ખાકાની, શીરવાની (જ. ઈ. સ. 1126, શીરવાન, ઈરાન; અ. ઈ. સ. 1196, તબરેઝ, ઈરાન) : ફારસી કવિ. મૂળ નામ ઇબ્રાહીમ અને લકબ અફઝલુદ્દીન અને કુન્નિયત ‘અબૂ બદીલ’ હતું. પિતા અબુલ હસન અલી સુથારીકામ કરતા. તેમના દાદા વણકર હતા. માતા મૂળ ઈસાઈ હતાં અને કેદી તરીકે ઈરાનમાં આવ્યાં હતાં જ્યાં તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો.

ખાકાનીના કાકા કાફિયુદ્દીન ઉસ્માન તત્વજ્ઞાની, વિદ્વાન અને નામાંકિત વૈદ્ય હતા. તેમની પાસેથી ખાકાનીએ તત્વજ્ઞાન, ગણિત અને જ્યોતિષનું જ્ઞાન મેળવ્યું હતું. તેમના મૃત્યુ પછી ખાકાનીએ અબુલ અલા ગંજવી પાસેથી કાવ્ય અને સાહિત્યનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અબુલ અલા ગંજવીએ પોતાની પુત્રી ખાકાની સાથે પરણાવી હતી; એટલું જ નહિ, ખાકાનીનો કબીર મિનૂચેહર ફરીદૂન શીઆન શાહ સાથે પરિચય કરાવ્યો હતો. શરૂઆતમાં ખાકાની ‘હકાયકી’ તખલ્લુસથી કવિતા લખતા હતા પરંતુ શીઆન શાહની સંગતમાં આવ્યા પછી તેમના પ્રત્યેના આદરને લઈને ‘ખાકાની’ તખલ્લુસ રાખ્યું હતું. પિત્રાઈ ભાઈ વહીદુદ્દીન પાસેથી તથા બહાઉદ્દીન સઈદ પાસેથી તેમણે તર્કશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, મુસ્લિમ કાયદાશાસ્ત્ર અને કુરાનના ભાષ્યનું જ્ઞાન મેળવ્યું હતું. સુપ્રસિદ્ધ કવિ હકીમ સનાઈને તેમણે પોતાના કાવ્યગુરુ માન્યા હતા. બોધવચનમાં તેમની શૈલીનું અનુકરણ કર્યું છે તેમ છતાં કાવ્યકળામાં તેમણે પોતાની આગવી શૈલી ખીલવી હતી. ઉર્દૂ કવિ મિર્ઝા ગાલિબની જેમ સરળ અને કઠિન બંને પ્રકારની કવિતામાં તેઓ પ્રવીણ હતા. અલંકૃત, ઉપમા-રૂપકોથી ભરપૂર અને ઝડઝમકવાળી શૈલીમાં તેઓ કવિતા રચતા. કવિ અનવરી અને કવિ રૂદકીની જેમ શીઘ્ર કવિતામાં પણ તેઓ નિપુણ હતા. કાવ્યકલાના કૌશલને કારણે તેમને ‘હિસ્સાનુલ અજમ’ કહે છે.

‘કુલ્લિયાતે શોઅરા’ (કવિઓના કાવ્યસંગ્રહો) અને ‘તોહફતુલ ઇરાક્યન’ તેમની મુખ્ય કૃતિઓ છે. તબરેઝ શહેરના સુરખાબ મહોલ્લામાં ‘મકબરતુશ્ શોઅરા’(કવિઓનું કબ્રસ્તાન)માં તેમને દફન કરવામાં આવ્યા હતા.

નસીરમિયાં મહેમૂદમિયાં કાઝી