તિરીય આરણ્યકમાં યજ્ઞોના સંબંધે ગંગાના ઉલ્લેખો છે. પુરાણોમાં ગંગા વિશેની કથાઓ વિસ્તારમાં મળે છે.

ઉદભવ : પુરાણકથા અનુસાર બ્રહ્માએ તેમના કમંડલુજલ વડે શ્રી વિષ્ણુનું પાદપ્રક્ષાલન કર્યું તેમાંથી ગંગાનો પ્રવાહ શરૂ થયો. આથી ગંગા વિષ્ણુપદી કહેવાઈ છે. વસ્તુત: વિષ્ણુપદ એટલે આકાશ. આકાશની કલ્પનાતીત ઊંચાઈએથી વહી આવતી હોવાથી તે વિષ્ણુપદી કહેવાઈ હશે. દ્યુલોકમાંનો સ્વર્ગંગાનો, અન્તરિક્ષનો વિષ્ણુપદીનો અને ભૂલોકનો ભાગીરથીનો એમ ત્રણ પ્રવાહોમાં વહેતી હોવાથી તે ત્રિસ્રોતા કહેવાઈ છે. ગંગાનો ઉદગમ દ્યુલોકમાં થયો. વામન અવતારમાં વિષ્ણુએ ત્રણ પગલાંમાં ત્રણેય લોક માપી લીધા ત્યારે દ્યુલોકમાં તેમના પગના અંગૂઠાનો નખ ઊંચો થયો તેમાંથી જે જલપ્રવાહ શરૂ થયો એ સ્વર્ગંગા. સ્વર્ગંગા સ્વર્ગમાંથી ચંદ્રમંડલ અને ધ્રુવમંડલમાં થઈ ભૂમિ પર ઊતરી તે ગંગા. ધ્રુવમંડલ તે ભક્ત ધ્રુવની તપોભૂમિ. આકાશસ્થ સપ્તર્ષિઓ આ ધ્રુવમંડલની પ્રદક્ષિણા કરે છે અને ત્યાંની સ્વર્ગંગામાં નિત્યસ્નાન કરે છે. વિષ્ણુપુરાણ અનુસાર ભૂમિ પર ઊતર્યા પછી ગંગાના ચાર પ્રવાહ થયા. તેમાંનો પૂર્વવાહી સીતા નામનો પ્રવાહ મેરુ પર્વત પર ઊતરી ગંધમાદન પર્વતમાં થઈ ભદ્રાશ્વવર્ષ પ્રદેશની પ્રદક્ષિણા કરતો પૂર્વ સમુદ્રને મળ્યો. માર્કંડેયપુરાણમાં તેને ચૈત્રરથ વનમાં થઈ વરુણોદ સરોવરમાં મળતો કહ્યો છે. બીજો ચક્ષુ નામે પ્રવાહ પશ્ચિમ દિશામાં માલ્યવાન પર્વત પરથી કેતુમાલ પ્રદેશમાં થઈ પશ્ચિમ સમુદ્રને મળ્યો. ભદ્રા નામનો ઉત્તરવાહી પ્રવાહ શૃંગવાન પર્વત પર થઈ ઉત્તર કુરુપ્રદેશમાં થઈ ઉત્તર સાગરને મળ્યો અને અલકનંદા નામનો પ્રવાહ હેમકૂટ પર્વત પર થઈ ભારતવર્ષમાં થઈ દક્ષિણ સમુદ્રને મળ્યો. બ્રહ્મપુરાણ અનુસાર ગંગાનો વિંધ્ય પર્વતની દક્ષિણે વહેતો પ્રવાહ તે ગૌતમી ગંગા અને ઉત્તરે વહેતો પ્રવાહ તે ભાગીરથી કહેવાય છે. ગંગાના ચાર દિશાઓના પ્રવાહો વિશેની પૌરાણિક કથાને વાસ્તવમાં ઘટાવવી મુશ્કેલ છે. દેવી ભાગવતની કથા અનુસાર એક પ્રસંગે મહાવિષ્ણુ વૈકુંઠમાં તેમની ત્રણ પત્નીઓ લક્ષ્મી, સરસ્વતી અને ગંગા સાથે વિશ્રંભાલાપ કરતા હતા ત્યારે વિષ્ણુ અને ગંગાના પરસ્પર શૃંગારપૂર્ણ ર્દષ્ટિક્ષેપો ન સહેવાતાં સરસ્વતી ગંગા પર રોષે ભરાઈ. લક્ષ્મીએ તેને વારવા પ્રયત્ન કર્યો, પણ ક્રોધમાં સરસ્વતીએ નિર્દોષ લક્ષ્મીને ભૂમિ પર જન્મવાનો શાપ આપ્યો. પોતાને કારણે લક્ષ્મીને શાપ મળ્યો એ જોઈ રોષવશ ગંગાએ સરસ્વતીને પૃથ્વી પર નદીરૂપે અવતરવાનો શાપ આપ્યો અને સરસ્વતીએ પણ ગંગાને પૃથ્વી ઉપર નદીરૂપે જઈ લોકોનાં પાપો માથે લેવાનો શાપ આપ્યો. ગંગાને આશ્વાસન આપતાં વિષ્ણુએ કહ્યું કે તું પાપહારી નદીરૂપે ભૂલોકમાં જઈશ અને ત્યાં શિવની પત્ની થઈશ. ભગીરથ રાજા તને માર્ગ બતાવી ભૂમિ પર તારું અવતરણ કરશે તેથી તું ભાગીરથી કહેવાઈશ. અન્ય એક કથા અનુસાર હિમવાન પર્વત ગંગાનો પિતા અને સુમેરુની પુત્રી મનોરમા તેની માતા હતી. હિમવાનને પ્રસન્ન કરી દેવો ગંગાને દ્યુલોકમાં લઈ ગયા. ત્યાંથી ભગીરથે તેને ભૂલોકમાં ઉતારી. ભગીરથે આવું દુષ્કર કાર્ય કર્યું તેથી દુ:સાધ્યને સિદ્ધ કરવાનો પ્રયત્ન ભગીરથ પ્રયત્ન કહેવાય છે.

