ખેલકૂદ : શારીરિક તથા માનસિક સ્ફૂર્તિ માટેની જન્મજાત પ્રવૃત્તિ. મૂળ હિન્દી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઊતરી આવેલા ‘ખેલકૂદ’ શબ્દનો વિશાળ અર્થ થાય છે રમતગમત અથવા શરીરને સ્વાસ્થ્ય તથા મનને આનંદ આપનારી સાહજિક રમત. સજીવ સૃષ્ટિમાં રમતગમત યા ખેલકૂદપ્રવૃત્તિ સર્વત્ર જોવામાં આવે છે. પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પર ઊડાઊડ કરે છે અને ગાય છે; વાછરડાં કૂદાકૂદ કરે છે અને પરસ્પર ગેલ કરે છે; બકરીનાં બચ્ચાં ઊછળી ઊછળી ટક્કરો મારે છે; કુરકુરિયાં, બિલાડીનાં બચ્ચાં અને ખિસકોલીઓ એકબીજાને પકડવા દોડતાં જોવામાં આવે છે; શિયાળ, વાંદરાં તથા વાઘનાં બચ્ચાં બાથંબાથી કરતાં જોવામાં આવે છે. ઝીણું અવલોકન કરતાં જણાય છે કે પ્રાણીસૃષ્ટિમાં લગભગ બધાં પ્રાણીઓ કોઈ ને કોઈ સમયે ખેલકૂદ, રમત યા ક્રીડા જેવું વર્તન કરતાં હોય છે.

વિવિધ દેશોમાં વસતી સુધરેલી પ્રજાઓમાં છોકરીઓ ઢીંગલીથી રમે છે, છોકરા જાતજાતની રમતગમતો રમે છે અથવા બાથંબાથી કરે છે. મોટી ઉંમરના લોકો પણ તેમનાં શરીર અને સ્વભાવને અનુકૂળ રમતો રમે છે. નહિ સુધરેલી અને પછાત ગણાતી માનવજાતિઓમાં પણ રમતો રમાતી જોવામાં આવે છે; એટલું જ નહિ, પણ તે તેમના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. આમ રમતગમત યા ખેલકૂદ માનવજાતજૂની સાહજિક પ્રવૃત્તિ છે, જે અંતરની માગ સંતોષે છે અને પરિણામે આનંદપ્રદ છે.

આદિકાળથી માનવીના જીવનક્રમમાં કેટલીક મૂળભૂત પ્રવૃત્તિઓ જોડાયેલી રહી છે અને સાહજિક બની ગઈ છે. આ પૈકી સ્વ-સ્થળાંતર માટે (1) ચાલવું, (2) દોડવું, (3) કૂદવું, (4) તરવું અને (5) ચડવું એ પાંચ પ્રવૃત્તિઓ તથા ચીજ યા વસ્તુ-સ્થળાંતર માટે (1) ઊંચકવું, (2) ધકેલવું, (3) ખેંચવું, (4) ફેંકવું અને (5) ફટકો મારવો એ પાંચ પ્રવૃત્તિઓ મુખ્યત્વે માલૂમ પડે છે. ખેલકૂદ યા રમતગમતોમાં તેમનો સમાવેશ થાય છે.

વર્તમાન સમયમાં ઍથ્લેટિક્સ, જિમ્નેસ્ટિક્સ, દ્વંદ્વલડત, નિશાનબાજી, દડા-ફેંકની રમતો, કોર્ટની રમતો, સાંઘિક રમતો, લાકડી-દડાની રમતો, જળરમતો, શિયાળુ રમતો, પ્રાણીપ્રવૃત્ત રમતો, પૈડાગત રમતો, હવાઈ રમતો એમ વિવિધ પ્રકારની અનેક ખેલકૂદ વિશ્વના વિવિધ દેશોમાં પ્રચલિત છે અને જે તે રમતગમત-વિભાગની સ્પષ્ટતા થાય તેમ તે તે રમતવિભાગના ઉલ્લેખ પછી ‘ખેલકૂદ’ શબ્દ ‘સ્પૉટર્સ’ના અર્થમાં પ્રયોજવામાં આવે છે; જેમ કે, માર્ગીય અને મેદાની ખેલકૂદ (track and field sports), જળ-ખેલકૂદ (water sports), નિશાનબાજી-ખેલકૂદ (shooting sports) વગેરે.

આમ છતાં ગુજરાતી ભાષામાં પ્રયોજાતા ‘ખેલકૂદ’ શબ્દને તેના વિશિષ્ટ અર્થમાં વિચારીએ તો તે શબ્દપ્રયોગ ખાસ કરીને ટ્રૅક ઍન્ડ ફિલ્ડ-સ્પૉટર્સ એટલે કે માર્ગીય અને મેદાની રમતો માટે પ્રયોજવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે નીચેની રમતગમતોનો સમાવેશ થાય છે :

() દોડ : ટૂંકા અંતરની ઝડપી દોડ (100 મી., 200 મી., 400 મી.), મધ્યમ અંતરની ઝડપી દોડ (800 મી., 1500 મી.), લાંબા અંતરની દોડ (5,000 મી., 10,000 મી.), વિઘ્નદોડ (110 મી., 200 મી., 400 મી.), ટપ્પાદોડ (4 x 100, મી. 4 x 400 મી.), મૅરેથૉન દોડ (42,195 મી.), જલદ ચાલ.

() કૂદ : લાંબી કૂદ, લંગડી ફાળકૂદ, ઊંચી કૂદ, વાંસકૂદ.

() ફેંક : ગોળાફેંક, હથોડાફેંક, બરછીફેંક, ચક્રફેંક.

આદિકાળથી વિશ્વના દરેક દેશના રમતગમત-કાર્યક્રમમાં ઉપર્યુક્ત માર્ગીય અને મેદાની રમતો(ખેલકૂદ)નું મહત્વનું સ્થાન રહ્યું છે.

આ પ્રકારની રમતગમત-સ્પર્ધાઓની વિશિષ્ટતા એ છે કે, અન્ય રમતસ્પર્ધાઓમાં એક હરીફ કે ટુકડી પ્રતિપક્ષી હરીફ કે ટુકડી સાથે સ્પર્ધા તથા સંઘર્ષમાં ઊતરે છે; તેનાથી ઊલટું, આ રમતગમત-સ્પર્ધાઓમાં ખેલાડી સમય, અંતર કે ઊંચાઈમાં નોંધાયેલા પોતાના પૂર્વ આંકને અથવા સ્થપાયેલા વિક્રમને પડકાર તરીકે સ્વીકારે છે અને તેને આંબી જવા પુરુષાર્થ કરે છે. આ કારણે સ્પર્ધક ખેલાડીઓમાં દ્વેષ કે શત્રુભાવ નહિ, પણ ખેલદિલી અથવા અરસપરસ સમજૂતી અને પ્રેમપૂર્ણ મૈત્રીસંબંધો વિકસી શકે છે. રાજ્ય, રાષ્ટ્ર કે વિશ્વ રમતોત્સવોમાં આ ખેલકૂદ-સ્પર્ધાઓનું સ્થાન પાયાનું, પ્રતિષ્ઠાભર્યું અને મહત્વનું ગણાય છે અને તેના સમારંભને ખેલકૂદ-સંમેલન (athletic meet) કહેવામાં આવે છે.

ચિનુભાઈ શાહ