ખેતરસાયણ-ઉદ્યોગ

પાકના સંરક્ષણ (protection), પરિરક્ષણ (preservation) તથા ખેતપેદાશોની ઊપજ વધારવા માટે ઉપયોગમાં લેવાતાં રસાયણોનો ઉદ્યોગ. વધતી જતી વસ્તીની વપરાશ માટે અન્ન અને ખેતીઆધારિત અન્ય ચીજોનું ઉત્પાદન વધારવું અનિવાર્ય છે. તે માટે દિન-પ્રતિદિન રસાયણોના ઉપયોગનું મહત્વ વધતું જતું હોવાથી આધુનિક ખેતીને રાસાયણિક ખેતી પણ કહેવામાં આવે છે. વધુ ઉત્પાદન મેળવવા કૃષિમાં રસાયણોનો ઉપયોગ મુખ્યત્વે નીચેનાં ક્ષેત્રોમાં થાય છે :

1. પાકના પોષણ માટે રાસાયણિક ખાતરો
2. પાકસંરક્ષણ કીટકનાશક રસાયણો

બૅક્ટેરિયા/ ફૂગનાશક રસાયણો

3. નીંદણનિયંત્રણ વનસ્પતિનાશક રસાયણો (herbicide),

નીંદણનાશક રસાયણો (weedicide)

4. વૃદ્ધિકારકો વૃદ્ધિનિયંત્રકો
5. હૉર્મોન્સ

(અંત:સ્રાવો)

(1) ફળ-ફૂલ બેસવા માટેનાં  રસાયણો

(2) મૂળ ફૂટવા માટે વપરાતાં રસાયણો

6. પાકસંવર્ધન ફળવૃદ્ધિ માટે વપરાતાં રસાયણો
7. જમીન અને જળસંરક્ષણ પાણીનું ઉદબાષ્પન અને પ્રસ્વેદન ઘટાડવા,

જમીનનો બાંધો (પ્રત) સુધારવા

8. જમીનસુધારકો અમ્લતા, ભાસ્મિકતા – સુધારણા

કૃષિના દરેક ક્ષેત્રમાં આવાં રસાયણોનો ઉપયોગ વધતો જાય છે. આવાં રસાયણો મુખ્યત્વે ભારતમાં બને છે, જોકે કેટલાંક આયાત પણ કરવાં પડે છે. ઉદ્યોગોમાં આવાં રસાયણો બનાવવામાં થતી પાયાની પ્રક્રિયા નીચે મુજબ છે :

નાઇટ્રોજનયુક્ત ખાતરો : નાઇટ્રોજનયુક્ત ખાતરોમાં એમોનિયાનાં અગત્યનાં લવણો જેવાં કે એમોનિયમ ક્લોરાઇડ (NH4Cl), એમોનિયમ સલ્ફેટ (NH4)2SO4, એમોનિયમ નાઇટ્રેટ (NH4NO3), ચિલિયન નાઇટ્રેટ, કૅલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ, યૂરિયા-(NH2CONH2), એમોનિયા દ્રાવણ, સોડિયમ નાઇટ્રેટ, પ્રવાહી એમોનિયા તેમજ ધીમેથી નાઇટ્રોજન મળે તેવાં ખાતરોમાં થાયૉયૂરિયા, યૂરિયા ફૉર્માલ્ડિહાઇડ વગેરેનો સમાવેશ થાય છે.

(1) એમોનિયમ ક્લોરાઇડ : (ક) હાઇડ્રોક્લોરિક ઍસિડમાં એમોનિયા વાયુ પસાર કરવામાં આવે તો એમોનિયમ ક્લોરાઇડ બને છે. NH3 + HCl → NH4Cl. (ખ) વૉશિંગ સોડા બનાવવાની આડપેદાશ તરીકે એમોનિયમ ક્લોરાઇડ બને છે. 2NaCl + 2NH3 + H2CO3 → Na2CO3 + 2NH4Cl. તેમાં 25 % નાઇટ્રોજન હોય છે.

(2) એમોનિયમ સલ્ફેટ : ભારતમાં 83 % એમોનિયમ સલ્ફેટ જિપ્સમ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. બાકીનો 17 % કોલસા અને પોલાદની ઉપપેદાશ તરીકે મેળવવામાં આવે છે. તેમાં 20થી 21 % એમોનિયા રૂપે નાઇટ્રોજન હોય છે. સિંદરીના ખાતરના કારખાનામાં તેમજ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપની દ્વારા વડોદરામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી દાબ વિદ્યુત આર્કથી એમોનિયા બનાવવામાં આવે છે. ચિરોડીના બારીક ભૂકાને પાણી સાથે મિશ્રિત કરી તેમાં કાર્બન ડાયૉક્સાઇડ અને એમોનિયા પસાર કરવાથી એમોનિયમ સલ્ફેટનું વિલયન બને છે અને કૅલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ મળે છે.

(3) કૅલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ (28 % નાઇટ્રોજન) : ભારતમાં તે નાંગલ ફૅક્ટરીમાં બનાવવામાં આવે છે. એમોનિયમ નાઇટ્રેટની કૅલ્શિયમ કાર્બોનેટ (લાઇમસ્ટોન) સાથે પ્રતિક્રિયા કરવાથી બને છે.

(4) યૂરિયા (45–46 % નાઇટ્રોજન) : નિર્જલ એમોનિયા (ઍન-હાઇડ્રસ એમોનિયા) અને કાર્બન ડાયૉક્સાઇડ વચ્ચે ભારે દબાણ (340 વાતાવરણ) હેઠળ અને ઉત્પ્રેરકની હાજરીમાં પ્રતિક્રિયા થતાં યૂરિયા નીચે પ્રમાણે બને છે :

        2 NH3 + CO2 → NH2COONH4

        NH2COONH4 → H2N-CO-NH2 + H2O

(5) ધીમેથી લભ્ય થતાં નાઇટ્રોજનયુક્ત ખાતરો : રાસાયણિક ખાતર દ્વારા અપાયેલ નાઇટ્રોજનનો છોડ દ્વારા 50 %થી 60 % જેટલો ઉપયોગ થાય છે. બાકીના નાઇટ્રોજનનો બાષ્પીભવન(volatili-zation)થી તેમજ નિતાર દ્વારા વ્યય થાય છે; તેથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ધીમેથી મળતાં નાઇટ્રોજનનાં સંયોજનો ખાતર રૂપે આપવાનો આગ્રહ રખાય છે. એમાં સલ્ફરકોટેડ યૂરિયા જાણીતું છે.

(ક) સલ્ફરકોટેડ યૂરિયા : સલ્ફરકોટેડ યૂરિયામાં 32 % નાઇટ્રોજન, 27 %થી 34 % ગંધક તેમજ 22 % મીણ હોય છે. રાસાયણિક પ્રક્રિયા જમીનમાં યૂરિયા જેવી જ થાય છે; પરંતુ મધપૂડાની જાળી જેવાં ગંધકનાં પડથી યૂરિયાનું જલદી જળ-વિભાજન તેમજ એમોનિયમ આયનનું ઉપચયન થતું નથી. છોડને ધીરે ધીરે નાઇટ્રોજન મળે છે.

(ખ) યૂરિયા ફૉર્માલ્ડિહાઇડ સંયોજનો : યૂરિયા તથા ફૉર્માલ્ડિ-હાઇડનાં સંયોજનથી આ પદાર્થો બનાવવામાં આવે છે. તેમાં 35 % નાઇટ્રોજન હોય છે, જેમાંનો મોટા ભાગનો નાઇટ્રોજન અદ્રાવ્ય સ્વરૂપમાં હોય છે. ક્રિયાશીલ આંકની ર્દષ્ટિએ તે 40 %થી ઓછો હોવો જોઈએ નહિ. તેનો મિશ્ર ખાતર તરીકે ઉપયોગ થઈ શકે છે. ઘાસ અને અમુક ચોક્કસ પાકોમાં તે ઉપયોગી છે.

(6) નિર્જળ એમોનિયા (83 % નાઇટ્રોજન) : હવાના દબાણ હેઠળ ઊંચા તાપમાને નાઇટ્રોજન અને હાઇડ્રોજનને સંયોજિત કરીને નિર્જળ એમોનિયા બનાવાય છે. તે વાયુના રૂપમાં હોય છે. તેનો સીધો નાઇટ્રોજન ખાતર તરીકે કે મલ્ટિન્યુટ્રિયન્ટ (બહુપોષક) ખાતરમાં ઉપયોગ થાય છે. જોકે બાષ્પીભવન રૂપે ઊડી જવાથી તેનો બહુ વ્યય થાય છે.

(7) લીકર એમોનિયા : ઍનહાઇડ્રસ એમોનિયાને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. આમાં પણ વાયુરૂપ નાઇટ્રોજનનો ખૂબ વ્યય થાય છે.

ફૉસ્ફૅટિક ખાતરો : આ ખાતરોના ત્રણ વિભાગ છે. : (1) પાણીમાં દ્રાવ્ય ફૉસ્ફરસયુક્ત ખાતરો; (2) સાઇટ્રિક ઍસિડમાં દ્રાવ્ય ફૉસ્ફરસયુક્ત ખાતરો; (3) અદ્રાવ્ય ફૉસ્ફરસયુક્ત ખાતરો.