ભગીરથ સૂર્યવંશી સગર રાજાનો પ્રપૌત્ર હતો. સગરે અશ્વમેધ આરંભ્યો. ઇન્દ્ર આ યજ્ઞ પૂર્ણ થાય એમ ઇચ્છતો ન હતો. તે યજ્ઞાશ્વને હરી ગયો અને પાતાલમાં કપિલ મુનિના આશ્રમમાં તેને છુપાવ્યો. સગરની આજ્ઞાથી તેના સાઠ હજાર પુત્રો ભૂમિ ખોદી કપિલાશ્રમે પહોંચ્યા. ત્યાં યજ્ઞાશ્વને જોઈ તેમણે કપિલનો સમાધિભંગ કર્યો. કપિલના ર્દષ્ટિપાતથી બધા સગરપુત્રો બળી ભસ્મસાત્ થઈ ગયા. આ વાત જાણી સગરે પોતાના જ્યેષ્ઠ પુત્ર અસમંજસને કપિલ પાસે મોકલી પુત્રોના ઉદ્ધારનો માર્ગ જાણી લીધો. તદનુસાર સગરપુત્રોના ઉદ્ધાર સારુ સ્વર્ગંગાને ભૂમિ પર લાવવા અસમંજસે તપ આરંભ્યું. તેના પુત્ર અંશુમાને એ તપ ચાલુ રાખ્યું અને પૌત્ર ભગીરથે એ કાર્ય સિદ્ધ કર્યું. પ્રસન્ન થયેલી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઈ પણ પૃથ્વી સ્વર્ગંગાના અવતરણના વેગને ખમી શકે તેમ ન હતી; માત્ર શિવજી જ એ માટે સમર્થ હતા. ભગીરથે તપ કરી એ માટે શિવજીને રાજી કર્યા. ગંગાને પોતાના સામર્થ્યનો કંઈક વધારે ગર્વ હતો તે જાણી શિવજીએ તેને પોતાના જટાજૂટમાં એક વર્ષ સુધી રૂંધી રાખી અને ભગીરથની પ્રાર્થનાથી જટાની એક લટ છૂટી કરી ત્યાંથી ગંગાને મુક્ત કરી. ભગીરથના માર્ગદર્શન પ્રમાણે તે આગળ વધી; માર્ગમાં રાજર્ષિ જહનુના આશ્રમને ગંગાએ ડુબાડી દીધો. રોષવશ જહ્નુ ગંગાપ્રવાહને પી ગયા અને ભગીરથની પ્રાર્થનાથી કાન દ્વારા તેને મુક્ત કરી. તેથી તે જાહનવી કહેવાઈ. હરદ્વાર આગળ ગંગા સમતલ ભૂમિ પર આવી અને પ્રયાગ, કાશી થઈ પાતાલમાં કપિલાશ્રમે પહોંચી તેણે સગરપુત્રોનો ઉદ્ધાર કર્યો. પછી તે દક્ષિણ સમુદ્રને મળી. અગસ્ત્ય ઋષિ સમુદ્રને પી ગયેલા તેથી તે ખાલી હતો. ગંગાએ તેને પુન: ભરી દીધો. સગરપુત્રોએ તેને ખોદેલો તેથી તે સાગર કહેવાયો.

