ખંડકાવ્ય : સંસ્કૃત સાહિત્યની કાવ્યસંજ્ઞા. વિશ્વનાથે ‘સાહિત્યદર્પણ’માં खण्डकाव्यं भवेत्काव्यस्यैकदेशानुसारि च એવી એની વ્યાખ્યા આપી છે અને એના ર્દષ્ટાન્ત તરીકે ‘મેઘદૂત’નું નામ આપવામાં આવ્યું છે. એમાં વિરહી યક્ષના જીવનખંડને કાવ્યાત્મક વર્ણનસમૃદ્ધિ અને રમણીય ભાવનિરૂપણથી ઉઠાવ આપવામાં આવ્યો છે. એટલે ‘એકદેશ’ દ્વારા સમગ્ર જીવન નહિ, પરંતુ જીવનનો એક ખંડ, એક અંશ એમાં નિરૂપાય એવું અપેક્ષિત છે. જોકે રુદ્રટ ‘શિશુપાલવધ’ જેવાં મહાકાવ્યોના સંદર્ભમાં ‘મેઘદૂત’ને લઘુકાવ્ય કહે છે. ગુજરાતીમાં ડોલરરાય માંકડે પણ ખંડકાવ્યને રુદ્રટને અનુસરીને લઘુકાવ્ય – પ્રસંગકાવ્ય તરીકે ઓળખાવ્યું છે.

મહાકાવ્યમાં મહાન માનવ-ઇતિહાસનું, માનવસમાજનું, વ્યક્તિના સમગ્ર જીવનનું અને ધર્મ-અર્થ-કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોનું નિરૂપણ થાય છે, જ્યારે ખંડકાવ્યમાં માનવજીવનના એકાદ વૃત્તાંતનું, એના જીવનના અમુક ખંડનું અને ચાર પુરુષાર્થોમાંથી એકાદ પુરુષાર્થનું નિરૂપણ થતું હોય છે. ગદ્યસ્વરૂપો – ટૂંકી વાર્તા અને એકાંકી સાથે એને આ રીતનું સામ્ય છે. એ ત્રણેમાં જીવનની મહત્વની ક્ષણનું આલેખન થાય છે અને એ રહસ્યમય ક્ષણ સુશ્લિષ્ટ સંવિધાન દ્વારા વ્યક્ત થાય છે.

ગુજરાતીમાં બલવંતરાય ઠાકોર, રામનારાયણ વિ. પાઠક, ડોલરરાય માંકડ વગેરેએ ખંડકાવ્યના સ્વરૂપની મહાકાવ્યના સંદર્ભમાં વિચારણા કરી છે અને એમાં જીવનના મહત્વના વૃત્તાંતનું, વેધક જીવનખંડનું – જીવનક્ષણનું અને એ ક્ષણમાં પ્રગટ થતી કટોકટીની નિર્ણાયક પળનું ગૌરવ કર્યું છે અને એ એના પ્રમુખ લક્ષણ તરીકે સૂચવાયું છે. ખંડકાવ્ય એ નર્યા પ્રસંગને નિરૂપતું પ્રસંગકાવ્ય કે કથા-અંશને નિરૂપતું કથાકાવ્ય નથી; પરંતુ વૃત્તાંતનો ટેકો લઈને માનવસંવેદનને (પછી ભલે એ મૃગ કે ચક્રવાકનું કથાપ્રતીક બનીને આવતું હોય) ઉત્કટતાથી આલેખીને જીવનના ખંડપ્રદેશના નિરૂપણ દ્વારા જીવન સમગ્રને આલોકિત કરતું હોય છે.