(1) પાણીમાં દ્રાવ્ય ફૉસ્ફરસયુક્ત ખાતરોમાં સિંગલ સુપરફૉસ્ફેટ (16 %થી 189. P2O5), ડબલ સુપરફૉસ્ફેટ (32થી 40 %) અને ટ્રિપલ સુપરફૉસ્ફેટ (40 %થી 50 %)નો સમાવેશ થાય છે, તેમાં ફૉસ્ફેટ પાણીમાં દ્રાવ્ય ફૉસ્ફૉરિક ઍસિડ (P2O5) રૂપે હોય છે.

સિંગલ સુપરફૉસ્ફેટ : બીલોપેટી નામના વૈજ્ઞાનિકે ક્રાયોલાઇટ પર ગંધકના તેજાબની પ્રક્રિયાથી બનાવેલ. ફરીથી 1925માં તેમણે તે રૉક ફૉસ્ફેટ પર ગંધકના તેજાબની પ્રક્રિયાથી બનાવેલ :

Ca3(PO4)2 + 2H2SO4 + 4H2O →

Ca (H2PO4)2 + 2 (CaSO4. 2H2O)

જિપ્સમ ઉપપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. આ રીતે તૈયાર થયેલા ખાતરને સિંગલ અથવા સામાન્ય સુપરફૉસ્ફેટ કહેવામાં આવે છે.

ડબલ સુપરફૉસ્ફેટ : રૉક ફૉસ્ફેટ પર ફૉસ્ફૉરિક ઍસિડની લાંબા સમય સુધી પ્રક્રિયા કરીને તે બનાવવામાં આવે છે :

Ca3 (PO4)2 + 4 H3PO4 → 3 Ca(H2PO4)2

ટ્રિપલ સુપરફૉસ્ફેટ : ટ્રિપલ સુપરફૉસ્ફેટ બે તબક્કામાં બનાવવામાં આવે છે. પ્રથમ તબક્કામાં ફૉસ્ફૉરિક ઍસિડ બનાવવામાં આવે છે. અને બીજા તબક્કે રૉક ફૉસ્ફેટ અને ફૉસ્ફૉરિક ઍસિડ વચ્ચે લાંબા સમય સુધી પ્રક્રિયા થવા દેવામાં આવે છે :

CaF2.3 Ca3(PO4)2 + 14 H3PO4 → 10 Ca(H2PO4)2 + 2HF

હાલમાં ડાયએમોનિયમ ફૉસ્ફેટ, મૉનોએમોનિયમ ફૉસ્ફેટ વગેરે ડબલ અગર ટ્રિપલ સુપરફૉસ્ફેટને બદલે વાપરવામાં આવે છે. મૉનોએમોનિયમ ફૉસ્ફેટમાં 11 % નાઇટ્રોજન અને 61 % પાણીમાં દ્રાવ્ય ફૉસ્ફૉરિક ઍસિડ હોય છે. ડાયએમોનિયમ ફૉસ્ફેટમાં 18 % નાઇટ્રોજન અને 47 %થી 48 % દ્રાવ્ય ફૉસ્ફૉરિક ઍસિડ હોય છે. આનું ઉત્પાદન ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપની, વડોદરા દ્વારા મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

(2) પાણીમાં અદ્રાવ્ય પરંતુ સાઇટ્રિક ઍસિડમાં દ્રાવ્ય ખાતરો : જે જમીનમાં ભેજ તેમજ અંગારવાયુનું પ્રમાણ વધારે હોય તેવી જમીનમાં આ ખાતરોમાંથી ફૉસ્ફેટ વધુ દ્રાવ્ય બને છે; દા.ત., ડાયકૅલ્શિયમ ફૉસ્ફેટ (26 %થી 34 %), કૅલ્શિયમ ફૉસ્ફેટ, બેઝિક સ્લૅગ(5થી 17 %).

(3) અદ્રાવ્ય ફૉસ્ફેટિક ખાતરો : તેમાં રૉક ફૉસ્ફેટ (30 % ફૉસ્ફેટ), હાડકાંનો ભૂકો વગેરેનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ અમ્લીય જમીનમાં થાય છે. હાડકાંના ભૂકામાં રહેલો ફૉસ્ફેટ છોડને સહેલાઈથી લભ્ય નથી.

ફૉસ્ફરસયુક્ત જાણીતાં ખાતરો : સુપરફૉસ્ફેટ, મૉનોએમોનિયમ ફૉસ્ફેટ, ડાયએમોનિયમ ફૉસ્ફેટ, નાઇટ્રો-ફૉસ્ફેટ, એમોફૉસ, બેઝિક સ્લૅગ, મૉનોકૅલ્શિયમ ફૉસ્ફેટ, મેટાફૉસ્ફેટ વગેરે છે.

પોટાશયુક્ત ખાતરો : (1) પોટૅશિયમ સલ્ફેટ : તેમાં 48 %થી 52 % પોટાશ છે. શોયેનાઇટ, કેનાઇટ વગેરેમાં પોટૅશિયમ સલ્ફેટ હોય છે. કેનાઇટને પાણીમાં ઓગાળી સ્ફટિકીકરણ કરતાં શોયેનાઇટના સ્ફટિક મળે છે. તેને KCl સાથે ગરમ કરતાં તેમાંથી ઓછો દ્રાવ્ય K2SO4 છૂટો પડે છે. તેનું સાંદ્રણ કરતાં K2SO4ના સ્ફટિકો મળે છે.

વેપારી ધોરણે તે મ્યુરિયેટ ઑવ્ પોટાશ અને મૅગ્નેશિયમ સલ્ફેટનાં દ્વિવિઘટનથી બનાવવામાં આવે છે.

(2) પોટૅશિયમ ક્લોરાઇડ અથવા મ્યુરિયેટ ઑવ્ પોટાશ : તેમાં 48 %થી 62 % પોટાશ હોય છે. પ્રાકૃતિક રૂપે તે સિલ્વાઇટ અને કાર્નેલાઇટમાં આવેલું હોવાથી ખાસ કરીને કાર્નેલાઇટને ગરમ પાણીમાં ઓગાળી આલંબિત અશુદ્ધિઓ ગાળણક્રિયાથી દૂર કરીને દ્રાવણનું સ્ફટિકીકરણ કરવાથી KClના સ્ફટિકો મળે છે. આ ઉપરાંત તેનું સંશ્લેષણ પણ કરી શકાય છે. દા. ત.,

KOH + HCl → KCl + H2O

(3) પૉટેશિયમ નાઇટ્રેટ : આ ખાતર સૉલ્ટપીટર(સુરોખાર)માંથી બનાવવામાં આવે છે. તેને નાઇટર કહેવામાં આવે છે. તે ભારત અને બીજા દેશોના ઉષ્ણકટિબંધ પરના ઘણા ભાગોમાં થર રૂપે હોય છે. આવા થર થવાનું કારણ પોટાશયુક્ત લવણોની હાજરીમાં નાઇટ્રોજનયુક્ત યૌગિકોનું સૂક્ષ્મ જીવાણુઓ વડે થતું ઉપચયન છે.

ચીની સૉલ્ટપીટરમાં પોટૅશિયમ ક્લોરાઇડનું ગરમ અને સાંદ્ર દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે ઓછું દ્રાવ્ય મીઠું છૂટું પડે છે અને દ્રાવણનું સ્ફટિકીકરણ કરીને પોટૅશિયમ નાઇટ્રેટ મેળવવામાં આવે છે :

NaNO3 + KCl → KNO3 + NaCl

તેમાં 16 % નાઇટ્રોજન અને 46 % પોટૅશિયમ હોય છે. તે દારૂગોળામાં વપરાય છે તેથી ખાતર તરીકે મોંઘું પડે છે. વળી સંગ્રહ કરવામાં સાવચેતી રાખવી પડે છે નહિતર ધડાકો થવાનો ભય રહે છે. એટલે ખાતર તરીકે વપરાશમાં પ્રચલિત નથી.

(4) પોટૅશિયમ મેટાફૉસ્ફેટ : તેમાં 35 % પોટાશ અને 55 % ફૉસ્ફોરિક ઍસિડ હોય છે. તે પરદેશમાં ખાતર તરીકે વપરાય છે. મૅગ્નેશિયમયુક્ત પોટાશનું આ ખાતર શોયેનાઇટ નામથી જાણીતું છે. તે ભાવનગરનાં લવણસંશોધન કેન્દ્ર તરફથી શોધાયેલું છે અને તે દરિયાના પાણીમાંથી છૂટું પાડવામાં આવે છે.

કૅલ્શિયમયુક્ત ખાતરો : કૅલ્શિયમ માટે ચૂનો, ચિરોડી અને ડોલોમાઇટ જાણીતાં છે. પરંતુ તે કુદરતી ખનિજો રૂપે મળતાં હોવાથી તેનો ઔદ્યોગિક રીતે વિકાસ થયો નથી. ફૉસ્ફરસવાળાં ખાતરોની બનાવટમાં તે જિપ્સમ તરીકે મળે છે.

મૅગ્નેશિયમ : મૅગ્નેશિયમ માટે ડોલોમાઇટ જાણીતું છે. તેમાંનાં તત્ત્વો સંયોજનમાં જમીનસુધારક તરીકે વપરાય છે.