ગંગા ભૂમિ પર આવી ત્યારપછી ચંદ્રવંશી પ્રતીપ રાજા પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી ગંગાકિનારે તપ કરતો હતો તેના તેજસ્વી વ્યક્તિત્વથી આકર્ષાઈ તેને વરવા સારુ ગંગા પ્રતીપની જમણી જાંઘે જઈ બેઠી. પ્રતીપે કહ્યું કે ‘‘જમણી જાંઘે તો પુત્રપુત્રી બેસે એટલે હું તારો પત્નીરૂપે સ્વીકાર નહિ કરું, પણ પુત્રવધૂ તરીકે તને સ્વીકારીશ. તું મારા પુત્રની રાહ જો.’’ આ દરમિયાન અષ્ટ વસુઓએ વસિષ્ઠની હોમધેનુ હરી લઈ ભૂમિ પર જન્મવાનો ઋષિનો શાપ વહોરી લીધેલો. વસુઓની પ્રાર્થનાથી વસિષ્ઠે કહ્યું કે શાપ તો નિષ્ફળ નહિ જાય, પણ જેણે ખરેખર ગાય હરી લીધી હતી તે દ્યુ નામના વસુ સિવાયના સાત વસુઓ જલદી મુક્ત થશે. વસિષ્ઠના કહેવાથી વસુઓએ ગંગાને તેમની માતા થવા રાજી કરી લીધી. શન્તનુ સાથે પરણતાં પહેલાં ગંગાએ શરત મૂકેલી કે તેના કોઈ કાર્યમાં રાજાએ આડે ન આવવું, નહિ તો તે રાજાને તજી જશે. શન્તનુથી ગંગાને સાત પુત્રો થયા. તે બધાને ગંગાએ જલમાં વહાવી મુક્ત કર્યા. આઠમો દ્યુ પુત્ર તરીકે અવતર્યો ત્યારે શન્તનુથી રહેવાયું નહિ. તેણે ગંગાને રોકી. ગંગાએ વસુઓના શાપની વાત કહી અને પુત્રને લઈ તે શન્તનુને તજી ગઈ. તેનું નામ દેવવ્રત રાખ્યું અને પરશુરામ પાસે તેને શસ્ત્રાસ્ત્રવિદ્યા ગ્રહણ કરાવી તથા વસિષ્ઠ પાસે વેદવિદ્યાનું અધ્યયન કરાવ્યું. પછી તેને શન્તનુને સોંપ્યો. પિતાની મત્સ્યકન્યાને વરવાની અભિલાષા પૂર્ણ કરવા સારુ દેવવ્રતે રાજ્ય પરનો પોતાનો અધિકાર તજ્યો અને આજીવન અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા લીધી. આવી કઠોર પ્રતિજ્ઞાને લીધે દેવવ્રત ભીષ્મના નામે પ્રસિદ્ધ થયો.