ગુજરાતીમાં ખંડકાવ્ય સંજ્ઞા કવિ કાન્તનાં વૃત્તાંતકાવ્યો(‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’, ‘અતિજ્ઞાન’, ‘દેવયાની’)ને અનુલક્ષીને પ્રચારમાં આવી. કવિ કાન્તે નિજી જરૂરિયાત માટે સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યકલાના સુભગ સમન્વયરૂપે આ સાહિત્યપ્રકાર નિપજાવ્યો અને સહૃદયોએ એ વૃત્તાંતમૂલક નવીન કાવ્યપ્રકારને ‘ખંડકાવ્ય’ની સંજ્ઞાથી અભિષિક્ત કર્યો. નરસિંહરાવે એને ‘પરલક્ષી સંગીતકાવ્ય’ અને ઉમાશંકર જોશીએ એને કથા અને ભાવ  બંનેનું એમાં પ્રવર્તન હોવાથી ‘કથનાત્મક ઊર્મિકાવ્ય’ કે ‘કથનોર્મિકાવ્ય’ તરીકે ઓળખાવ્યું છે; પરંતુ કવિ કાન્તનાં વૃત્તાંતમૂલક કાવ્યોને માટે પ્રયોજાયેલી ‘ખંડકાવ્ય’ સંજ્ઞા જ ગુજરાતી સાહિત્યમાં રૂઢ બની પ્રતિષ્ઠિત થઈ છે અને કાન્તનાં આ પ્રકારનાં કાવ્યો જેવાં બીજા કવિઓનાં કાવ્યો પણ પછી ખંડકાવ્ય તરીકે ઓળખાયાં છે. એટલે કાન્તનાં ખંડકાવ્યોને લક્ષમાં રાખીને જ ગુજરાતીમાં ખંડકાવ્યનાં લક્ષણો દર્શાવાયાં છે.

કાન્તનાં ખંડકાવ્યોનું ગ્રીક ટ્રૅજેડીની જેમ આરંભ, વિષયપ્રવેશ, પરિચય, પરાકાષ્ઠા અને પરિણામગામિત્વ એવું સ્પષ્ટ વસ્તુસંવિધાન છે. એમાં પાંડુ (‘વસંતવિજય’), સહદેવ (‘અતિજ્ઞાન’) કે ચક્રવાકયુગલ (‘ચક્રવાકમિથુન’)ના જીવનની રહસ્યમય ક્ષણને સુરેખ અને સબળ રીતે નિરૂપવામાં આવી છે. એમાં માર્મિક સંવાદો, ક્રમિક રીતે આગળ વધતો ક્રિયાવેગ, પાત્રોના પલટાતા મનોભાવો, પરિસ્થિતિને અનુરૂપ નિરૂપાયેલાં ભાવચિત્રો, સંઘર્ષને અંતે આવતી પરાકાષ્ઠા અને અણધાર્યો અંત કાવ્યનું સુરેખ પુદગલ રચી આપે છે. પ્રકૃતિ એમાં ઉદ્દીપનવિભાવ તરીકે મનોરમ રીતે વર્ણવાય છે અને ભાવ પ્રમાણે એમાં વિવિધ છંદોના પલટા આકર્ષક લાગે છે. કથન, વર્ણન, મનોભાવ વગેરેની અભિવ્યક્તિ માટે અનુષ્ટુપ, વસંતતિલકા, મંદાક્રાંતા, શિખરિણી, શાર્દૂલવિક્રીડિત, સ્રગ્ધરા જેવાં સંસ્કૃત વૃત્તોનું સ્વચ્છ સફાઈદાર વૈવિધ્ય એક વિશિષ્ટ ભાત ઉપસાવી આપે છે. જોકે પાછળથી કલાપીએ મહદંશે એક જ વૃત્તમાં (‘બિલ્વમંગળ’) પણ ખંડકાવ્ય લખ્યું છે અને ગણપત ભાવસાર જેવા કવિએ સંસ્કૃત વૃત્તને બદલે ‘દશરથનો અંતકાળ’માં માત્રામેળી સવૈયા છંદ પણ પ્રયોજ્યો છે.