ગંધક : તે મુક્ત અને સંયોજન રૂપે મળી આવે છે. ખનિજ તરીકે તે સલ્ફાઇડ, સલ્ફેટ અને કાર્બનિક સંયોજનમાં હોય છે. તે ઔદ્યોગિક વિસ્તારમાં સલ્ફર ડાયૉક્સાઇડના રૂપે વરસાદ સાથે જ જમીનમાં આવે છે. શુદ્ધ ગંધક અક્રિયાશીલ છે; પરંતુ તેને પાઉડર રૂપે જમીનમાં નાખવામાં આવે ત્યારે તેનું ઉપચયન સલ્ફેટના રૂપમાં થાય છે. ગંધકની ઊણપ દૂર કરવા ગંધકવાળાં ખાતરો જેવાં કે એમોનિયમ સલ્ફેટ, એમોફૉસ, એમોનિયમ નાઇટ્રેટ સલ્ફેટ, કૉપર સલ્ફેટ, જિપ્સમ, પોટૅશિયમ સલ્ફેટ વગેરે આપવામાં આવે છે. ભાસ્મિક જમીન સુધારવામાં તેનો ઉપયોગ થાય છે. ગંધકમાંથી ઔદ્યોગિક રીતે સલ્ફ્યુરિક ઍસિડ બનાવવામાં આવે છે, જે બીજી ઘણી રાસાયણિક ક્રિયાઓમાં વપરાય છે. ફૂગ તથા જીવાતના નાશ માટે પણ ગંધકનો પાઉડર વપરાય છે.

લોહ : કુદરતમાં તે મુક્ત પ્રમાણમાં મળતું નથી. ભારતમાં બિહાર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં લોઢાની ખાણો છે. જમશેદપુર, ભિલાઈ, દુર્ગાપુર, રૂરકેલા અને મૈસૂરમાં લોઢાનાં કારખાનાં છે. તે મુખ્યત્વે હેમેટાઇટ, લિમોનાઇટ, મૅગ્નેટાઇટ રૂપે મળે છે. લોહ અને સલ્ફ્યુરિક ઍસિડની પ્રક્રિયાથી ફેરસ સલ્ફેટ બને છે :

Fe + H2SO4 → FeSO4 + H2

આયર્ન પાયરાઇટિસનું ભેજવાળી હવામાં ઉપચયન કરવાથી ફેરિક સલ્ફેટ બને છે અને તેનું અપચયન કરતાં ફેરસ સલ્ફેટ બને છે. ફેરસ સલ્ફેટ સૂક્ષ્મ તત્વોના ખાતર તરીકે લોહ માટે વપરાય છે.

મૅંગેનીઝ : કુદરતમાં તે ઑક્સાઇડ રૂપે મળે છે. મુક્ત અવસ્થામાં તે મળતું નથી. ચૂનાવાળી જમીનમાં તેમજ બહુ ઊંચો pH આંક હોય તેવી (ભાસ્મિક) જમીનમાં તેની ઊણપ હોય છે. તે મૅંગેનીઝ સલ્ફેટ રૂપે અપાય છે અથવા છોડ પર તેનું દ્રાવણ છાંટવામાં આવે છે. તે મૅંગેનીઝ ડાયૉક્સાઇડ પર સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે :

2MnO2 + 2H2SO4 → 2MnSO4 + 2H2O + O2

જસત : જમીનમાં મુક્ત અવસ્થામાં મળતું નથી. તે સક્રિય ધાતુ છે. તે ઝિંક ઑક્સાઇડ, ઝિંક સલ્ફાઇડ અને ઝિંક કાર્બોનેટ રૂપે મળે છે. તે અતિસૂક્ષ્મ માત્રામાં જરૂરી છે છતાં ખેતીવાડીમાં તેનું ઘણું મહત્વ છે.

ઝિંક ધાતુ, ઝિંક ઑક્સાઇડ, અગર ઝિંક કાર્બોનેટ સાથે સલ્ફ્યુરિક ઍસિડની પ્રક્રિયા થતાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ બને છે :

ZnCO3 + H2SO4 → ZnSO4 + H2CO3

તાંબું : કુદરતી રીતે તે મુક્ત અવસ્થામાં અથવા સંયુક્ત રૂપમાં મળે છે. ભારતમાં તાંબું બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાંથી ઑક્સાઇડ, સલ્ફાઇડ, કાર્બોનેટ તરીકે સંયોજિત અવસ્થામાં મળે છે. જુદી જુદી જાતની ફૂગથી થતા રોગના પ્રતિકાર માટે તાંબાનાં સંયોજનો વપરાય છે. બોર્ડો મિશ્રણને કૉપર સલ્ફેટ, ચૂનો અને પાણીનું મિશ્રણ કરી બનાવાય છે.

કૉપર ઝિંક ક્રોમેટ જે કૉપર ક્રોમેટ CuCrO4 અને ઝિંક ક્રોમેટ ZnCrO4નું મિશ્રણ છે તે ફૂગનાશક તરીકે વપરાય છે.

કૉપર સલ્ફેટ (મોરથૂથું) : તાંબું અને સલ્ફ્યુરિક ઍસિડના મિશ્રણમાં હવા પસાર કરવાથી બને છે :

2Cu + 2H2SO4 + O2 → 2CuSO4 + 2H2O

જમીનમાં નાખવાથી અથવા છાંટવાથી તેની ઊણપથી થતા રોગ જેવા કે ડાયબેક નામનો સુકારાનો રોગ, રૉકેટ નામનો વૃક્ષોનો રોગ, પીળી અણી (yellow tip) દૂર થાય છે. કેટલાંક ઉત્સેચકો(enzymes)માં તે હોય છે. પ્રકાશસંશ્લેષણમાં તે અગત્યનો ભાગ ભજવે છે.

છોડના પોષણમાં ઉપયોગી સંકીર્ણ કિલેટ સંયોજન : છોડવાના પોષણ માટે ખૂબ જ આવશ્યક સૂક્ષ્મતત્વો જેવાં કે લોહ, જસત, મૅંગેનીઝ, તાંબું વગેરે ઊંચા pH આંકવાળી જમીનમાં છોડને સુલભ્ય નથી હોતાં. પણ તેમનાં સંકીર્ણ સંયોજનો જેવાં કે ઇ. ડી. ટી. એ.(ઇથિલીનડાયઍમાઇનટેટ્રાએસેટિક ઍસિડ)ના લોહ, જસત, મૅંગેનીઝ અને તાંબાનાં લવણો છોડને સહેલાઈથી મળે છે.

જમીનસુધારકો : આ સુધારકોમાં ચૂનો અને ચૂનાના ઑક્સાઇડ, ચિરોડી, વગેરે છે. અમ્લીય જમીન સુધારવા માટે ચૂનો (કૅલ્શિયમ કાર્બોનેટ), કૅલ્શિયમ ઑક્સાઇડ વગેરે વપરાય છે; જ્યારે ભાસ્મિક જમીન સુધારવા માટે ગંધક, ચિરોડી વગેરે વપરાય છે. જે જમીનના બાંધાને સુધારવા માટે વપરાય છે.

કીટનાશક રસાયણો (pesticides) : ખેતરસાયણ-ઉદ્યોગમાં ખાતર પછીનું મહત્વનું સ્થાન કીટનાશક ખેતરસાયણનું આવે છે. ભારતમાં તેનું ઉત્પાદન 1952માં 200 ટન જેટલું હતું અને વપરાશ 432 ટનની હતી 1989-90માં 65,000 ટન ઉત્પાદન અને વપરાશ 84,008 ટન થઈ હતી. 2000ની સાલમાં તે અંદાજે 2,50,000 ટન સુધી પહોંચવાની ધારણા છે. સૌપ્રથમ કૉલકાતામાં 1952માં બી.એચ.સી.નું ઉત્પાદન 200 ટન કરવામાં આવેલ. બી.એચ.સી.ની શોધ 1945માં થયેલ. 1948માં કાર્બામેટ જૂથની દવાઓ શોધાઈ, 1969-70માં સિસ્ટેમિક ફૂગનાશકો અને 1975થી સિન્થેટિક પાયરેથ્રોઇડ દવાઓ શોધાઈ. ભારતમાં 1961-62માં નવ પ્રકારની ટૅકનિકલ કીટનાશક દવાઓનું ઉત્પાદન થતું હતું જ્યારે હાલ 45 ટૅકનિકલ કીટનાશક દવાઓનું ઉત્પાદન થાય છે. 1973-74માં હેક્ટરદીઠ 356 ગ્રામ કીટનાશક દવાઓ વપરાતી હતી, જ્યારે હાલ હેક્ટરદીઠ વપરાશ 550 ગ્રામ છે. કીટકના નાશ માટે જુદી જુદી રીતે અસર કરે તે લક્ષમાં રાખીને વિવિધ વિભાગમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. રાસાયણિક ગુણધર્મો પ્રમાણે કીટનાશક દવાઓનું વર્ગીકરણ, મહત્વની કીટનાશક દવાઓની બનાવટ તેમજ ઉપયોગ નીચે મુજબ છે :

