ક્ષય (tuberculosis) : માયકોબૅક્ટેરિયમ ટ્યૂબર્ક્યુલોસિસ નામના જીવાણુ(bacteria) થી થતો લાંબા ગાળાનો ચેપી રોગ. આયુર્વેદમાં ક્ષયરોગનો ઉલ્લેખ ચરકનિદાન, ચરકચિકિત્સા, સુશ્રુતસંહિતા જેવા ગ્રંથોમાં કરવામાં આવેલ છે. ક્ષયરોગ આખા વિશ્વમાં બધે જ થાય છે. ઇજિપ્તના પિરામિડોમાં હાડકાંનો ક્ષય દર્શાવતાં પાત્રોનો ઉલ્લેખ છે. આયુર્વેદમાં આ રોગને રાજયક્ષ્મા તરીકે ઓળખાવ્યો છે કારણ કે ગ્રહોનો રાજા ચંદ્ર કહેવાયો અને સૌપ્રથમ આ રોગ ચંદ્રને થયાનો ઉલ્લેખ છે. સામાન્ય માનવીને પોસાય નહિ પણ રાજાઓને પોસાય માટે રાજયક્ષ્મા કહેવાય તે પણ બનવાજોગ છે. શરીર ક્ષીણ થાય છે માટે તેને ક્ષય (phthisis) કહે છે તથા શરીર ખવાઈ જઈને અવયવોનો નાશ થાય છે તેથી તેને અંગ્રેજીમાં consumption (કાયનાશ) પણ કહે છે. તે tuberculosis તરીકે ઓળખાય છે કારણ કે તે રોગમાં પેશીમાં લઘુ-ગંડિકાઓ (tubercles) બને છે. આવી લઘુ-ગંડિકાઓ સૌપ્રથમ થિયૉફિલસ બોનેટસે (Theophilus Bonetus, 1628-89) શોધી હતી.

ક્ષયરોગ ચેપી છે તેનો ઉલ્લેખ સુશ્રુત અને વાગ્ભટે કરેલો છે. ક્ષયરોગના જીવાણુ શોધાયા તે પહેલાં પણ ક્ષય ચેપી હોવાનો ખ્યાલ ડૉક્ટરો તેમજ વૈદોને હતો. ક્ષયરોગના જીવાણુની શોધ 24 માર્ચ 1882ના રોજ, જર્મન વૈજ્ઞાનિક રૉબર્ટ કોકે (Robert Koch) જાહેર કરી. તેને શાસ્ત્રીય પરિભાષામાં Mycobacterium tuberculosis કહે છે. ક્ષયરોગ મનુષ્ય સહિત બધાં જ સસ્તન પ્રાણીઓ (mammals), પક્ષીઓ (avians), પેટે ચાલતા જીવો (reptiles) તથા પાણીમાં રહેલા જીવો (pisces)માં જોવામાં આવે છે. તે શરીરના નખ સિવાય દરેક અવયવમાં થઈ શકે છે; દા.ત., ફેફસાં, લસિકાગ્રંથિઓ, આંતરડાં, મગજ, મૂત્રપિંડ વગેરે.

ક્ષયના જીવાણુ (Mycobacterium tuberculosis) : વિવિધ પ્રકારના હોય છે. તેમાંથી માનવલક્ષી (human) પ્રકાર અને પશુલક્ષી (bovine) પ્રકારોને કારણે મોટા ભાગના માણસોમાં ક્ષયનો રોગ થાય છે. અસામાન્ય માઇકોબૅક્ટેરિયા(atypical Mycobacteria)ની આશરે 50થી વધુ જાતો છે અને તેને લીધે થતો ક્ષય લસિકાગ્રંથિઓ અને ચામડી જેવા અવયવોમાં વધારે જોવામાં આવે છે. ક્ષયના જીવાણુને લાલરંગી બેઝિક ફુચસીનથી અભિરંજિત કરવામાં આવે ત્યારે ઍસિડ કે આલ્કોહૉલથી પણ તેમનો લાલ રંગ જતો નથી. માટે તેમને ઍસિડ-રોધી (acid fast) અને આલ્કોહૉલ-રોધી (alcohol fast) જીવાણુ કહે છે. અભિરંજન કર્યા પછી સૂક્ષ્મદર્શક વડે તપાસતાં તેઓ લાલ રંગની સૂક્ષ્મ સળીઓ જેવા દેખાય છે. ક્ષયના જીવાણુની વૃદ્ધિ ખૂબ ધીમી હોય છે અને સરેરાશ દર 20 કલાકે તેમની સંખ્યા બમણી થાય છે. પરિણામે શરીરમાં 20 દિવસના ગાળામાં એક જીવાણુમાંથી એક લાખ કરતાં વધારે જીવાણુ થાય છે. સાધારણ રીતે એક લાખ જીવાણુ હોય તો જ રોગનાં લક્ષણો અને ચિહનો જોવા મળે છે. તે સૂર્યકિરણો અને ગરમીમાં જલદી નાશ પામે છે અને અંધારામાં તથા ઠંડકવાળી જગ્યાએ એક મહિના સુધી જીવંત રહી શકે છે.

