ક્ષારપાણી પેય ચિકિત્સા : બાળકોમાં પાતળા ઝાડા થવાથી શરીરનું પ્રવાહી અને ક્ષાર ઘટી જાય ત્યારે તે માટે મોં વાટે આપવાની સારવાર. બાળકોમાં ઘણી વાર ઝાડા-ઊલટીની બીમારી થાય છે. ક્યારેક તે જીવલેણ પણ બની શકે. શરીરમાંનું પ્રવાહી ઘટી જાય ત્યારે નિર્જલન (dehydration) થાય છે. પ્રાથમિક સારવાર તરત અને ઘરે જ શરૂ કરવી જરૂરી ગણાય છે. તે માટે બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર રૂપે ખાંડ-મીઠાનું દ્રાવણ બનાવીને પિવડાવવામાં આવે છે. લગભગ બધા કિસ્સામાં ઉપયોગી થઈ પડે તેવી એક ફૉર્મ્યુલા વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ બનાવી છે. તેને ‘મુખમાર્ગી ક્ષાર-પાણીનું દ્રાવણ’ (oral rehydration solution, ORS) કહે છે. તેની ફૉર્મ્યુલા નીચે મુજબ છે :

(1) 20.0 ગ્રામ ગ્લુકોઝ

(2) 3.5 ગ્રામ ખાવાનું મીઠું

(3) 2.5 ગ્રામ રાંધવાનો સોડા (soda bicarb)

(4) 1.5 પોટૅશિયમ ક્લોરાઇડ

તેને 1 લિટર ઉકાળીને ઠંડા કરેલા ચોખ્ખા પાણીમાં ઓગાળવામાં આવે છે. ORS માટેના પાઉડરનાં સસ્તાં પડીકાં (60 કે 70 પૈસા) બનાવવાનું શક્ય છે. કેટલેક સ્થળે સામાજિક સંસ્થાઓ મારફતે પણ આવાં સસ્તાં ORSનાં પડીકાંની વહેંચણી કરાય છે. અનેક દવાની કંપનીઓ એવાં જ બંધારણનાં પડીકાં વેચાણ માટે બનાવે છે જેનો બજારભાવ થોડો વધુ રહે છે. સામાન્ય રીતે 1 લિટર ઉકાળીને ઠંડા પાડેલા ચોખ્ખા પાણીમાં 1 પડીકું નાખવાનું હોય છે. જો કોઈ કારણસર પાઉડરનું પ્રમાણ વધારે થાય (પાણી ઓછું લીધું હોય તો અથવા પાઉડરના બંધારણમાં ગ્લુકોઝ, સોડા વગેરેનું પ્રમાણ વધારે હોય) તો બાળકને નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી આવા પાઉડરનાં પડીકાં ડૉક્ટરની સલાહ પ્રમાણે જ વાપરવા ભલામણ કરાય છે.

ORSથી ઝાડાના રોગની ગંભીર આનુષંગિક તકલીફોને કાબૂમાં લઈ શકાય છે અને તેનાથી મૃત્યુદર ઘટે છે. બાળકોમાં ઘણી વખત વિષાણુજન્ય ચેપથી ઝાડા થાય છે. ઝાડાનો વિકાર ટૂંકા સમયનો જ હોય છે અને તેથી ORSની સારવારથી નિર્જલન થતું અટકાવીને રાહત આપી શકાય છે તથા મૃત્યુ અટકાવી શકાય છે. આવા સંજોગોમાં તે મુખ્ય અને જીવનરક્ષક સારવાર ગણાય છે. જો પોટૅશિયમ ક્લોરાઇડ ન હોય તો લીંબુનો રસ વાપરી શકાય છે.

આબિદા મોમિન