ખેરસન (ચેરસન) : દક્ષિણ-મધ્ય યુક્રેનનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું મુખ્ય શહેર અને વહીવટી કેન્દ્ર. ભૌ. સ્થાન : 46o 38′ ઉ. અ. અને 32o 35′ પૂ. રે. યુક્રેનમાં આવેલી નીપર નદીના મુખથી ઉપરવાસ 30 કિમી. દૂર તે આવેલું છે.

વી. જી. શુખોવ દ્વારા મુકાયેલી દીર્ઘલંબાકાર ગોળાઈવાળી દીવાદાંડી,
ખેરસન, યુક્રેન, 1911

તે પ્રાચીન ગ્રીક વસાહતને સ્થાને વસ્યા બાદ તેનો ઝડપી વિકાસ થયો હતો. તેના સ્થાપક રાજકુમાર પટેમ્કિને આ શહેર 1778માં વસાવ્યું હતું. નદી ઉપરના આ બંદરમાંથી કાદવ દૂર કરી પાણીનું ઊંડાણ વધાર્યું હતું અને લૉકગેટ દ્વારા પાણીની ઊંડાઈ જળવાઈ રહે તે રીતે બંદરની સુધારણા કરી હતી. 1917-20 દરમિયાન આંતરવિગ્રહને કારણે શહેરને ઘણું નુકસાન થયું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઑગસ્ટ 1941થી માર્ચ 1944 સુધી તે જર્મનોના કબજા નીચે હતું.

દર શિયાળે 70 દિવસો સુધી બારું થીજી જાય છે અને વાહનવ્યવહારમાં હરકત થાય છે. અહીં જહાજવાડો, માંસ પૅક કરવાનું કારખાનું, માછલીની પ્રક્રિયા માટેનું કારખાનું, સાબુ અને ખેતીવાડીનાં ઓજારોનાં કારખાનાં છે. અહીં બિયર તથા કાપડ પણ બને છે. 2021માં તેની વસ્તી 2,83,649 હતી.

ખેરસનનો 27,200 ચોકિમી. વિસ્તાર છે. સમગ્ર પ્રદેશ સપાટ છે અને ઘઉં, જવ વગેરેની ખેતી થાય છે. 2% વિસ્તારમાં જંગલો આવેલાં છે. જહાજવાડાના, ધાતુકામના, ખાદ્યપદાર્થોના, ખેતીવાડીનાં ઓજારો વગેરે બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે. અહીંની દીવાદાંડી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

શિવપ્રસાદ રાજગોર