આવો જ બીજો એક કાર્તિકેય જન્મનો પ્રસંગ પણ ગંગા સાથે સંકળાયેલો છે. તારકાસુરથી ત્રસ્ત દેવો શિવ અને ઉમાના પુત્રની પ્રતીક્ષામાં હતા. દેવોની પ્રાર્થનાથી શિવે સંભોગ તજી ભૂમિ પર વીર્યત્યાગ કર્યો. ભૂમિ એને ધારણ કરી શકી નહિ ત્યારે દેવોએ અગ્નિને એ વીર્ય બાળી નાખવા કહ્યું. અગ્નિ પણ આ વીર્યના તેજથી સુવર્ણમય થઈ ગયો. તેણે ગંગામાં એ વીર્ય તજ્યું. ગંગા એ વીર્ય ધારણ કરી શકી નહિ અને બ્રહ્માની સૂચનાથી ઉદયાચલ પર્વત પરના શરવનમાં એ ગર્ભ તજી દીધો. અહીં એ ગર્ભ બાળકરૂપે અવતર્યો. તે સ્ખલિત વીર્યથી જન્મ્યો તેથી તે સ્કંદ કહેવાયો; શરવનમાં જન્મ્યો તેથી શરજન્મા કહેવાયો; ઉદયાચલ પર આવેલી કૃત્તિકાઓ(કૃત્તિકા નક્ષત્રની છ તારિકાઓ)એ તે કુમારને સ્તનપાન કરાવ્યું ત્યારે કુમારે છ મુખ કરી છયે કૃત્તિકાઓનું સ્તનપાન કર્યું તેથી તે ષડાનન કહેવાયો; અને કૃત્તિકાઓએ તેનું સંવર્ધન કર્યું તેથી તે કાર્તિકેય કહેવાયો. દેવસેનાઓના સેનાપતિપદે અભિષિક્ત કુમારને દેવોએ વિવિધ ભેટો આપી તેમાં ગંગાએ તેને કમંડલુ આપેલું. આ કથા બ્રહ્મપુરાણમાં છે.

દેવી ભાગવતમાં ગંગાને રાધાનું જલમય સ્વરૂપ કહી છે.

અન્ય એક કથા અનુસાર સૃષ્ટિના પ્રલય પછી બધી નદીઓ પ્રલયજળમાં સમાઈ ગઈ પણ અભિમાની ગંગા વહેતી જ રહી. એણે એના ભીના વાળનું પાણી ખંખેર્યું ત્યારે તેનો એક વાળ કૈલાસ પર તપ કરતા શિવના શરીર પર પડ્યો. શિવે તેને પૃથ્વી પર જવાનો શાપ આપ્યો. ગંગાની વિનવણીથી શાપનો અનુગ્રહ કરતાં શિવે કહ્યું કે પૃથ્વી પર હું તારું પાણિગ્રહણ કરીશ. ગંગા હિમાલયને ત્યાં જન્મી અને શિવની પત્ની થઈ. ઉમા ગંગાને શોક્યરૂપે સહી શકતી ન હતી અને ગંગાને સતાવતી હતી. શિવે ગંગાને જટાજૂટમાં રાખી સુરક્ષિત કરી.