રુગ્ણવિદ્યા : અંગ્રેજી શબ્દ tuberculosis લઘુગંડિકા (tubercle) જેવા તેના પેશીમાંના રોગવિસ્તારો (lesions) પરથી આવ્યો છે. લઘુગંડિકા એક પ્રકારની ચિરશોથગડ (granuloma) છે. તે એક પ્રકારનો લાંબા ગાળાનો શોથ (inflammation) છે. તેમાં લસિકાકોષો (lymphocytes), મહાભક્ષી કોષો (macrophages) અને મહાકોષો (giant cells) હોય છે. તેની મધ્યમાં પેશીનાશ(necrosis)ને કારણે મૃત કોષો વડે બનેલી મલાઈ જેવી કે પોચા પનીર જેવી લૂગદી (jelly) હોય છે. તેને કેસિયેશન (caseation) અથવા મલાઈકરણ કહે છે. મલાઈકરણ થાય તે પહેલાંનો રોગ-વિસ્તાર દવા કે પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાથી સંપૂર્ણપણે મટે છે; પરંતુ મલાઈકરણ થયા પછી રૂઝ આવે ત્યારે તંતુતા (fibrosis), સંપુટીકરણ (encapsulation), કૅલ્સીકરણ (calcification) અને રૂઝપેશી (scar) બને છે. મલાઈકરણ થવાથી મૃતપેશી પાતળી અને ઢીલી બને છે જે શ્વસનમાર્ગમાંથી ગળફા રૂપે બહાર આવે છે. તેને કારણે મલાઈકૃત મૃતપેશીની જગ્યાએ પોલાણ ઉદભવે છે. તેને ગુહા (cavity) કહે છે. શ્વસનમાર્ગ દ્વારા રોગ ફેફસાંમાં અન્યત્ર પ્રસરે છે. લસિકાવાહિનીઓ દ્વારા તે સ્થાનિક લસિકાગ્રંથિઓને અસરગ્રસ્ત કરે છે અને લોહી દ્વારા તે સમગ્ર શરીરમાં પ્રસરીને ગમે તે પેશી/અવયવમાં સ્થાયી થાય છે અને તેને રોગગ્રસ્ત કરે છે. ફેફસાંના ઉપલા અને નીચલા ખંડ(lobes)ના ઉપલા ઉપખંડો(segments)માં લોહીનું પરિભ્રમણ તથા હવાની અવરજવર ઓછી હોવાથી ત્યાં ક્ષયના રોગનો વિકાસ થાય છે. ચેપ, પેશીનાશ અને રૂઝની પ્રક્રિયા સતત ચાલતી હોવાથી તંતુતા, ગુહા, કૅલ્સીકરણ વગેરે પ્રક્રિયાઓનાં લક્ષણો અને ચિહનો એકસાથે ઉદભવે છે.

આકૃતિ 1 : ચિરશોથગડ (granuloma) બનાવવાની પ્રક્રિયા. (1) ક્ષયના જીવાણુ, (2) મહાભક્ષી કોષ(macrophage)માં ક્ષયના જીવાણુ, (3) મહાભક્ષી કોષ, (4) એપિથેલૉઇડ કોષો, (5) મલાઈકૃત દ્રવ્ય (caseated material), (6) મહાકોષ (giant cell), (7) લસિકાકોષો (lymphocytes), (8) તંતુતા (fibrosis)

