ખરસાણી (Niger) : દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કૂળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Guizotia abyssinica (હિંદી અરસાની ગુ. રામતલ) છે. ભારતમાં આ પાકનું વાવેતર મુખ્યત્વે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થાય છે. ગુજરાતમાં તેનું વાવેતર દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને સૂરત જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં તેમજ સૌરાષ્ટ્રના ઓછા વરસાદવાળા અમરેલી જિલ્લાના વિસ્તારમાં કરવામાં આવે છે.

આ પાક સૂર્યમુખીના ખૂબ જ નાના પુષ્પગુચ્છ-સ્વરૂપે હોય છે. તેના દાણામાં 36 %થી 40 % તેલ હોય છે. પાક પરપરાગી(cross-fertilized) છે. પાણીનો ભરાવો ન થતો હોય તેવા વિસ્તારમાં તેનું વાવેતર થાય છે. તે ટૂંકા ગાળાના સમયમાં પાકે છે. તેનું ઉત્પાદન હેક્ટરદીઠ 300થી 350 કિગ્રા. હોય છે. છોડ કાંટાવાળા હોવાથી ઢોર તેને સ્પર્શતાં નથી. જોકે કાંટાને લીધે તેની કાપણી અને માલ તૈયાર કરવાનું સહેજ અઘરું પડે છે. યાંત્રિક ઓજારો વપરાતાં હોવાથી કાપણીનું કામ સરળ બન્યું છે.

ખરસાણીના તેલમાં કૉલેસ્ટેરૉલનું પ્રમાણ નહિવત્ હોવાથી તે હૃદયરોગથી પીડાતા દર્દીઓ માટે આહારની ર્દષ્ટિએ ખાસ ઉપયોગી નીવડે છે. તે એક ઉત્તમ ગુણવત્તા ધરાવતું ખાદ્ય તેલ છે. કરસાંઠી બળતણ માટે વપરાય છે.

રમણભાઈ પટેલ