ગંગાને કિનારે કનખલમાં દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરેલો તેમાં સતીએ દેહત્યાગ કર્યો હતો. ત્રિવેણીસંગમે બ્રહ્માએ યજ્ઞ કરી તેના જળમાં અવભૃથ સ્નાન કરેલું. યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કરી ગંગામાં અવભૃથ સ્નાન કરેલું. વંગ પ્રદેશમાં કપિલના આશ્રમે ગંગાએ સગરપુત્રોને ઉદ્ધારેલા. ગંગાસ્નાન કરવાથી દસ મોટાં પાપોનું નિવારણ થાય છે તેથી ગંગા દશહરા પણ કહેવાય છે. ગંગાના કિનારે હરદ્વાર, પ્રયાગ, વારાણસી અને ગંગાસાગર સંગમ એ હિંદુઓનાં પવિત્ર તીર્થો છે.

ભૂમિ પર ગંગાના અવતરણની તિથિ વિશે પુરાણો એકમત નથી. ક્યાંક વૈશાખ શુક્લ તૃતીયા કહેવાઈ છે. ક્વચિત્ કાર્તિક પૂર્ણિમા કહેવાઈ છે પણ મોટે ભાગે જ્યેષ્ઠ શુક્લ દશમી તિથિ કહેવાઈ છે. આ તિથિ લોકપ્રચલિત છે.

ગંગાની ભૌગોલિક સ્થિતિ : ઉત્તરપ્રદેશના ટેહરી ગઢવાલમાંના હિમાલયમાં ગંગોત્રીનું સ્થાન છે, ત્યાંથી આગળ 29 કિલોમીટર પર 4,206 મીટરની ઊંચાઈએ ગંગોત્રી હિમનદી(ગ્લેશિયર)ના ગોમુખની હિમગુહા (31° ઉ. અ. અને 78° 57’ પૂ. રે.) છે. ત્યાંથી ગંગાનો ઉદગમ થાય છે. ત્યાં તે ભાગીરથી કહેવાય છે. ભાગીરથીને તેના ઉદગમસ્થાનથી 43.4 કિમી. જડગંગા જાહનવી મળે છે. પશ્ચિમ તરફ અને પછી દક્ષિણ તરફ વહેતી દેવપ્રયાગમાં થઈ ગંગોત્રીમાં ગૌરીકુંડમાં શિવલિંગનો અભિષેક કરે છે. અહીંથી તે યામુન (બંદર પૂંછ) અને નંદાદેવી પર્વતોમાં થઈ જોશીમઠ આવે છે. અહીં તેને બદરીનાથથી