પ્રાથમિક ચેપ પછી ઉદભવતા રોગવિસ્તારમાં અવિશિષ્ટ (nonspecific) ફેફસીશોથ (pneumonitis) થાય છે. તે સામાન્ય રીતે વચલા કે નીચલા ખંડમાં જોવા મળે છે. શરૂઆતમાં અન્ય જીવાણુથી થતા ન્યુમોનિયા જેવો જ શોથકારી (inflammatory) વિકાર ઉદભવે છે, જેમાં ફાઇબ્રિન, જળશોફ (oedema) અને તટસ્થ શ્વેતકોષોનો ભરાવો થાય છે. 2થી 3 અઠવાડિયાંમાં કોષીય પ્રતિરક્ષા(cellular immunity)નો વિકાસ થાય ત્યારપછી ઉપર જણાવેલ ચિરશોથગડ જેવો વિકાર ઉદભવે છે. કોષીય પ્રતિરક્ષા પ્રકારની રોગપ્રતિકારક્ષમતા વિકસવાને કારણે રોગનો ફેલાવો અટકે છે, રોગવિસ્તારની આસપાસ જાણે તંતુ(fibres)ની દીવાલ સર્જાય છે અને મધ્યવિસ્તારમાં મલાઈકરણની પ્રક્રિયા સર્જાય છે.

પ્રાથમિક ચેપ પછી ફેફસામાં રોગવિસ્તાર થાય ત્યારે ઘણી વખત કોઈ લક્ષણો કે ચિહનો હોતાં નથી, અથવા ખૂબ જ સામાન્ય પ્રકારનાં લક્ષણો ઉદભવે છે. ફેફસાંની પ્રમુખપેશી (parenchyma) તથા ફેફસીમુખ (pulmonary hilum) અને છાતીના પોલાણના મધ્યભાગ(મધ્યવક્ષ, mediastinum )માં લસિકાગ્રંથિઓ રોગગ્રસ્ત થાય છે. ક્યારેક ફેફસાંની આસપાસ પરિફેફસીગુહા(pleural cavity)માં પ્રવાહી ભરાય છે. ક્યારેક રોગ પ્રસરીને મગજનાં આવરણો (તાનિકા, meninges)માં પ્રસરીને તાનિકાશોથ (meningitis) કરે છે અને/અથવા જવગંડિકાકારી ક્ષય(miliary tuberculosis) રૂપે શરીરમાં વિવિધ અવયવોમાં પ્રસરે છે. પ્રાથમિક ચેપથી થતો રોગ મોટે ભાગે મટે છે. પરંતુ તે સ્થળે કૅલ્સીકૃત રૂઝપેશી (calcified scar) બને છે તથા અસરગ્રસ્ત લસિકાગ્રંથિમાં કૅલ્સીકરણ થાય છે. આને ગ્હોનનું સંકુલ (Ghon’s comlplex) કહે છે. ત્યાર પછી તે રુઝાયેલી પેશીવાળા વિસ્તારમાં ક્ષયના જીવાણુ સુષુપ્ત અને નિષ્ક્રિય રૂપે દર્દીના પૂરા જીવનકાળ દરમિયાન જીવતા રહે છે. કેટલાક દર્દીઓમાં તે ક્યારેક ફેફસાં કે અન્ય અવયવમાં સક્રિય બનીને પ્રાથમિકોત્તર (post-primary) રોગ કરે છે. બહુ જ થોડા કિસ્સામાં નવા ચેપનો બીજો બનાવ (episode) નોંધાયેલો છે.

