ખરજવું (eczema) : ચામડીના શોથજન્ય (inflammatory) વિકારોનો એક પ્રકાર. તેને કારણે દર્દીને ખૂજલી, લાલાશ, ફોતરી વળવી (scaling) અને નાની ફોલ્લી અને પાણી ભરેલા ફોલ્લા (papulo-vesicles) થાય છે. તેમાં ચામડીના ઉપલા સ્તરમાં લોહીની નસોની આસપાસ સોજો આવે છે અને લસિકાકોષો-(lymphocytes)નો ભરાવો થાય છે.

કેટલાક નિષ્ણાતો ખરજવું અને ત્વચાશોથ(dermatitis) એમ બંને શબ્દોને સમાનાર્થી ગણે છે; પરંતુ દરેક પ્રકારના ત્વચાશોથમાં ખરજવું હોતું નથી. ખરજવાના વિવિધ પ્રકારો છે અને તેમનું વ્યવસ્થિત વર્ગીકરણ મુશ્કેલ ગણાય છે. વ્યવહારમાં તેના બે પ્રકાર પડાય છે : અંતર્જન્ય (endogenous) અને બહિર્જન્ય (exogenous).

આમ ખરજવું એ ચામડીનો વિશિષ્ટ શોથજન્ય પ્રતિભાવવાળો વિકાર છે. તેના અનેક પ્રકારો છે. તે ચેપી નથી. સામાન્ય રીતે બાહ્ય ઈજા કે કોઈ પદાર્થ સામેનો ઍલર્જીથી ઉદભવતો પ્રતિભાવ છે.

કેટલાક ચામડીને ઈજા કે સંક્ષોભન (irritation) કરનારા અને બાળનારા પદાર્થો જેવા કે ઍસિડ, લસણ, ડુંગળી, ઘરગથ્થુ મલમ અને દવાઓ વગેરેના સંપર્કથી, સૂર્યના તાપથી તેમજ સહન ન થઈ શકે તેવાં કિરણો(દા.ત., પારજાંબલી)થી પણ સંવેદનશીલ (sensitive) વ્યક્તિઓને ખરજવું થાય છે. કેટલીક વાર શરીરના અંદરના ભાગમાં થયેલ ચેપ (infection) અને આંતરિક વિકારો પણ ખરજવું કરે છે.

ચેપજન્ય (infective) ખરજવું : સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા ઉત્પન્ન થતાં દ્રવ્યોના સંસર્ગથી થતા ખરજવાને ચેપજન્ય ત્વચાશોથ (infective dermatitis) કહે છે. તેને કારણે પ્રવાહી ઝમે છે (exudation), તે ભાગ લાલ થાય છે (erythema) અને ત્યાં ફોતરી નીકળે છે. ચીકણી અને ભીની ફોતરીની નીચેનો ભાગ લાલાશ પડતો અને બરછટ હોય છે. તેની કિનારી એકદમ સ્પષ્ટ હોય છે. સામાન્ય રીતે તે પ્રવાહી કે પરુ નીકળતું હોય એવા ચાંદાની ફરતું કે શરીરના ભીના ભાગની ચામડીમાં થાય છે. તેથી હાડકાનો સાંધો જે બાજુ વળતો હોય તે બાજુની ચામડી વધુ અસરગ્રસ્ત થાય છે. કિનારીને ખોતરીને તપાસ કરવાથી નિદાન સરળ બને છે. મૂળ ચાંદું કરતા વિકારની સારવાર કરવામાં આવે છે. તે માટે ઘણી વખત ઍન્ટિબાયૉટિક સારવારની જરૂર પડે છે. ત્વચાશોથ કરતાં પરિબળોને ઓળખી કાઢીને તેને નિવારવાનું સૂચન કરાય છે.

