ખાડિલકર, કૃ. પ્ર. (જ. 23 નવેમ્બર 1872, સાંગલી; અ. 26 ઑગસ્ટ 1948, સાંગલી) : મરાઠી નાટકકાર. એમણે ગદ્યનાટકો તથા સંગીતનાટકો લખ્યાં છે, જેમાં ઇતિહાસ તથા પુરાણોના સંદર્ભમાં સમકાલીન પ્રશ્નો ગૂંથ્યા છે. સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભાગ લીધો  હોવાથી, એમણે લોકમાન્ય ટિળકે જગાવેલી રાષ્ટ્રીય ચેતનાને નાટ્યકૃતિઓમાં શ્યક્ષમ બનાવી છે. ‘સવાઈ માધવરાવ યાંચા મૃત્યુ’ (1893), ‘કાંચનગડાચી મોહના’ (1898), ‘સંગીત બાયકાંચે બંડ’ (1901), ‘કીચકવધ’ (1907), ‘સંગીત દ્રૌપદી’ (1908) તથા ‘સંગીત માનાપમાન’ (1911) એમનાં પ્રસિદ્ધ નાટકો છે. એમના ‘કીચકવધ’ નાટકમાં લૉર્ડ કર્ઝનની દમનકારી નીતિ પર પરોક્ષ પ્રહાર છે.

કૃ. પ. ખાડિલકર

‘બાયકાંચે બંડ’ નાટકમાં નારીસ્વાતંત્ર્યના આંદોલનની તરફેણ કરી છે. એમનાં નાટકોમાં એમણે સંસ્કૃત નાટ્યશૈલીનો પશ્ચિમની નાટ્યશૈલી સાથે સમન્વય કર્યો છે. ગંભીર નાટકોમાં પણ એમણે કુશળતાથી હાસ્યાત્મક પ્રકરીઓ ગોઠવીને નાટકને રોચક બનાવ્યાં છે. એમનાં નાટકોમાં જે નવું છે તેનો મેરુદંડ પુરાણો છે અને જે કંઈ પુરાણું છે તેના પર નવો રંગ ચડાવ્યો છે. એમનાં નાટકો ગંધર્વ મંડળી તથા મહારાષ્ટ્ર મંડળીના રંગમંચ પર ભજવાયાં હતાં.

લલિતા મિરજકર