પ્રાથમિક (પ્રારંભિક) ચેપ : ક્ષયના જીવાણુ શરીરમાં 80 % કિસ્સામાં ફેફસાં મારફતે, 15 %માં આંતરડાં મારફતે અને 5 %માં ચામડી, આંખ, કાન, ગળું, ગુદા, યોનિ (vagina) મારફતે દાખલ થાય છે. સૌપ્રથમ વાર જીવાણુ શરીરમાં દાખલ થાય છે તે ક્રિયાને પ્રારંભિક અથવા પ્રાથમિક ચેપ કહે છે. ફેફસાંમાં આ જીવાણુની વૃદ્ધિ થાય છે અને છ માસની અંદર ફેફસાંની પ્રમુખપેશી(parenchyma)માં અને તેની સાથે જોડાયેલી લસિકાગ્રંથિ(lymph node)માં વિકાર ઉદભવે છે. તેને પ્રાથમિક ક્ષય-સંકુલ(primary complex) કહે છે. ત્યાર બાદ શરીરમાં રોગ સામે લડવાની પ્રતિકારક્ષમતા પૂરતા પ્રમાણમાં પેદા થવાથી પ્રાથમિક ચેપ અને રોગની વૃદ્ધિ લગભગ 90 % વ્યક્તિઓમાં આગળ વધતી અટકી જાય છે અને 6 માસમાં ફેફસાંનો લસિકાગ્રંથિનો શોથજન્ય સોજો મટી જાય છે તથા તેની કોઈ બાહ્ય નિશાની રહેતી નથી. ફક્ત ક્ષયનિદાન કસોટી (tuberculin test) કરવામાં આવે તો તે હકારાત્મક (positive) પરિણામ આપે છે. 10 % વ્યક્તિઓમાં રોગ સામે લડવાની પ્રતિકારક્ષમતા ઓછી હોવાને કારણે પ્રાથમિક ચેપ આગળ વધે છે અને વિકસતા પ્રાથમિક ચેપ(progressive primary infection)નો વિકાર થાય છે અને તેને જે તે અવયવ પ્રમાણે ફેફસાંનો ક્ષય, તાનિકાનો ક્ષય (tuberculous meningitis), આખા શરીરમાં ફેલાતો જવગંડિકાકારી (miliary) ક્ષય, હાડકાંનો ક્ષય વગેરે નામે ઓળખવામાં આવે છે.

પ્રાથમિકોત્તર ક્ષય (post-primary tuberculosis) : 90 % વ્યક્તિઓમાં પ્રાથમિક ચેપ મટ્યા પછી પાછળથી પ્રાથમિકોત્તર ક્ષયનો રોગ સક્રિય બને છે. આવું ગમે તેટલા ગાળા પછી થઈ શકે છે. ક્યારેક આખી જિંદગીમાં ક્ષયના રોગમાં આ પ્રકારની સક્રિયતા આવતી નથી.

બાળકોમાં ક્ષયનો પ્રાથમિક ચેપ સક્રિય રોગ કરે છે જ્યારે પુખ્ત વયની વ્યક્તિમાં પ્રાથમિકોત્તર ક્ષયનો રોગ જોવા મળે છે. પ્રાથમિકોત્તર ક્ષયનો રોગ મુખ્યત્વે કરીને ફેફસાંમાં જોવામાં આવે છે. ક્ષયરોગના જંતુઓની વૃદ્ધિ થાય છે અને તેને લીધે ફેફસાંમાં પોલાણો અથવા ગુહા (cavities) બને છે અને ક્ષયના જીવાણુ ગળફા વાટે બહાર આવે છે.

લક્ષણો અને નિદાન : ક્ષયનો રોગ કોઈ પણ અવયવ કે પેશીમાં થાય છે પરંતુ તે ફેફસાંમાં સૌથી વધુ જોવા મળે છે. તે પ્રાથમિક અને પ્રાથમિકોત્તર એમ બે પ્રકારનો હોય છે.

પ્રાથમિક ચેપમાં મોટે ભાગે લક્ષણો હોતાં નથી. પ્રાથમિકોત્તર રોગમાં સામાન્યપણે 100o સે. જેટલો, સાંજે એકાદ-બે કલાક માટે આવતો ઝીણો તાવ, શરૂઆતમાં સૂકી ખાંસી જેની સાથે પાછળથી ગળફો પણ આવે, ગળફામાં લોહી આવે, છાતીનો દુખાવો થાય, ભૂખ ન લાગે, શરીર ક્ષીણ થાય, વજન ઘટે વગેરે લક્ષણો દેખાય છે. સામાન્ય રીતે આવાં લક્ષણો જો પંદર દિવસથી વધારે રહે તો ક્ષયરોગ હોવાની શક્યતા ગણાય છે. તે સમયે ફેફસાંમાં ગુહા, તંતુતા (fibrosis), ફેફસી ઘનતા (consolidation), પરિફેફસી ગુહા(pleural cavity)માં પ્રવાહી ભરાવું વગેરે વિકારોનાં ચિહનો જોવા મળે છે. ક્યારેક ઉગ્ર (acute) પ્રકારનાં લક્ષણો પણ જોવા મળે છે.