(1) (ક) અકાર્બનિક સંયોજનો : દા.ત., આર્સેનિક સંયોજનો, ફ્લોરિનયુક્ત સંયોજનો, ગંધક અને ચૂનો, બેરિયમ કાર્બોનેટ અને બેરિયમ સલ્ફેટ. (2) કાર્બનિક સંયોજનો : (ક) હાઇડ્રોકાર્બન તેલ; દા.ત., પેટ્રોલિયમ, ડામર, કેરોસીન; (ખ) પ્રાણીજન્ય : દા.ત., નેરીટોસિન; (ગ) વનસ્પતિજન્ય : દા.ત., નિકોટિનૉઇડ્સ, નિકોટિન, પાયરેથ્રોઇડ (પાયરેથ્રમ), રોટેનૉઇડ (રોટિનોન), બાષ્પશીલ તેલો. (3) સંશ્લેષિત કાર્બનિક સંયોજનો : આ પ્રકારનાં સંયોજનો જુદા જુદા સમૂહનાં હોઈ સમૂહ પ્રમાણે આપેલ છે :

થાયૉસાયનેટ : – SCN સમૂહ

નાઇટ્રોફીનોલ : ડાયનાઇટ્રોફીનોલ્સ, ડાયનાઇટ્રોક્રેસોલ્સ

કાર્બામેટ : દા.ત., કાર્બારિલ, કાર્બોફ્યુરાન વગેરે

ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન : દા.ત., ડી.ડી.ટી., બી.એચ.સી., લિન્ડેન, ટૉક્સાફિન, એન્ડ્રિન, ડીલ્ડ્રિન, આલ્ડ્રિન, આઇસોડ્રિન, ક્લૉરડેન, હેપ્ટાક્લૉર, આઇસોબેન્ઝિન વગેરે.

કાર્બનિક ફૉસ્ફેટ : દા.ત., પૅરાથિયોન, મિથાઇલ પૅરાથિયોન, ડાયાઝિનોન, મેલાથિયોન, ડાયમિથોએટ, ફૉસ્ફામિડોન, થાયૉમેટોન, મૉનોક્રોટોફોસ, મિથાઇલ ડેમેટોન, ક્વિનોલફોસ વગેરે.

લેડ આર્સેનેટ : લેડ આર્સેનેટ દ્રાવ્ય લેડનાં લવણો તેમજ ડાયસોડિયમ આર્સેનેટ(Na2AsO4)ની ઓછા તાપમાને પ્રક્રિયા કરવાથી બનાવાય છે.

આર્સેનિક ઑક્સાઇડ અને પાણીના મિશ્રણ(H3AsO4)ને લિથાર્જ સાથે હલાવવાથી લેડ આર્સેનેટ બને છે. 1 ભાગ લેડ આર્સેનેટ અને 8 ભાગ કળીચૂનો કે ગંધક સાથે મિશ્ર કરી છાંટવાથી શાકભાજીની ઇયળો ચાંચડી વગેરેનો ઉપદ્રવ દૂર કરી શકાય છે. ઔદ્યોગિક રીતે As2O5 આર્સેનિક પૅન્ટોક્સાઇડ અને લિથાર્જ (PbO) સાથે પ્રક્રિયાથી લેડ આર્સેનેટના રૂપમાં મળે છે.

પૅરિસ ગ્રીન : પૅરિસ ગ્રીનનું રાસાયણિક નામ ક્યુપ્રિક ઍસિટો-આર્સેનાઇટ Cu(C2H2O2) (CuO)3As2O3 છે. સામાન્ય રીતે ધીમી પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. મોરથૂથું, સોડિયમ કાર્બોનેટ અને સફેદ આર્સેનિક તથા એસેટિક ઍસિડને ધીમેથી ગરમ કરવાથી બને છે. તેનો જઠરવિષ તરીકે ઉપયોગ થાય છે. કાતરા, તીતીઘોડા તેમજ મરચી અને તમાકુના થડને કાપી નાખતી ઇયળનો નાશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે.

સોડિયમ ફ્લોરાઇડ (NaF) : સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ ફલોરોસિલિકેટની પ્રતિક્રિયાથી તે બને છે.

Na2SiF6 + 2Na2CO3 + H2O → 6NaF + H2 SiO3 + 2CO2 તે ઘણું ઝેરી હોવાથી કિંમતમાં સસ્તું હોવા છતાં ખેતરમાં છંટકાવ માટે હવે વપરાતું નથી.

સ્પર્શઘ્ન અથવા સંસર્ગજન્ય વિષ (contact poison) : આને બે ભાગમાં વહેંચવામાં આવે છે. સાંશ્લેષિક સંયોજનો અને વનસ્પતિજન્ય યૌગિકો.

સ્પર્શથી ઝેરી અસર કરતાં રસાયણો : જે કીટકો છોડમાંથી રસ ચૂસે છે, ઉપરથી કાતરીને ખાઈ જતા નથી, તેના નાશ માટે આ ઉપયોગી છે.

થાયૉસાયનેટ વર્ગ : આ વર્ગના યૌગિકોને સલ્ફોસાયનાઇડ કહેવામાં આવે છે અને તેનું -SCN મૂલક હોય છે. હાલ તે ખાસ વપરાશમાં નથી.

ડાયનાઇટ્રોફિનાઇલ્સ : તેને ટૂંકમાં ડી.એન.સી. તરીકે ઓળખવામાં આવે છે. તેનું સોડિયમ લવણ 5 % પાણીમાં દ્રાવ્ય છે અને તે કીટકના નાશ માટે ઉપયોગી છે.

ક્લોરિનયુક્ત હાઇડ્રોકાર્બન : ડી.ડી.ટી. (dichlorodiphenyl-trichloroethane) (ડાયક્લોરોડાયફિનાઇલ-ટ્રાયક્લોરોઇથેન). તેને વધુ પડતા ક્લોરોબેન્ઝિન સાથે 30° સે. તાપમાને સલ્ફ્યુરિક ઍસિડની હાજરીમાં ક્લોરલ સાથે સંઘનન કરવાથી બનાવી શકાય છે. ખેતીવિષયક કીટનાશક તરીકે તેમજ માખી, મચ્છર, ઇતરડી, માંકડ તેમજ કાતરા, વાંદાના નાશ માટે વપરાય છે.

બી.એચ.સી. (C6H6Cl6) : (બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ) : બી.એચ.સી. ઘણી રીતે બનાવી શકાય છે. મુખ્યત્વે ત્રણ રીતો નીચે મુજબ છે :

(1) સાઇક્લો હેક્ઝેનનું ક્લોરિનીકરણ કરવાથી મળે છે.

        C6H12 + 6 Cl2 → C6H6Cl6 + 6HCl

(2) સાઇક્લો હેક્ઝીનનું યૌગિક ક્લોરિનીકરણ કરવાથી મળે છે.

        C6H10 + 5Cl2 → C6H6Cl6 + 4HCl

(3) બેન્ઝિનનું ક્લોરિનીકરણ કરવાથી મળે છે.

        C6H6 + 3Cl2 → C6H6Cl6

આમાં મોટે ભાગે પ્રથમ રીત પસંદ કરવામાં આવે છે. બી.એચ. સી.ના ઘણા સમઘટકો મળે છે; પરંતુ તેમાં આલ્ફા સમઘટક વધુ ઝેરી હોવાથી કીટકોના નાશ માટે ઉપયોગી છે. બજારમાં મળતાં બી.એચ.સી.નું સામાન્ય બંધારણ નીચે મુજબ છે :

(1) આલ્ફા સમઘટક 65 %થી 70 %, (2) બીટા સમઘટક 6 %થી 8 %, (3) ગામા સમઘટક 12 %થી 15 %, (4) ડેલ્ટા સમઘટક 2 %થી 5 %, (5) એપ્સાઇલોન સમઘટક 3 %થી 7 %

ક્લોરિન મુખ્યત્વે જ્ઞાનતંતુ પર અસર કરે છે. મુખ્યત્વે ઢાલપક્ષ, કીટકો, થ્રિપ્સ, પાયરીલા, ખપેડી, ઇયરહેડ, બગ વગેરેના નાશ માટે વપરાય છે.

ટૉક્સાફીન : C10H10Cl8 : ટૅક્નિકલ કેમ્ફિનનું ક્લોરિનીકરણ કરવાથી 67 %થી 69 % ક્લોરિન ધરાવતું ટૉક્સાફીન મેળવી શકાય છે. તે સ્પર્શઘ્ન તેમજ જઠરનાં ઝેર બંને રીતે અસર કરે છે. કાપી નાખનાર ઇયળ (cut worm), મશી (aphid), થ્રિપ્સ વગેરે સામે તે વપરાય છે.

આલ્ડ્રિન : C12H8Cl6 : ડીલ્સ અને આલ્ડરની પ્રક્રિયા દ્વારા આ કીટનાશક પદાર્થો બને છે. હેક્ઝાસાઇક્લોપૅન્ટાફિન સાથે સંયોજાતાં તેમાંથી એચ 101 નામનો પદાર્થ બને છે, જે હેક્ઝાકલૉરોસાઇક્લો પેન્ટાફિન સાથે સંયોજાઈ આલ્ડ્રિનનો મુખ્ય ઘટક એચ.એચ.ડી.એન. બને છે. તેનું પ્રમાણ 95 % જેટલું હોય છે. તેનો ભૂકો તીડ, કોબીના મૂળની માખો, કાપી નાખનાર ઇયળ વગેરે સામે વપરાય છે. તેના છંટકાવથી ધનેડાંનો નાશ થઈ શકે છે.

