ખુલના : બાંગ્લાદેશના પાંચ વિભાગો પૈકીનો એક વિભાગ જિલ્લો અને તે જ નામનું મુખ્ય શહેર. ડિવિઝનનું ક્ષેત્રફળ 22,274 ચોકિમી. અને વસ્તી આશરે બે કરોડ (2020) જેટલી છે. ડિવિઝનમાં સિલ્હટ, કોમિલ્લા, નોઆખલી, ચિતાગોંગ, ચિતાગોંગનો પહાડી વિસ્તાર અને બંદારબન મળીને કુલ 15 જિલ્લા આવેલા છે. સમગ્ર પ્રદેશ હૂગલી અને મેઘના વચ્ચેના ગંગાના મેદાનનો (delta) દક્ષિણ મધ્યભાગ છે. જિલ્લાની પૂર્વ બાજુએ મધુમતી નદી અને દક્ષિણે સુંદરવન તથા બંગાળનો ઉપસાગર આવેલાં છે. પશ્ચિમે ભારતનો પશ્ચિમ બંગાળનો પ્રદેશ છે.

ગંગા અને તેની શાખાઓ તથા અન્ય નદીઓએ કાંપ ઘસડી લાવી અહીં સમતળ મેદાન બનાવ્યું છે. સુંદરવનમાં મૅન્ગ્રુવ પ્રકારનાં વૃક્ષો ઉપરાંત ઇમારતી લાકડું આપતાં વૃક્ષો છે. નાળિયેરી, ખજૂરી તથા સોપારીનાં વૃક્ષો વિશેષ છે. જંગલમાં વાઘ, દીપડો, જંગલી ભેંસ, હરણ, વાંદરાં વગેરે પ્રાણીઓ છે. ડાંગર, શેરડી, તેલીબિયાં, તમાકુ, કઠોળ, શણ વગેરે મુખ્ય પાકો છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી છે.

જિલ્લામાં લાકડાં વહેરવાની, તેલ અને આટાની, કાપડની, કાગળ અને ન્યૂઝ પ્રિન્ટની મિલો તથા દીવાસળીનાં કારખાનાં છે. મત્સ્ય-ઉદ્યોગ વિકસેલો છે. વળી ખજૂરીનો ગોળ પણ બનાવાય છે. નદીના જળમાર્ગ તથા રેલવે દ્વારા રાજ્યનાં મુખ્ય શહેરો સાથે ખુલના જોડાયેલું છે. જિલ્લામાં ખુલના ઉપરાંત બૈગરહટ શહેર છે. તેની નજીક બંગાળની પ્રાચીન રાજધાની ગૌડનાં ખંડિયેરો છે.

ખુલના શહેર ભૈરવનદી ઉપર કૉલકાતાથી 123 કિમી. પૂર્વે અને બાંગ્લાદેશની રાજધાનીથી 126 કિમી. નૈર્ઋત્યે આવેલું છે. ખુલના રેલવે લાઇનનું જંક્શન છે. નારાયણ ગંજ, બારીસાલ, મદારીપુર, છલના વગેરે સાથે જોડાયેલ છે. સુંદરવનના પ્રદેશની ખેતીની પેદાશો અહીં વેચાવા આવે છે. તે મહત્ત્વનું વેપારી તથા ઔદ્યોગિક કેન્દ્ર છે. નદી ઉપરનું બંદર છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન તે મીઠાના વેપારનું કેન્દ્ર હતું. જિલ્લાના મોટા ભાગના ઉદ્યોગો ખુલનામાં છે. ખુલનાથી 5 કિમી. દૂર જહાજવાડો છે. શહેરની વસ્તી આશરે 9,75,000 (2022) છે. અહીં રાજશાહી યુનિવર્સિટી સાથે જોડાયેલી છ સરકારી કૉલેજો છે.

સોળમી સદી સુધી અહીં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય હતું. 1576માં અકબરના હિંદુ સેનાપતિએ તે જીતી લીધું હતું.

શિવપ્રસાદ રાજગોર