ક્ષયરોગનું નિદાન ક્ષય કયા અવયવમાં છે તેના પર આધાર રાખે છે. ફેફસાંના ક્ષયનું નિદાન કરવા માટે ગળફામાં ક્ષયના જીવાણુ જોવાની તપાસ અને છાતીનું એક્સ-રે ચિત્રણ કરાય છે. ગળફો ન આવતો હોય તો શ્વાસનળીની અંદર નળી નાખીને અંદર ઝરતો સ્રાવ (secretion) મેળવીને તેની ક્ષયના જીવાણુ દર્શાવવા માટેની તપાસ સૂક્ષ્મદર્શક વડે કરાય છે. તે માટે ઝીલ-નીલસન(Ziehl-Neelson)ની અભિરંજન(staining)ની પદ્ધતિ વપરાય છે અથવા તો ક્યારેક જીવાણુનું સંવર્ધન (culture) કરાય છે. છાતીના એક્સ-રે ચિત્રણ વડે ફક્ત ફેફસાંમાં ફેરફાર થયેલા જોવામાં આવે છે પણ તે ક્ષયના રોગને લીધે છે કે કેમ તે જાણવા માટે ગળફાની તપાસ કરવામાં આવે તો જ નિદાન સો ટકા થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના મત પ્રમાણે ક્ષયનો દરદી એ કહેવાય કે જેના અવયવમાંથી ક્ષયનો જીવાણુ દર્શાવી શકાય. લસિકાગ્રંથિ (lymph nodes), હાડકાં, મૂત્રપિંડ, ચામડી વગેરે અવયવોમાં જીવપેશીપરીક્ષણ (biopsy) વડે નિદાન કરી શકાય છે. તે માટે જે તે પેશીનો નાનો ટુકડો લઈને તેની તપાસ કરાય છે. મદ્યપાન, વ્યસનાસક્તિ (addiction), રોગ કે દવાને કારણે પ્રતિરક્ષા-ક્ષમતામાં ઘટાડો, કૉર્ટિકોસ્ટીરૉઇડનો લાંબા ગાળાનો ઉપયોગ, અપોષણ કે જઠરને શસ્ત્રક્રિયાથી કાઢી નાખવામાં આવ્યું હોય વગેરે પરિસ્થિતિમાં ક્ષયના રોગનું બળ વધે છે. તેવી જ રીતે મૂત્રપિંડ પ્રત્યારોપણ (kidney transplantation), ઓરી, ફ્લૂ, ન્યુમોનિયા અને એઇડ્ઝના દર્દીમાં પણ તે વધુ થાય છે.

સારવાર : આધુનિક સારવાર મુખ્યત્વે દવાઓ મારફતે કરવામાં આવે છે. આ દવાઓમાં રિફામ્પિસિન આઇસોનિયાઝિડ, પાયરાઝિનામાઇડ, સ્ટ્રૅપ્ટોમાઇસિન મુખ્ય છે. આ ચાર દવાઓ શરૂઆતથી વાપરવામાં આવે તો 9 મહિનાની સતત, નિયમિત અને ભંગ પડ્યા વગરની સારવાર બાદ ક્ષય સંપૂર્ણ મટી શકે છે છતાં પણ 2 % દરદીઓને ઊથલો મારવાની શક્યતા રહે છે. જરૂરી આરામ અને પોષણયુક્ત આહાર રોગ સામે લડવાની શક્તિમાં વધારો કરે છે. આધુનિક દવાઓ લેવાથી સૅનેટોરિયમમાં દાખલ થવાની જરૂર રહેતી નથી. સૅનેટોરિયમની સંકલ્પના 1884માં થઈ હતી. વળી તે સમયે રોગગ્રસ્ત ભાગને દૂર કરવાની તથા ફેફસાંમાંની ગુહાને દબાવી દેવાની શસ્ત્રક્રિયા પણ થતી હતી. જો કોઈ આનુષંગિક તકલીફ (complication) જેમ કે લોહી પડે, શ્વાસ વધે, સોજા આવે, ખૂબ તાવ હોય, અન્ય કારણસર શસ્ત્રક્રિયા કરવાની હોય, મધુપ્રમેહ કે દમ હોય તો થોડા સમય માટે હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમની સારવાર કરાય છે. મધુપ્રમેહના દર્દીમાં મધુપ્રમેહનો રોગ પૂરેપૂરો કાબૂમાં આવે તે ખાસ જોવામાં આવે છે.