એન્ડ્રિન : C12H8OCl6 : ડીલ્ડ્રિનનો ત્રિવિમસમાવયવી છે. એન્ડ્રિન આઇસોડ્રિનનું ઉપચયન હાઇડ્રોજન પૅરૉક્સાઇડ એસેટિક ઍસિડમાં ઓછા તાપમાને કરવાથી મળે છે. તે પાણીમાં પલળી શકે તેવી ભૂકી, 20 %થી 50 % ઓછા ટકાવાળી ભૂકી, દાણાદાર તેમજ પાયસ- (emulsion) રૂપે મળે છે.

કોબીજ, બટાકા, તમાકુ તેમજ બીજા પાકોમાં પડતી જીવાતના નિયંત્રણ માટે ઉપયોગી; મોલોમશી, જેસીઝ, થ્રિપ્સ, બોલવર્મ, પાયનલા અને મધિયાના નિયંત્રણ માટે ઉપયોગી છે.

ડીલ્ડ્રિન : C12H8Cl8O : તે આલ્ડ્રિન અને પૅરૉક્સી એસેટિક અમ્લની પ્રતિક્રિયાથી બને છે. તે બિયારણની માવજત, તેમજ ગાજર અને ડુંગળીની માખોને અંકુશમાં લાવવા માટે વપરાય છે. તે સ્પર્શજન્ય તેમજ જઠરવિષ તરીકે કામ કરે છે.

એન્ડોસલ્ફાન : હેક્ઝાક્લોરોસાઇક્લોપૅન્ટાડિન અને 1, 4 ડાયહાઇડ્રૉક્સી બ્યૂટેન સલ્ફ્યુરિક ઍસિડમાંથી થયેલ પદાર્થ. SO3 સાથે પ્રતિક્રિયા કરવાથી બને છે. તેમાં ગંધક હોવાથી પાનકથીરીઓ સામે બહુ અસરકારક છે.

ટેટ્રાઇથાઇલપાયરોફૉસ્ફેટ : C8H20O7P2 : ટ્રાયઇથાઇલ ફૉસ્ફેટ અને ફૉસ્ફરસ પૅન્ટૉક્સાઇડ વચ્ચે નીચા તાપમાને પ્રતિક્રિયાથી બને છે. ટપકાંવાળી માઇટ, મિલીબગ, મોલોના નાશ માટે અકસીર છે. સ્તનધારી પ્રાણીઓ માટે ખૂબ જ કાતિલ ઝેર છે.

ડાયક્લોરવૉસ (dichlorvos) : ડી.ડી.વી.પી. અથવા નુવાન નામથી બજારમાં મળે છે. ટ્રાયમિથાઇલ ફૉસ્ફેટ સાથે ક્લોરલની પ્રતિક્રિયા કરવાથી બને છે. મચ્છર, માખી, મોલો, તડતડિયાં, ચૂસિયાં પ્રકારના કીટકો, ઇયળ વગેરેના નાશ માટે અકસીર છે.

પૅરાથિયોન : C10H14O5NPS : ડાયઇથાઇલપેરાનાઇટ્રોફિનાઇલ-ફૉસ્ફોરોથાયૉનેટ. ડાયઇથાઇલ ફૉસ્ફોરૉથાયૉક્લોરાઇડ અને પેરાનાઇટ્રોફીનોલની વચ્ચે આંતરિક ક્રિયાથી બને છે. તે ડૉ. શ્રેડરે વિકસાવેલ ખૂબ જ અસરકારક સ્પર્શજન્ય કાર્બનિક ફૉસ્ફેટ વિષ છે. તે મોલો, સફેદ માખી, તડતડિયાં, પાન ખાનારી ઇયળો, પાનકથીરી – ગાભમારાની ઇયળ, ગાંઠિયા માખી, ઢાલપક્ષ કીટકો સામે અસરકારક છે. ઇથાઇલ પૅરાથિયોન ખૂબ જ ઝેરી હોવાથી તેના વાપરવા પર પ્રતિબંધ છે.

મૅલોથિયોન : C10H10O6PS2 : ડાયમિથાઇલડાયથાયૉફૉસ્ફોરિક ઍસિડમાં મેલિક ઍસિડ એસ્ટર બેઝિક (ભાસ્મિક) ઉદ્દીપકની હાજરીમાં ઉમેરવાથી કાર્બનિક દ્રાવણ કે દ્રાવણ વગર બનાવી શકાય. ઝાયલીનનો મૅલોથિયોનની બનાવટમાં ઉપયોગ થાય છે. પેટ્રોલિયમ સિવાય કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. આ દવા ફૉસ્ફેટ જૂથમાં સૌથી સલામત ગણાય છે. પાકમાંથી રસ ચૂસનાર મોલો, મશી, તડતડિયાં, મિલીબગ તથા પાનકથીરીના નાશ માટે અકસીર છે.

ડાયાઝિનોન : C12H2N2O3P5 : 2-આઇસોપ્રોપાઇલ, મિથાઇલ, 6-હાઇડ્રૉક્સીપિરિમિડીનની, પૉટેશિયમ કાર્બોનેટની હાજરીમાં ડાયઇથાઇલક્લોરોથાયૉફૉસ્ફેટ સાથે પ્રક્રિયા કરવાથી ડાયાથિનોન બને છે. સ્પર્શવિષ તથા જઠરવિષ તેમજ થોડે અંશે ધૂમ્રકર વિષનો ગુણ ધરાવે છે. ઇયળો, પાનકથીરીઓ, મોલો વગેરે સામે વપરાય છે. જૂ, ચાંચડ, માંકડ વગેરેના નિયંત્રણ માટે અકસીર છે.

ફેનિટ્રોથિયોન : સુમિથિયોન અથવા ફૉલિથિયોનના નામથી બજારમાં મળે છે. o–, o– ડાયમિથાઇલ, o– 4-નાઇટ્રો -3 મિથાઇલ ફિનાઇલ થાયૉફૉસ્ફેટ, ડાયમિથાઇલ ક્લોરો થાયૉફૉસ્ફેટનું સોડિયમ-4-નાઇટ્રો-3 મિથાઇલ ફિનોલેટ સાથે પાણીમાં બનાવેલા દ્રાવણને ઘટ્ટ કરવાથી બને છે. પાનકથીરીઓ તથા ગાભમારાની ઇયળ નિયંત્રણ માટે અકસીર છે. મિથાઇલ જૂથના કારણે પૅરાથિયોનની સરખામણીમાં ખૂબ જ સલામત છે. મચ્છર, માંકડ, મરઘાની જૂ વગેરેનાં નિયંત્રણ માટે અકસીર છે.

ડાયમિથોએટ : C5H12NO3PS2 : શોષક પ્રકારની કીટનાશક દવા ડાયમિથોએટ ડાયમિથાઇલ ડાયથાયૉફૉસ્ફોરિક ઍસિડના ક્ષારોનું N-મિથાઇલ ક્લોરો એસિટેમાઇડના બનાવેલ દ્રાવણની સાથે કાર્બનિક દ્રાવણની હાજરીમાં પ્રક્રિયા કરવાથી બને છે. ચૂસિયા પ્રકારની જીવાતો તથા પાનકથીરીના નિયંત્રણમાં ઉપયોગી છે.

ફૉસ્ફામિડોન : C10H10O5NPCl : ડાયક્લોરોઍસિટોઍસેટિક ઍસિડને ડાયઇથાઈલ એમાઇડના ઊકળતા દ્રાવણ સાથે ટ્રાય-મિથાઇલ ફૉસ્ફાઇડની પ્રતિક્રિયાથી ફૉસ્ફામિડોન બને છે. ફળઝાડ, શાકભાજી, ફૂલછોડ તથા જંગલનાં ઝાડોના કીટકો સામે તે ઉપયોગી છે.

કાર્બામેટ્સ : આ દવાઓ ક્લોરિન અને ફૉસ્ફરસવાળી દવાઓની શોધ પછી શોધાઈ. આ દવાઓ પણ કોલાઇન એસ્ટરેઝ ઉત્સેચકો અવરોધ કરે છે. પાનકથીરી સિવાય બધા કીટકો સામે ખૂબ જ અસરકારક માલૂમ પડેલ છે.

કાર્બારિલ : સેવિનના નામથી બજારમાં મળે છે. તે 1-નૅપ્થોલ અને મિથાઇલ આઇસોસાયનેટ સાથે પ્રતિક્રિયા કરવાથી બને છે. આ દવા સ્પર્શઘ્ન તેમજ થોડા પ્રમાણમાં શોષઘ્ન ઝેર તરીકે અસરકારક છે. કપાસ, શાકભાજી તેમજ ફળફળાદિના પાકો પર થતી વિવિધ પ્રકારની જીવાતોનાં નિયંત્રણ માટે વપરાય છે.