નકશો

આવતી વિષ્ણુગંગા પૂર્વ કિનારે મળે છે અને દ્રોણગિરિથી આવતી ધવલ (ધૌલી) ગંગા તેને પશ્ચિમ કિનારે મળે છે. આ સંયુક્ત પ્રવાહ અલકનંદા કહેવાય છે. વિષ્ણુપ્રયાગથી આગળ નંદપ્રયાગમાં તેને નંદા નદી મળે છે; અને કર્ણપ્રયાગ આગળ પીંઢારી હિમનદીમાંથી નીકળતી પીંઢારી ગંગા તથા રુદ્રપ્રયાગ આગળ મંદાકિની મળે છે. દેવપ્રયાગમાં અલકનંદા અને ભાગીરથી મળે છે. હવે તે પ્રવાહ ગંગા કહેવાય છે. આ નદીને કેટલાક ઊંચા હિમાચ્છાદિત પર્વતોનો બરફ પીગળવાથી જળ પ્રાપ્ત થાય છે. હવે આગળ દક્ષિણ તરફ વહેતી ગંગા નાગટિંબા અને શિવાલિક પહાડોમાં થઈ હૃષીકેશ નજીક હરદ્વારમાં સપાટ ભૂમિ પર આવે છે. તેથી હરદ્વાર ગંગાદ્વાર પણ કહેવાય છે. અહીંથી કનખલ અને ગઢમુક્તેશ્વર થઈ દક્ષિણ તરફ વહેતી તે અનુપગઢ અને ત્યાંથી અગ્નિ દિશામાં ફરુખાબાદ જાય છે. અહીં તેને રામગંગા મળે છે. ત્યાંથી કનોજ, કાનપુર થઈ ગંગા પ્રયાગ પહોંચે છે. ત્યાં તેને યમુના અને ગુપ્ત સરસ્વતી મળે છે. આ ત્રિવેણી સંગમ કહેવાય છે. અહીંથી ગોળ ફરી ઈશાન તરફ વહેતી તે કાશી પહોંચે છે અને પછી પૂર્વવાહિની થઈ ગાઝીપુર અને પટણા પહોંચે છે તે દરમિયાન તમસા, શોણ, ફલ્ગુ ગોમતી, સરયૂ, ગંડકી, ગંડક, કોસી અને મહા નદીઓ તેને મળે છે. પશ્ચિમ બંગાળમાં પ્રવેશતાં તેના બે પ્રવાહ થાય છે : એક પ્રવાહ દક્ષિણ તરફ વહેતો કોલકાતા થઈ સાગરને મળે છે તે ભાગીરથી કહેવાય છે. બીજો પદ્મા નામનો પ્રવાહ બાંગ્લાદેશમાં જાય છે. ભાગીરથીને અજયા, દામોદર અને પાનાર નદીઓ મળે છે. તેમનો સંયુક્ત પ્રવાહ હૂગલી કહેવાય છે. કોલકાતા હૂગલીને કિનારે છે. તેના મુખ આગળ સાગરબેટ છે. બાંગ્લાદેશમાં પદ્માને બ્રહ્મપુત્ર નદ મળે છે. અહીં તેનું પાત્ર ખૂબ વિસ્તૃત થાય છે. આગળ પદ્મા-બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ અનેક શાખાઓમાં વહેંચાઈ સાગરને મળે છે. ભાગીરથી અને પદ્માનો સાગરસંગમનો પ્રદેશ તેની અનેક શાખાઓને લીધે દુનિયાનો સૌથી મોટો મુખપ્રદેશ ગણાય છે. તેનું ક્ષેત્રફળ 52,752 ચોકિમી.નું છે. સંગમના મુખ આગળના સુંદરવન પ્રદેશનું ક્ષેત્રફળ 16,900 કિમી.નું છે. ગંગાની લંબાઈ 2,510 કિમી.ની છે.

ગંગા-યમુનાની વચ્ચેનો પ્રદેશ પુરાણોમાં અન્તર્વેદી કહેવાતો. હસ્તિનાપુર ગંગાને કિનારે હતું. ત્રણ વખત ગંગાએ હસ્તિનાપુર ધ્વસ્ત કર્યું હતું તેથી પાંડવોના વંશજ અધિસીમ કૃષ્ણે રાજધાની બદલી વત્સદેશમાં વિદિશામાં નવી રાજધાની સ્થાપી હતી. હૂગલીમાં સાગરબેટમાં કપિલ મુનિનો આશ્રમ હતો. વૈદિક સંસ્કૃતિ સપ્તસિન્ધુ પ્રદેશમાં થઈ ગંગા-યમુનાના પ્રદેશમાં ખૂબ વિકસી અને સ્થિર થઈ અને તેમના પ્રવાહની સાથે છેક બંગાળ સુધી ગઈ. ગંગાની આજુબાજુનો પ્રદેશ ખૂબ ફળદ્રૂપ છે.

ગંગાસ્નાનનું ઘણું માહાત્મ્ય ગણાયું છે. મુમૂર્ષુના મુખે ગંગાજળ મૂકવાથી તેને ગંગાસ્નાનનું પુણ્ય મળે છે અને તેની મુક્તિ થાય છે, એવી માન્યતા અત્યારે પણ પ્રચલિત છે. જાહનવીજળ ભવતારણનું ઔષધ મનાયું છે.