આ કાવ્યોમાં ‘વસંતવિજય’, ‘અતિજ્ઞાન’ (કાન્ત), ‘ઉત્તરા અને અભિમન્યુ’ (નરસિંહરાવ), ‘ભરત’ (કલાપી), ‘શસ્ત્રસંન્યાસ’ (સુંદરજી બેટાઈ)’ ‘અશ્વત્થામા’, (મનસુખલાલ ઝવેરી), ‘વિશ્વામિત્ર’ (પ્રજારામ) જેવાં ઘણાં કાવ્યોમાં પુરાણકથાના મહત્વના વૃત્તાંત-અંશો નિરૂપાયા છે. ‘બિલ્વમંગલ’ (કલાપી), ‘એભલવાળો’ (બોટાદકર), ‘સ્વરાજરક્ષક’ (શ્રીધરાણી), ‘તુકારામનું સ્વર્ગારોહણ’ (રામનારાયણ પાઠક), ‘રાજર્ષિ શિવાજી’ (પૂજાલાલ), ‘દુનિયાના દંશ’ (નંદકુમાર) જેવાં કાવ્યોમાં ઐતિહાસિક અને ‘ચક્રવાકમિથુન’ (કાન્ત), ‘સારસી’ (કલાપી) જેવાં કાવ્યોમાં કાલ્પનિક વિષયો ખંડકાવ્યોના વિષયો બન્યા છે. આ પ્રકારના વિષયવસ્તુ દ્વારા ખંડકાવ્યનો કવિ ઉદાત્તગંભીર ભાવોર્મિને આલેખે છે.

ખંડકાવ્યનો આરંભ પાત્રની ઉક્તિથી કે પરિસ્થિતિ કે પ્રકૃતિના ચિત્રણથી થતો જોવા મળે છે. પાત્રના ઉત્કટ મનોમંથનમાંથી કે બે વિરોધી ચિત્તવૃત્તિઓના નિરૂપણથી એમાં સંઘર્ષનું પ્રગટીકરણ થાય છે. મહાકાવ્યને મુકાબલે ઘણું નાનું હોવા છતાં (‘અતિજ્ઞાન’ 19 કડીનું છે અને ‘વસંતવિજય’ 55 કડીનું) લાગણીની પ્રબળતા અને ઉદાત્તતાથી મહાકાવ્યની ઉન્નતતાની એમાં ઝાંખી થાય છે. એકાદ મર્મસ્પર્શી ઘટનાને ભાવાનુકૂળ વૃત્ત કે વૃત્તોમાં આલેખતો આ કાવ્યપ્રકાર કાન્તના સમકાલીન અને અનુગામી કવિઓએ કાન્ત-શૈલીમાં જ ખેડ્યો છે. નરસિંહરાવ, કલાપી, બોટાદકર, ખબરદાર, શ્રીધરાણી, બેટાઈ, મનસુખલાલ, મેઘાણી, રામનારાયણ, સુન્દરમ્, ઉમાશંકર જેવા અનેક કવિઓએ આ પ્રકારને મર્મજ્ઞતાથી સેવ્યો છે. તેમ છતાં કલાસંયમનો અભાવ અને વસ્તુગ્રથનની શિથિલતા જેવાં કેટલાંક કારણોને લીધે કોઈ કવિ કાન્તની ખંડકાવ્યકલાને અતિક્રમી શક્યો નથી અને કાન્તનાં ખંડકાવ્યો જ ગુજરાતીમાં ખંડકાવ્યના ઉત્તમ માનદંડ તરીકે સ્થાપિત થયાં છે.

અદ્યતન પેઢીના ગુજરાતી કવિઓએ લુપ્ત થતા જતા આ કાવ્યપ્રકારને નવો વળાંક આપી પુન:પ્રતિષ્ઠિત કરવાના પ્રયત્નો આરંભ્યા છે. સિતાંશુનું ‘જટાયુ’, ચિનુ મોદીનું ‘બાહુક’, નલિન રાવળનું ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’, વિનોદ જોશીનું ‘શિખંડી’ પૌરાણિક વિષયોનો કથાસંદર્ભ લઈને, નવાં અર્થઘટનો અને વૃત્તો-છંદોના વિવિધ પ્રયોગો અને અભિવ્યક્તિની વિશિષ્ટ તરાહો દ્વારા પ્રશિષ્ટતા અને અદ્યતનતાને સમન્વિત કરવા તાકે છે. તેમાંથી કથન અને ભાવના તંતુઓની ગૂંથણીવાળું આ કાવ્યરૂપ કાન્ત-શૈલીથી જુદી નવી દિશા તરફ વળાંક લઈ રહ્યાનો સંકેત મળે છે.

ચિમનલાલ ત્રિવેદી

મકરન્દ બ્રહ્મા