વનસ્પતિજન્ય યૌગિકો :

વનસ્પતિવિષ : કેટલીક વનસ્પતિના વિવિધ ભાગો જેવા કે ફૂલ, પાન, મૂળ અને અન્ય ભાગોનો ઉપયોગ કીટનિયંત્રણ માટે થાય છે. પાયરેથ્રમ ડેસીસ, કપૂર (કૅમ્ફર), ટર્પેન્ટાઇન તેમજ લીમડાની લીંબોળીમાં કીટનાશક ગુણ રહેલા છે. વનસ્પતિજ વિષનું સામાન્ય તાપમાને જલદી વિઘટન થઈ જાય છે. તેના અવશેષો લાંબા સમય રહેતા નથી એટલે શાકભાજી તથા ફળફળાદિ પાકોમાં થતા ચૂસિયા પ્રકારની જીવાતો સામે વાપરી શકાય.

નિકોટિન : (1) મિથાઇલ 1, 2, 3 (પિરિડિલ), પાયરોલિડિન C10H14N2 તમાકુના છોડમાંથી (મૂળમાંથી) બે રૂપમાં મેળવાય છે. તમાકુના છોડમાં તેનું પ્રમાણ 0.5 %થી 15 % હોય છે; પરંતુ સરેરાશ 2 %થી 3 % મળે છે. ઔદ્યોગિક રીતે તમાકુના ભૂકાને (refuse) કાર્બનિક દ્રાવણ જેવાં કે બેન્ઝિન અથવા ટ્રાયક્લોરોઇથિલિન તેમજ ચૂનાનું પાણી અને કૉસ્ટિક સોડાના મિશ્રણ સાથે નિષ્કર્ષ કરવાથી બને છે. આ નિષ્કર્ષ અંશત: શૂન્ય અવકાશમાં કરવામાં આવે છે અને તેનું સલ્ફ્યુરિક ઍસિડ સાથે મિશ્રણ કરવામાં આવતાં નિકોટિન સલ્ફેટ બને છે. ઈથર સાથે નિસ્યંદન કરવાથી ચોખ્ખું નિકોટિન બને છે. તે સંસર્ગજન્ય વિષ તરીકે મશી, તડતડિયાં, પાન કોરી નાખનાર ઇયળ વગેરેના નાશ માટે વપરાય છે.

સિન્થેટિક પાયરેથ્રમ જૂથની દવાઓ : આ જૂથની દવાઓ સ્પર્શજ અને જઠરવિષ તરીકે કામ આપે છે અને કીટકોની ઇયળના નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક છે. ક્રિસેન્થોમ નામના છોડના ફૂલમાંથી પાયરેથ્રમ બનાવવામાં આવે છે; પરંતુ સૂર્યપ્રકાશની હાજરીમાં તેનું વિઘટન થઈ જાય છે. તેથી કૃત્રિમ રીતે કુદરતી પાયરેથ્રમના ગુણ જેવા જ ગુણધર્મવાળા સંશ્લેષિત પાયરેથ્રમ બનાવવામાં આવ્યા છે જે લાંબા સમય સુધી કીટનાશી ગુણધર્મો જાળવી રાખે છે.

પાયરેથ્રિન I અને પાયરેથ્રિન II આ બંને યૌગિકો પાયરેથ્રમમાં છે. પાયરેથ્રિન I : આ યૌગિક પાયરેથ્રેલોન નામના આલ્કોહૉલ તેમજ મૉનોકાર્બૉક્સિલિક અમ્લના એસ્ટર છે. આ યૌગિકો બધી જાતની જીવાત પર અકસીર માલૂમ પડેલ છે.

પાક માટેની રોગનાશક દવાઓ : ભારતમાં રોગનાશક દવાનો ઉપયોગ 1945ની આસપાસ શરૂ થયો અને તેના ઉત્પાદન અને વપરાશમાં ક્રમશ: વધારો થતો રહ્યો છે. 1988ના આંકડા મુજબ 12,964 ટન ફૂગનાશકોના ઉત્પાદન માટે લાઇસન્સ આપેલ. ઉત્પાદન તથા વપરાશના આંકડા ઉપલબ્ધ નથી. સ્વતંત્રતા પહેલાં ગણ્યાગાંઠ્યા પાકોમાં બહુ જ જૂજ પ્રમાણમાં રોગનાશક દવાઓ વપરાતી. મુખ્યત્વે ગંધકનો ભૂકો, તાંબાયુક્ત ફૂગનાશક તેમજ વેટેબલ ગંધકનો સમાવેશ થતો. બીજા વિશ્વયુદ્ધ પછી પરિવર્તન આવ્યું. વિવિધ રોગો માટે વિવિધ ફૂગનાશકોના ઉપયોગો શોધાયા, જેમાં કાર્બામેટ વર્ગની દવાઓ ઝાનેબ, મેનેલ, ઝાયરમ, થાયરમ અને કોશનનો સમાવેશ થાય છે. ઑર્ગેનોફૉસ્ફરસ જૂથના ફૂગનાશકો જેવા કે હિનોસાન અને કાયટાઝીન, ઍન્ટિબાયૉટિક્સમાં મુખ્યત્વે સ્ટ્રૅપ્ટોસાઇક્લિન, ઑરિયોફૂજીન, સ્ટ્રૅપ્ટોમાયસિન, એગ્રિમાયસિન, પૌષામાયસિન જેવી દવાઓ ઉપયોગમાં આવી.

લાઇમ સલ્ફર : લાઇમ સલ્ફર એ કૅલ્શિયમ પૉલિસલ્ફાઇડ અને કૅલ્શિયમ થાયૉસલ્ફેટનું મિશ્રણ છે. જરૂરિયાત મુજબનો લાઇમ ધાતુના વાસણમાં લઈ તેમાં પાણી ઉમેરી, જરૂરી જથ્થામાં ગંધક ઉમેરવામાં આવે છે. એક કલાક સુધી ગરમી આપી તેને ઉકાળી, થોડા સમય સુધી ઠંડું કરીને ઉપરનું પ્રવાહી ગાળી લેવામાં આવે છે. ખાસ કરીને ભૂકી છારા(powdery mildew)ના રોગના નિયંત્રણ માટે અકસીર છે.

તાત્વિક ગંધક (elemental sulphur) : ભારતમાં સામાન્ય રીતે દળેલો ગંધક વપરાશમાં છે. આની બનાવટ માટે ઍર બ્લાસ્ટ સૅપરેશન વિધિ વપરાય છે. તેમાં ગંધકના હવાના સપાટાની પ્રક્રિયાથી કકડા કરવામાં આવે છે. તેમાં થોડા પ્રમાણમાં લેડ આર્સનેટ નાખવાથી ગંધકના પાઉડરના નાના ગાંગડા બનતા નથી. 300 મેશ ગંધક ખાસ કરીને ભૂકી છારાના રોગના નિયંત્રણ માટે વાપરવામાં આવે છે.

ભીંજાય એવા ગંધક (wettable sulphur) : હાલમાં વેટેબલ સલ્ફરની વપરાશ વધુ પ્રચલિત છે જે ભારતમાં પાઉડર રૂપે મળે છે. ગ્રાઉન્ડ સલ્ફરને રક્ષણાત્મક સામગ્રી સાથે દળવાથી વેટેબલ સલ્ફર મળે છે. માઇક્રોનાઇઝ્ડ સલ્ફર ભારતમાં બહુ પ્રચલિત છે. આને માઇક્રોનાઇઝ મિલમાં બનાવવામાં આવે છે. આ બધી જાતના ગંધકો છારા તેમજ ફૂગજન્ય રોગને કાબૂમાં લેવા માટે વપરાય છે.

ઝાયરમ : ઝાયરમ ઍસિડ ડાયમિથાઇલ ડાયથાયૉકાર્બામેટની બનાવટ છે. ભારતમાં તે ક્યુમાનએલના નામ હેઠળ વપરાશમાં છે. 30 % ઝાયરમ તરીકે તે શાકભાજી તેમજ સુશોભનના છોડના રોગો માટે વપરાય છે.

ઝિનેબ : ઝિનેબ એ ઝિંક ઇથિલીન બીસ ડાયથાયૉકાર્બામેટનું પ્રચલિત નામ છે. ઝિનેબ એ ડાયથેન Z-78 તરીકે ભારતમાં ઉપલબ્ધ છે. ઝિંક ઇથિલીન બીસ ડાયથાયૉકાર્બામેટના ડાયએમોનિયમ કે ડાયસોડિયમ બીસ ડાયથાયૉકાર્બામેટના પાણીમાં બનાવેલ દ્રાવણનું ઝિંક સલ્ફેટ દ્વારા અવક્ષેપન કરીને ઝિનેબ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા મંદ દ્રાવણમાં કરવામાં આવે છે કારણ કે પૉલિમૅટિક ઝિનેબ સાંદ્ર દ્રાવણમાંથી અવક્ષેપન પામે છે. ઇથિલીન ડાયઍમાઇનની ઝિંક ઑક્સાઇડ અને કાર્બન-બાયસલ્ફાઇડ સાથે પ્રતિક્રિયાથી મળે છે. તેનો ઉપયોગ ફૂગથી થતા રોગના નાશ માટે કરવામાં આવે છે.

મેનેબ (મેન્કોઝેબ) : મેનેબ એ મેંગેનસ ઇથિલીન બીસ ડાયથાયૉકાર્બામેટનું પ્રચલિત નામ છે. ભારતમાં તે ડાયથેન M-45 તરીકે મળે છે.