ક્ષયની સારવારમાં દવાઓનો ઉપયોગ 1945થી શરૂ થયો. તે સમયે વૉક્સમને સ્ટ્રૅપ્ટોમાયસિન શોધ્યું. 1949માં સ્ટ્રૅપ્ટોમાયસિન અને પેરા-એમાઇનો સેલિસિક ઍસિડ(PAS)ની સામૂહિક ઔષધચિકિત્સા (combination chemotherapy) વિકસી. 1982માં આઇસો-નિયેઝાઇડ શોધાયું અને આમ મુખમાર્ગી ઔષધચિકિત્સાનો પાયો નંખાયો. તે સમયે 18થી 24 મહિના તે દવા અપાતી જેથી રોગના ફરીથી થતા હુમલાનો ભય ઘટે. 1961માં ઇથેમ્બ્યુટોલ શોધાયું અને તેથી PASને તેની આડઅસરોને કારણે તિલાંજલિ આપી શકાઈ. 1960માં ભારતમાં કરાયેલાં સંશોધનો દ્વારા દર્દીને તેના ઘરે રાખીને સારવાર કરવાથી તેને કે તેના કુટુંબને કોઈ નવી તકલીફ થતી નથી તે દર્શાવાયું. વળી 1973ના અભ્યાસો પરથી નક્કી કરી શકાયું કે અનિયમિત સારવાર લેતા દર્દીઓને અઠવાડિયામાં 2 વખત ડૉક્ટરની હાજરીમાં દવા આપવાથી પણ પરિણામ સારું જ રહે છે. 1972 પછી અભ્યાસોએ 6 મહિના જેટલી ટૂંકી સારવારની મુદત રાખવા અંગેનાં મહત્વનાં સંશોધન આપ્યાં છે.

આઇસોનિયેઝાઇડ (INH) સૌથી મહત્વની દવા છે. તે સસ્તી, સરળતાથી બનાવી શકાતી, બહુ ઓછી આડઅસરવાળી અને લાંબો સમય ચાલતી દવા છે. તે મોં વાટે તથા ઇંજેક્શન દ્વારા અપાય છે. તે સંખ્યાવૃદ્ધિ કરતા જીવાણુને મારે છે. 5 મિગ્રા./કિગ્રા./દિવસની માત્રામાં (300 મિગ્રા./દિવસ, પુખ્ત વયે) આપવાથી 5 % દર્દીઓને આડઅસરો થાય છે. તેને કારણે ચેતાવિકાર (neuropathy) થાય છે જેથી હાથપગમાં ખાલી ચડે છે, ઝણઝણાટી અને બળતરા થાય છે. પાયરીડૉક્સિન (વિટામિન–B6) વડે તે મટે છે. 10 % દર્દીઓમાં પ્રથમ 2 માસમાં યકૃતનો વિકાર થાય છે અને તેથી લોહીમાં એમાઇનો-ટ્રાન્સફરેઝનું પ્રમાણ વધે છે. 35 વર્ષથી મોટી ઉંમરની 1 % વ્યક્તિઓમાં યકૃતશોથ (hepatitis) થાય છે.

રિફામ્પિસિન (RMP) જીવાણુઘાતક (bactericidal) ઍન્ટિબાયૉટિક છે. તે શરીરમાં બધે જ પ્રસરે છે. તે ક્ષયના જીવાણુ ઉપરાંત અન્ય અનેક જીવાણુ સામે અસરકારક છે. સામાન્ય રીતે તે 10 મિગ્રા./કિગ્રા./દિવસની માત્રામાં દિવસમાં એક વખત અપાય છે. 1 % દર્દીઓમાં યકૃતશોથ થાય છે. ક્યારેક ઍલર્જી અને અન્ય આડઅસરો થાય છે. દવાનો ઉત્સર્ગ થાય ત્યારે તે આંસુ, પરસેવો અને પેશાબને લાલાશ પડતાં કરે છે.

ઇથેમ્બ્યુટોલ (EMB) : તે મોં વાટે અપાય છે અને પેશાબ દ્વારા બહાર નીકળે છે માટે મૂત્રપિંડની નિષ્ફળતાવાળા વિકારોમાં તેને આપી શકાતી નથી. તેની મુખ્ય આડઅસર ર્દષ્ટિચેતાનો વિકાર કરવાની છે જેને કારણે 15 મિગ્રા./કિગ્રા./દિવસ કરતાં વધુ માત્રામાં આપવામાં આવે તો 3 % દર્દીમાં લીલો રંગ પારખવાની ક્ષમતામાં તથા ર્દષ્ટિની તીવ્રતામાં ઘટાડો થાય છે, જોકે આ આડઅસર દવા બંધ કરતાં જતી રહે છે.