સારણી 1 : ખરજવાના પ્રકારો

જૂથ પ્રકાર
I. બહિર્જન્ય (exogenous) ખરજવું
(અ)

(આ)

 

(ઇ)

(ઈ)

 

(ઉ)

 

(ઊ)

સંક્ષોભજન્ય ત્વચાશોથ(irritant dermatitis)

ઍલર્જિક (વિષમોર્જી) સ્પર્શજન્ય ત્વચાશોથ (allergic contact

dermatitis)

ચેપજન્ય ત્વચાશોથ (infective dermatitis)

પ્રકાશજન્ય ઍલર્જિક સ્પર્શજન્ય ત્વચાશોથ

(photo-allergic contact dermatitis)

પ્રકાશજન્ય બહુરૂપી ખરજવાવાળો સ્ફોટ

(eczematous polymorphic light eruptive)

ચામડીનો ફૂગજન્ય ઍલર્જિક વિકાર (dermatophytides)

II. અંતર્જન્ય (endogenous) ખરજવું
(અ)

(આ)

 

(ઇ)

(ઈ)

(ઉ)

(ઊ)

 

(એ)

(ઐ)

(ઓ)

(ઔ)

 

(અં)

કૌટુંબિક ઍલર્જીજન્ય ખરજવું (atopic eczema)

તૈલી ત્વચાશોથ તથા ફૂગજન્ય કેશમૂળ શોથ

(seborrheic dermatitis pityrosporum folliculitis)

વૃદ્ધાવસ્થાનું ખરજવું (senile eczema)

ચકતીકારી ખરજવું (nummular eczema)

સૂકી ચકતીવાળું ખરજવું (dry discoid eczema)

બહિ:સારી ચકતીવાળું અને લાયકેન જેવો ત્વચાશોથ

(exudative discoid & lichenoid dermatitis)

ફોતરીકારી શ્વેતવિકાર (pityriasis alba)

ગુરુત્વાકર્ષણીય ખરજવું (gravitational eczema)

સજલ-ફોલ્લાકારી ખરજવું (pompholyx)

યુવાનોના પગના તળિયાનો ત્વચાશોથ

(juvenile planter dermatitis)

પ્રકીર્ણ (miscellaneous)

ચામડીના ફૂગજન્ય ઍલર્જિક વિકારો (dermatophytides) : ચામડી કે નખમાં લાગતો ફૂગજન્ય ચેપ વિષમોર્જી (allergic) વિકાર કરે છે. તેને કારણે ખરજવું થાય છે.

તૈલી ત્વચાશોથ (seborrheic dermatitis) : શરીરની જે ચામડીમાં ત્વક્તેલગ્રંથિઓ (sebaceous glands) વધુ હોય ત્યાં પિટાયરોસ્પોરમ ઓવેલ પ્રકારના જીવાણુ(bacteria)ના ચેપથી આ વિકાર થાય છે એવું માનવામાં આવે છે. જોકે તેનું નિશ્ચિત કારણ જાણી શકાયેલું નથી. જીવાણુનો ચેપ જ્યારે ચામડીના વાળના મૂળમાં લાગે ત્યારે તેને પિટાયરોસ્પોરમ કેશમૂળશોથ (folliculitis) કહે છે. આ તકલીફ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ થાય છે. ક્યારેક માનસિક તણાવ તથા વધુ પડતો થાક પણ કારણભૂત બને છે. આ વિકાર એઇડ્ઝના દર્દીઓમાં વધુ જોવા મળે છે.

શરૂઆતમાં વાળવાળી ચામડી પર વાળની આસપાસ લાલાશ પડતી ચામડી થાય છે અને તેના પર ચીકણી ફોલ્લીઓ થાય છે. ચીકણી, ભીની ફોતરીઓ વળે છે અને તે વધીને સ્પષ્ટ કિનારીવાળાં ચકામાં કરે છે. આવાં ચકામાં એકબીજાંથી છૂટાં છૂટાં (discrete) રહે છે અથવા એકબીજાં સાથે ભળીને મોટો વિસ્તાર અસરગ્રસ્ત કરે છે. સ્ટીરૉઇડ જૂથની દવાઓથી આ વિકાર સહેલાઈથી કાબૂમાં આવે છે; પરંતુ તે મટતો નથી.