ઝિનેબની જેમ જ ડાયએમોનિયમ કે ડાયસોડિયમ ઇથિલીન બીસ ડાયથાયૉકાર્બામેટના પાણીમાં બનાવેલ દ્રાવણની મગેનીઝ સલ્ફેટ સાથેની પ્રક્રિયા દ્વારા મેનેબ બનાવવામાં આવે છે. મેનેબ કેળનાં પાનના ઝાળ તથા ટપકાંના રોગો તેમજ અન્ય ફળફળાદિ પાકોમાં છંટકાવ કરવામાં ઉપયોગી છે.

બોર્ડો મિશ્રણ : 1882માં મિલોર્ડટે ફ્રાન્સમાં દ્રાક્ષના તળછારાના રોગની ફૂગ સામે ઉપયોગ કર્યો. ભારતમાં 4 : 4 : 50ના રૂપે બોર્ડો મિશ્રણની બનાવટ પ્રચલિત છે. 4 ભાગ કૉપર સલ્ફેટ તથા 4 ભાગ કળીચૂનાનું દ્રાવણ એક વાસણમાં પાણીમાં ભેગાં કરીને સતત હલાવતાં રહેવાથી બોર્ડો મિશ્રણ બને છે.

બર્ગન્ડી મિશ્રણ : મેસને સૌપ્રથમ 1887માં બોર્ડો મિશ્રણને બદલે આનો ઉપયોગ બર્ગન્ડી(ફ્રાન્સ)માં કર્યો. આમાં લાઇમને બદલે સોડિયમ કાર્બોનેટ વાપરવામાં આવે છે. હવે આની વપરાશ ઘણી જ ઓછી છે.

કૉપર ઑક્સિક્લોરાઇડ (બ્લાઇટોક્સ, ફાયટોલિન, બ્લૂ કૉપર 50) : કૉપર ઑક્સિક્લોરાઇડ એ ઓછું દ્રાવ્ય તાંબાયુક્ત ફૂગનાશક છે. તે ક્યુપ્રિક ક્લોરાઇડના દ્રાવણમાં હવાની પ્રક્રિયાથી અથવા સ્કૅ્રપ કૉપરમાંથી બનાવવામાં આવે છે. કૉપર ઑક્સિક્લોરાઇડનો ઉપયોગ કેળના પાનનાં ટપકાં, ઝાળ રોગ વગેરે સામે છંટકાવ રૂપે કરવામાં આવે છે.

સેરેશાન એમ : સોડિયમ હાઇડ્રૉક્સાઇડની હાજરીમાં ઇથાઇલ મર્ક્યુરિકનું લવણો સાથે p-ટૉલ્યુઇન સલ્ફાનીલાઇડની પ્રતિક્રિયા કરવાથી બને છે. તેનો ઉપયોગ બીજ/દાણાના ફૂગનાશક તરીકે થાય છે.

કેપ્ટાન : પરક્લોરો મિથાઇલમર્કેપ્ટાનને ટેટ્રાહાઇડ્રોપ્થેલિમાઇડની સાથે સંઘનન સતત હલાવતા રહી કેપ્ટાન બનાવી શકાય છે. કેપ્ટાનનો ઉપયોગ દાણા/બીજના ફૂગનાશક તરીકે કરવામાં આવે છે.

ડાયફૉલેટાન : ટેટ્રાહાઇડ્રોપ્થેલિમાઇડ્સની પૅન્ટાક્લોરોઇથિલ મર્કેપ્ટાન સાથે સોડિયમ હાઇડ્રૉક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી ડાયફૉલેટાન બને છે. તેનો ઉપયોગ કેળના ઝાળ, જુદા જુદા પાકોમાં આવતા પાનનાં ટપકાં જેવા રોગોમાં અવારનવાર છંટકાવ રૂપે કરી શકાય છે.

ડ્યુટર : ટ્રાયફિનાઇલ સ્ટેનસક્લોરાઇડને પૉટેશિયમ હાઇડ્રૉક્સાઇડ કે ટિન હેલાઇડને ગિગ્નાર્ડ પ્રક્રિયકની સાથે પ્રતિક્રિયા કરવાથી ડ્યુટર બને છે. કેળને થતા રોગોમાં વપરાય છે.

સર્વદેહી ફૂગનાશક : આ પ્રકારની ફૂગનાશક દવાઓ વનસ્પતિમાં અંદર જઈને રોગના મૂળ ઉદભવસ્થાન પર રહેલ ફૂગનો નાશ કરે છે; દા.ત., વાયટાવેક્સ, પ્લાન્ટાવેક્સ, બાવીસ્ટિન(કાર્બેન્ડેઝિમ)  આ પ્રકારના ફૂગનાશકોનાં બીજ માવજત તરીકે, દ્રાવણ બનાવી જમીનમાં રેડવા તેમજ છોડ પર છંટકાવ કરવા, એમ સર્વ રીતે ઉપયોગી છે. બાવીસ્ટિનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે; દા.ત., ડાંગરમાં આવતા કમોડીના રોગ સામે, મગફળીમાં આવતા ટિક્કા અને ગેરુ રોગના નિયંત્રણ માટે, કેળનાં પાનનાં ટપકાં, ઝાળ અને કેળાં વહેલાં પાકી જવાના રોગમાં અસરકારક નિયંત્રણ માટે, શાકભાજીના સુકારાના રોગના નિયંત્રણ માટે કાર્બેન્ડેઝિમ 1 ગ્રામ/લિટર છોડના થડમાં રેડવાથી તે ઘણી રીતે ઉપયોગી છે.

ઍન્ટિબાયૉટિક દવાઓ : આ પ્રકારની દવાઓ જીવંત જીવાણુઓ, ફૂગ વગેરેમાંથી બનાવવામાં આવે છે અને તે સૂક્ષ્મ પ્રમાણમાં લેવામાં આવતા રોગપ્રતિકારક તરીકે ખૂબ જ ઉપયોગી છે. ઍન્ટિબાયૉટિક દવા તરીકે વનસ્પતિના રોગો સામે ખાસ કરીને સ્ટ્રૅપ્ટોમાયસિન, સ્ટ્રૅપ્ટોસાઇક્લિન, પૌષામાયસિન ઑરિયોફંગીન જેવી ઍન્ટિબાયૉટિક દવાઓ ખૂબ જ ઉપયોગી છે.

સ્ટ્રૅપ્ટોમાયસિન : ઑરિયોફંગીન સ્ટ્રૅપ્ટોમાયસિસ સિનેમોમિય-સમાંથી બનાવેલ, જે બીજ દ્વારા વહન થતા રોગ માટે અસરકારક છે. જીવાણુમાંથી આ બધી દવાઓ બનાવવામાં આવે છે; દા.ત., સ્ટ્રૅપ્ટોમાયસિન સ્ટ્રૅપ્ટોમાયસિસમાંથી અને ઑરિયોફંગીન સ્ટ્રૅપ્ટોમાયસિસ સેનેમોયસમાંથી બનાવેલ છે.

જીવાણુથી થતા સુકારા તેમજ પાનનાં ટપકાંના રોગો સામે સ્ટ્રૅપ્ટોસાઇક્લિનનો છંટકાવ, ડાંગરમાં જીવાણુથી થતા ઝાળ રોગમાં કપાસના ખૂણિયાં ટપકાંનો રોગ, કેળમાં કેળાં વહેલાં પાકી જવાના રોગ વગેરેમાં ખૂબ જ અસરકારક માલૂમ પડેલ છે.

નીંદણનાશક રસાયણઉદ્યોગ : ઇંગ્લૅન્ડ તથા જર્મનીમાં 1778માં વિકસ્યો, જ્યારે ભારતમાં તે ઓગણીસમી સદીમાં વિકસ્યો છે. જેપ્રોતુલે નામના વિજ્ઞાનીએ વણજોઈતા સ્થળે ઊગેલા છોડને નીંદણ તરીકે ઓળખાવ્યા. તેના નિયંત્રણ માટે તે આંતરખેડથી ખૂરપીથી કાઢવાનું પ્રચલિત છે; પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી પસંદગીલક્ષી નીંદણનાશક રસાયણોની વપરાશ વધી. આજે 100 કંપનીઓ 355થી વધુ નીંદણનાશકો બનાવે છે. તેનું મુખ્યત્વે વરણાત્મક અને અવરણાત્મક એવું વર્ગીકરણ કરવામાં આવે છે. તેમાંથી અગત્યના નીંદણનાશકની વિગત નીચે મુજબ છે :

24ડી (2, 4 ડાયક્લોરોફિનૉક્સી એસેટિક ઍસિડ) : તે 2, 4 ડાયક્લોરોફીનોલ પર એસેટિક ઍસિડની પ્રતિક્રિયાથી બને છે. આ યૌગિકનાં ત્રણ સ્વરૂપો છે : (1) સોડિયમ લવણ, (2) ઍસ્ટર તથા (3) ઍમાઇન લવણો. આ યૌગિકો ગતિશીલ હોવાથી મૂળ કે પાંદડાં દ્વારા શોષાય છે અને ધીમે ધીમે નીંદણનો નાશ કરે છે. ખાસ કરીને પહોળાં પાંદડાંવાળા નીંદણનો નાશ કરવા માટે વપરાય છે.