ગંગા જલશુદ્ધીકરણ પ્રકલ્પ

ગંગા નદીના પાણીનું પ્રદૂષણ નિવારવા માટેનો ખાસ પ્રકલ્પ. આ પ્રકલ્પ હેઠળ અમલમાં મૂકવામાં આવેલી કુલ 261 યોજનાઓ માટે રૂ. 357.74 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે તથા તેના અમલ પર દેખરેખ રાખવા માટે 1985માં ‘સેન્ટ્રલ ગંગા ઑથોરિટી’ (CGA) નામનું સત્તામંડળ રચવામાં આવ્યું છે. આ પ્રકલ્પ અંતર્ગત ઘડવામાં આવેલી કાર્ય યોજના(action plan)નો મુખ્ય હેતુ નદીના પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવાનો તથા ગંગા નદીમાં તેના કિનારા પરનાં શહેરોનાં કારખાનાંમાંથી ઠલવાતાં પ્રદૂષકોને અન્યત્ર વાળીને તેના પર પ્રક્રમણ કરી ઉપયોગી ઊર્જાનો બહુમૂલ્ય સ્રોત પ્રાપ્ત કરવાનો છે. આ પ્રકલ્પ હેઠળ એક સંચાલન સમિતિ (steering committee) નીમવામાં આવી છે. જેણે ઉત્તરપ્રદેશ, બિહાર તથા પશ્ચિમ બંગાળ એ ત્રણ રાજ્યોમાંનાં આ નદી પરનાં કેટલાંક ખાસ પ્રદૂષક કેન્દ્રો માટે વિવિધ પેટા યોજનાઓ ઘડી કાઢી છે. આ યોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરી નદીના પાણીની ગુણવત્તા પર તેની અસરની સતત ચકાસણી કરવા માટે ખાસ સમિતિ નીમી છે. આ સમિતિના કાર્ય સાથે રાષ્ટ્રીય કક્ષાની પ્રયોગશાળાઓ, વિશ્વવિદ્યાલયો તથા ઘણી સંસ્થાઓ સંકળાયેલી છે, જે નદી પરનાં 27 જેટલાં ખાસ નિર્દિષ્ટ કરાયેલાં સ્થળોના પાણીના નમૂનાનું વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ કરે છે. આ પ્રકલ્પના અમલ માટે લોકસહકાર પ્રાપ્ત કરવાના હેતુથી બિનસરકારી સ્વૈચ્છિક જાહેર સંસ્થાઓ, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ, તીર્થયાત્રીઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ વગેરેને સાંકળી લેવામાં આવ્યા છે.

સેન્ટ્રલ ગંગા ઑથોરિટીએ અત્યાર સુધી કુલ 68 ઔદ્યોગિક પ્રદૂષકો નિર્દિષ્ટ કર્યા છે તથા અલગ અલગ સ્થળે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (ETP) ઊભા કરવા માટે સમયબદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકલ્પ પૂરો થતાં ગંગા નદીના પાણીનું 75 % જેટલું પ્રદૂષણ દૂર થશે એવી અપેક્ષા છે.

માર્ચ 1991 સુધી દરરોજ કુલ 87.30 કરોડ લિટર પાણીમાંથી 40.50 કરોડ લિટર જેટલું પ્રદૂષિત પાણી અધવચ્ચે રોકી, તેને અન્ય દિશામાં વાળી તેના પર શુદ્ધીકરણ પ્રક્રિયા કરવામાં આવી છે. ઉપરાંત જલશુદ્ધીકરણ માટેની 261 યોજનાઓમાંથી 175 યોજનાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે. સેન્ટ્રલ ગંગા ઑથોરિટીએ પ્રયોજિત કરેલા એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી 43 જેટલા પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા છે તથા 7 પ્લાન્ટ ઊભા કરવા માટેની કાર્યવાહી ચાલુ છે.

કે. કા. શાસ્ત્રી

ગિરીશ ભટ્ટ

નટવરલાલ યાજ્ઞિક

બાળકૃષ્ણ માધવરાવ મૂળે