વૃદ્ધાવસ્થાનું ખરજવું : મોટી ઉંમરે ચામડીની નીચેની ચરબી ક્ષીણ થાય છે. મોટી ઉંમરે થતા ખરજવાનું મુખ્ય કારણ આ પ્રકારની ચરબીની ક્ષીણતા મનાય છે. કુદરતી રીતે સૂકી રહેતી ચામડી, લાંબી માંદગી પછી પોષકદ્રવ્યોની ખામી, ચામડીમાં પ્રવાહીનું ઓછું પ્રમાણ તથા ચામડીને શુષ્ક બનાવતાં સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ લાંબા સમયે ખરજવું કરે છે. વળી વૃદ્ધાવસ્થામાં અંત:સ્રાવો (hormones) ઘટે છે તથા ચરબી ઘટવાને લીધે શરીરમાંથી વધુ પ્રમાણમાં પાણીનું પારસ્વેદન (transpiration) પણ થાય છે. ક્યારેક ચામડીનું વ્યવસાયજન્ય ક્ષોભન (irritation) થયેલું હોય છે; દા.ત., ક્ષાપકો (cleanzers), દ્રાવકો (solvents) વગેરે. સૂકી, ઠંડી હવામાં પણ ચામડીનાં ગરમી અને ભેજ ઝડપથી ઘટે છે. આ બધાં જ પરિબળો વૃદ્ધાવસ્થામાં ખરજવું કરવામાં ફાળો આપે છે. કેટલીક વાર સૂકી થયેલી ચામડી કાળી પડી જાય છે અને તેમાં ખંજવાળ આવે છે. તેથી યોગ્ય ગરમી અને ભેજવાળું વાતાવરણ, સ્નાન-તેલ(bath-oil)નો ઉપયોગ, સ્નાન પછી મેદયુક્ત પદાર્થોનો ઉપયોગ તથા મંદ તીવ્રતાવાળા સ્ટીરૉઇડનો સ્થાનિક ઉપયોગ વૃદ્ધાવસ્થાના ખરજવાને કાબૂમાં લાવે છે.

ચકતીકારી (nummular, discoid) ખરજવું : તે સિક્કા કે ચકતી આકારના પોપડાવાળું ખરજવું છે. તેનું કોઈ ચોક્કસ કારણ જાણમાં નથી; પરંતુ ખોરાકની ઍલર્જી, સ્થાનિક ચેપ, લાગણીજન્ય તણાવ, સૂક્ષ્મ જીવાણુઓ તરફની અતિસંવેદનશીલતા, ભૌતિક કે રાસાયણિક ઈજા, સૂકી ચામડી, વાતાવરણ તરફની ઘટેલી સંવેદનશીલતા, મૂત્રવર્ધક ઔષધો વગેરે આ પ્રકારનું ખરજવું કરે છે એમ મનાય છે. પાસપાસે આવેલી પાતળી દીવાલવાળી પ્રવાહી ભરેલી ફોલ્લીઓથી બનતી લાલાશ પડતી તથા સિક્કા આકારની ચકતી જેવો રોગવિસ્તાર આ વિકારની લાક્ષણિકતા છે. કારણભૂત ક્ષોભક (irritant) દ્રવ્યથી દૂર રહેવાની અને સ્થાનિક કૉર્ટિકોસ્ટીરૉઇડ દવાનો ઉપયોગ કરવાથી લાભ રહે છે. સાબુને બદલે અન્ય પદાર્થોના અને મેદયુક્ત દ્રવ્યો(emollients)ના ઉપયોગથી ચામડીનું રક્ષણ કરાય છે.