245 ટ્રાયક્લોરોફિનોક્સી એસેટિક ઍસિડ : તે ડાયક્લોરોફીનોલ પર એસેટિક ઍસિડની પ્રતિક્રિયાથી બને છે. આમાં ક્લોરિન પરમાણુ કાર્બન પર વધારાનો આવે છે. આના ગુણધર્મો 2, 4, ડીને મળતા આવે છે. તે ઍમાઇન ને ઍસ્ટરના લવણ રૂપે મળે છે. તે વધુ પાંદડાંવાળા નીંદણનો નાશ કરે છે, જ્યારે તેનું 2, 4, ડી સાથે મિશ્રણ કરવામાં આવે છે ત્યારે નીંદણનાશ કરવાની તેની તીવ્રતામાં વધારો થાય છે.

એમ.સી.પી. : 2–મિથાઇલ ક્લોરોફિનૉક્સી એસેટિક ઍસિડ : આમાં 2–કાર્બન પર મિથાઇલ સમૂહ આવે છે તેથી 2, 4, ડીને મળતો આવે છે. તે સોડિયમ અને ઍમાઇનનાં લવણો રૂપે મળે છે. તે કુમળા છોડને વધુ નુકસાનકારક છે.

મેલિકહાઇડ્રેઝિડ (MH) : તેનાં ડાયઇથેનોલ ઍમાઇન લવણો પાણીમાં દ્રાવ્ય છે. બર્મુડા અને જૉન્સન ઘાસનો નાશ કરવા માટે તેના 1 %ના દ્રાવણનો પાંદડાં પર છંટકાવ કરવામાં આવે છે.

ફિનાઇલ મર્ક્યુરિક એસિટેટ (PMA) : તેમાં પારાનું પ્રમાણ હોઈ વાપરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. તે મર્ક્યુરિક એસેટિક ઍસિડની ફિનાઇલ પર પ્રતિક્રિયાથી બને છે. કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે. તે ઘાસના નાશ માટે વપરાય છે.

ટી.સી..(TCA) (ટ્રાયક્લોરોએસેટિક ઍસિડ) : આમાં મિથાઇલ જૂથના ત્રણ હાઇડ્રોજન પરમાણુ, ત્રણ ક્લોરિન પરમાણુથી બદલીને એસેટિક ઍસિડ સમૂહ જોડાય છે. (CCl3COOH). આનાં લવણો પાણીમાં દ્રાવ્ય છે. કાયમી ઘાસ જેવા કે બર્મુડા જૉન્સન કુચ ઘાસના નાશ માટે તેની બહુ અસર થાય છે. બીટ, કોબી વગેરેમાં પણ ઘાસના નાશ માટે વપરાય છે. મૂળ દ્વારા જ તેની પ્રતિક્રિયા થાય છે.

ડાલપોન (CHCl2 CH2COOH) : 2, 2 – ડાયક્લોરો : પાંદડાં દ્વારા શોષાય છે અને વહન થાય છે એટલે તે ટી.સી.એ. કરતાં વધારે અસરકારક છે.

ધૂમ્રપાન કરી નીંદણના નાશ માટે વપરાતા યૌગિકો : મિથાઇલ બ્રૉમાઇડ : તે મિથેન સાથે બ્રોમીનની પ્રતિક્રિયાથી બને છે. CH4 + Br2 → CH3Br + HBr. તેને જમીનમાં ભેળવવાથી નીંદણનો નાશ થાય છે. તે ગૅસ રૂપે નીંદણનો નાશ કરે છે તેમજ જમીનમાં રહેલા નીંદણના બીજનો નાશ કરે છે.

ટેટ્રાક્લોરોઇથેન (C2H2Cl4) : ઇથેનનું ક્લોરિનેશન કરવાથી મળે છે અથવા ઇથાઇલ ક્લોરાઇડની કાર્બન ટેટ્રાક્લોરાઇડ સાથે પ્રતિક્રિયા કરવાથી મળે છે. તે મિથાઇલ બ્રોમાઇડની માફક જમીનનાં નીંદણનો નાશ કરે છે તેમજ બીજનો નાશ કરે છે.

છોડવાની વૃદ્ધિનું નિયંત્રણ કરતા યૌગિકો : છોડવાની અંદર અનેક જાતની દેહધાર્મિક અને જીવરાસાયણિક ક્રિયાઓ થતી હોય છે. તેના નિયંત્રણ માટે જે કાર્બનિક પદાર્થો વપરાય છે તેમને હૉર્મોન્સ (અંત:સ્રાવ) કહેવામાં આવે છે. તેમને કાર્બનિક નિયંત્રણ પણ કહેવામાં આવે છે. છોડવાની અંદર રહેલા હૉર્મોન્સને છોડ-હૉર્મોન્સ કહે છે. તેના ત્રણ વિભાગ છે :

1. ઇન્ડોલએસેટિક ઍસિડ (I.A.A.)

2. 2, 4 ડાયક્લોરોફિનૉક્સી એસેટિક ઍસિડ

3. આલ્ફાનૅપ્થેલિન એસેટિક ઍસિડ

ઇન્ડોલએસેટિક ઍસિડ છોડમાં અસ્થિર હોવાથી તેનો ઉપયોગ કૃષિમાં ભાગ્યે જ થાય છે. પરંતુ પ્રયોગશાળામાં તેનો ઉપયોગ સંશોધન માટે થાય છે.

2, 4, ડી, તે છોડની વૃદ્ધિ માટે ખૂબ સૂક્ષ્મ માત્રામાં વપરાય છે. વધુ માત્રામાં વાપરવાથી તે છોડનાશક બને છે.

આલ્ફાનૅપ્થેલિન એસેટિક ઍસિડ (N.A.A) સંશ્ર્લેષિત (synthetic) ઑક્સિન (auxin : વૃદ્ધિનિયંત્રક) છે. તે ખૂબ જ ક્રિયાશીલ છે અને છોડવામાં સ્થિર રહે છે. કૃષિમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. પુખ્ત થયા વગરનાં સફરજન ખરી પડતાં અટકાવવા માટે તેનો છંટકાવ કરવામાં આવે છે. પાઇનેપલમાં ફૂલ બેસવાની ક્રિયાના નિયંત્રણ માટે વપરાય છે.

જીબ્રેલિક ઍસિડ : તે ફૂગનું આથવણ કરીને મેળવવામાં આવે છે. આ યૌગિકનો હૉર્મોન્સ તરીકે બહોળો ઉપયોગ થાય છે. ખાસ કરીને તે છોડવાની વૃદ્ધિને ઉત્તેજન આપે છે. તે બિનઋતુમય વૃદ્ધિ પણ કરે છે. તે ફૂલ બેસવાની ક્રિયાને સુષુપ્ત અવસ્થા દૂર કરી ફળ બેસવાની ક્રિયાને ઝડપી કરે છે, તે દ્વિવર્ષી છોડવામાં પહેલે વર્ષે ફળ અને બીજ બેસવામાં મદદ કરે છે. બીજની સુષુપ્ત અવસ્થા દૂર કરવામાં પણ તે ઉપયોગી છે.

જમીન અને પાણીના સંરક્ષણ માટે વપરાતાં સંયોજનો : જમીનના ભેજનો સંગ્રહ કરવા માટે અત્યાર સુધી મોટે ભાગે મગફળીનાં ફોતરાં, ઘાસ, પ્લાસ્ટિકનો પટ વગેરેનો ઉપયોગ થતો હતો. હાલ કેટલીક જાતના પેટ્રોલિયમ પદાર્થો અસ્તિત્વમાં આવેલા છે, તે જમીનમાં પાતળા પડ રૂપે છાંટવામાં આવે છે જે ભેજનું બાષ્પીભવન થતું અટકાવે છે. પાણીના ડૅમ, તળાવ વગેરેમાંથી પાણીનું બાષ્પીભવન અટકાવવા માટે આવા પદાર્થો પ્રચલિત છે.

દા.ત., સિટાઇલ આલ્કોહૉલ. તેને પાણીની સપાટી પર બિલકુલ બારીક પડ રૂપે છાંટવાથી તે બાષ્પીભવન અટકાવે છે. પાણી પર તેની કોઈ જાતની ખરાબ અસર થતી નથી.

પાકસંવર્ધનમાં વપરાતાં સંયોજનો : પાકસંવર્ધનમાં કૃત્રિમ રીતે છોડવાના ક્રોમોઝોમ(ગુણસૂત્ર)માં પરિવર્તન કરી નવી જાત ઉત્પન્ન કરવામાં ઉપયોગી પદાર્થોમાં કોલચિસિન (C22H25O6N) બહુ અગત્યનો ભાગ ભજવે છે. તેનું ઉત્પાદન કોલચિકમ નામના છોડવામાંથી આલ્કેલોઇડ રૂપે મેળવાય છે. પાણી અને આલ્કોહૉલમાં દ્રાવ્ય છે. કોષોનું વિભાજન કરીને પૉલિપોઇડમ્યુટન્ટ (polypoid mutant) બનાવવા વપરાય છે.

પ્રવીણચંદ્ર માધવલાલ મહેતા