ખુંદમીર : અમદાવાદના મુસ્લિમ સંત. સૈયદ ખુંદમીરના વડવા ઈરાનથી પાટણ અને પાટણથી અમદાવાદ આવ્યા હતા. ઉરઝી સૈયદોમાં એમનું નામ ખૂબ જાણીતું છે. ઈ. સ. 1454માં ગુજરાતના સુલતાન કુત્બુદ્દીને સૈયદ ખુંદમીર બિન સૈયદ વડા, બિન સૈયદ યાકુબની મા બીબીજી માટે અમદાવાદમાં સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ હાલતા મિનારાવાળી મસ્જિદ રાજપુર-હીરપુરમાં બંધાવી હતી. તે અત્યારે અમદાવાદમાં ગોમતીપુરના મિનારાવાળી મસ્જિદ તરીકે જાણીતી છે. દક્ષિણ બાજુનો મિનારો વીજળી પડવાથી તૂટી ગયો છે. એક મિનારાને હલાવવાથી બીજો મિનારો પણ હાલે તેવી તેની રચના છે. ખુંદમીરે વટવાના સંત કુત્બઆલમ પાસે ધાર્મિક શિક્ષણ લીધું હતું. બીબીજી ખુંદમીર અલ્લાના પરમ ભક્ત થાય તેમ ઇચ્છતાં હતાં. આ પવિત્ર સંત કુત્બુદ્દીનના શાસનકાળ દરમિયાન (1451–59) થઈ ગયા.

શિવપ્રસાદ રાજગોર