ફોતરીકારી શ્વેત વિકાર (pityriasis alba) : લાલાશ પડતી ફોતરીવાળા રોગવિસ્તારોનો આ વિકાર સ્ટેપ્ટોકોકલ જીવાણુના ચેપથી અથવા કૌટુંબિક ઍલર્જી(atopy)થી થતો વિકાર મનાય છે. તે મટે ત્યારે તે સ્થળે રંગવિહીનતા (depigmentation) થાય છે. તેની સારવારનું પરિણામ સારું આવતું નથી. મેદયુક્ત દ્રવ્યોના લેપથી ફાયદો થાય છે.

ગુરુત્વાકર્ષણીય ખરજવું : પહોળી અને વાંકીચૂકી થયેલી સર્પાકાર શિરાઓ(vericose veins)માં વધેલા લોહીના દબાણને કારણે પગની પેશીમાં ઑક્સિજનની ઊણપ થાય છે. ક્યારેક પગના સ્નાયુની અંદર આવેલી શિરાઓ ગંઠાઈ જાય તે પછી પણ તે થાય છે. પગમાં ચુસ્ત મોજાં પહેરવાથી તથા પગને ઊંચો રાખવાથી તેમાંનું શિરાકીય દબાણ(venous pressure) ઘટે છે. જરૂર પડ્યે મંદ કૉર્ટિકોસ્ટીરૉઇડનો સ્થાનિક ઉપયોગ કરાય છે.

સજલફોલ્લાકારી ખરજવું (pompholyx) : 20 %થી વધુ દર્દીઓની હથેળીમાં કે પગને તળિયે પ્રવાહી ભરેલા ફોલ્લાવાળું ખરજવું થાય છે. તેને દુર્જલીય (dyshidrotic) અથવા સજલ-ફોલ્લીયુક્ત (vesicular) ખરજવું પણ કહે છે. તે એક ફલિત અંડકોશમાંથી જન્મેલાં જોડિયાં બાળકો તથા નિકલ-સંવેદનશીલ જોડિયાં બાળકોમાં જોવા મળે છે. કેટલાક દર્દીઓની હથેળીમાં લાગણીજન્ય પરસેવો વધુ થતો જોવા મળે છે. કૌટુંબિક ઍલર્જિક વિકારવાળી વ્યક્તિઓમાં પણ તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. ક્યારેક ઘરની ધૂળ, પરાગરજ, ફૂગ તથા ક્રોમેટ, કોબાલ્ટ, નિકલ કે સુગંધિત દ્રવ્યો પ્રતિ ઍલર્જી જોવા મળે છે. ઔષધથી થતો સ્ફોટ (rash) ક્યારેક આ વિકારની શરૂઆત કરે છે. તે ગમે તે ઉંમરે થાય છે; પરંતુ 40 વર્ષથી ઓછી વયે ખાસ જોવા મળે છે. ગરમ આબોહવામાં તે વધુ થાય છે. તેમાં એકદમ સાબુદાણા જેવા (sago-like) ચોખ્ખા પ્રવાહીવાળી ફોલ્લીઓ થઈ આવે છે. ક્યારેક તે એક જ હાથમાં અથવા તો બંને હાથમાં; પરંતુ અલગ અલગ વિસ્તારમાં થાય છે. નખમાં અનિયમિત અને આડા ખાંચા થાય છે; તે જાડા થાય છે અને તેનો રંગ બદલાય છે. આરામ, મીઠું તેલ, મંદ કૉર્ટિકોસ્ટીરૉઇડ અને ઍન્ટિબાયૉટિકનો ઉપયોગ લાભકારક રહે છે.

ખરજવાના વિવિધ પ્રકારોની સારવારમાં સ્થાનિક ચામડીનું પોષણ, સ્થાનિક મંદ કૉર્ટિકોસ્ટીરૉઇડ ઔષધ તથા ચેપ કે અન્ય કારણભૂત પરિબળની સારવાર મુખ્ય ગણાય છે.

દીપા ભટ્ટ

શિલીન નં. શુક્લ