પાયરિઝિનેમાઇડ (PZA) : મોં વાટે અપાય છે અને તે બધા જ અવયવોમાં જાય છે. તે ફક્ત માણસોમાં થતા એમ. ટ્યૂબર્ક્યુલોસિસ પ્રકારના જીવાણુઓ પર અસર કરે છે. 20થી 30 મિગ્રા./કિગ્રા./દિવસ (1.5થી 2 ગ્રા./દિવસ)ની માત્રામાં આપવામાં આવે છે. 1 % દર્દીઓમાં યકૃતશોથ (hepatitis) થાય છે. તે પેશાબ વાટે શરીરમાંથી બહાર જાય છે.

સ્ટ્રૅપ્ટોમાયસિન (SM) એક ઍન્ટિબાયૉટિક છે અને તે ઇંજેક્શન દ્વારા 0.75થી 1 ગ્રા./દિવસની માત્રામાં અપાય છે. તેની મુખ્ય આડઅસરો રૂપે ચક્કર આવવાં, બહેરાશ આવવી તથા મૂત્રપિંડની નિષ્ફળતા થવી વગેરે જોવા મળે છે. મોટી ઉંમરની વ્યક્તિમાં તેનું જોખમ વધુ રહે છે. ઘણી વખત ઍલર્જિક પ્રતિક્રિયા પણ થાય છે.

આ ઉપરાંત કેનામાયસિન, કેપ્રિઓમાયસિન, ઇથિઓનેમાઇડ, સાઇક્લોસિરિન વગેરે દવાઓ ઔષધરોધી (drug resistant) ક્ષયના રોગમાં વપરાય છે. અન્ય અસરકારક દવાઓ પર સંશોધનો થઈ રહ્યાં છે; દા.ત., સિપ્રોફ્લૉક્સાસિન, ઑફલૉક્સાસિન, રિફાબ્યુટિન, રિફાપેન્ટિન વગેરે.

પહેલાં SM અથવા RMP પ્રથમ 2 મહિના માટે તથા INH અને EMB 1.5થી 2 વર્ષ માટે અપાતાં હતાં. પ્રથમ 2 કે 3 મહિના માટે રોજ દવા આપ્યા પછી અઠવાડિયે 2 કે વધુ વખત આપવાના પ્રયોગો થયેલા છે. હાલ પ્રથમ 1થી 3 મહિના EMB, SM, અને PZAમાંથી ગમે તે એકની સાથે INH અને RMP આપ્યા પછી કુલ 6થી 9 મહિના માટે INH અને RMP આપવાથી પણ તેટલાં જ સારાં પરિણામ મળેલાં છે. 6 મહિનાની સારવાર માટેના પ્રોટોકૉલમાં પ્રથમ 2 મહિના PZA ઉમેરવામાં આવે છે.

75 % ખૂબ જ તીવ્રતાવાળા ક્ષયના દર્દીઓના ગળફામાં પ્રથમ 10 અઠવાડિયાંમાં ક્ષયના જીવાણુ આવતાં બંધ થાય છે જ્યારે 50 % દર્દીઓમાં 4થી 6 અઠવાડિયાંમાં જ ગળફામાં ક્ષયના જીવાણુ દેખાતાં બંધ થાય છે. સામાન્ય રીતે 2 અઠવાડિયાં પછી દર્દી ચેપવાહક રહેતો નથી. સારવારનો ઇરાદો રોગને કાયમ માટે તથા પૂરેપૂરો મટાડવાનો છે. નિયમિત સારવાર લેવાથી દવાઓની અસરમાં ઘટાડો થતો અટકાવી શકાય છે.

પૂરતી દવા આપવા છતાં જો દર્દી તાવ, અરુચિ અને અશક્તિથી પીડાતો હોય, તેનાં ફેફસાં કે હૃદયની આસપાસ પ્રવાહી ભરાયું હોય કે તાનિકાશોથ (meningitis) થાય તો કૉર્ટિકોસ્ટીરૉઇડની 3થી 4 અઠવાડિયાંની સારવાર કરાય છે.

મૂત્રપિંડની નિષ્ફળતાવાળા દર્દીમાં INHની માત્રા ઘટાડાતી નથી, પરંતુ વિટામિન B6 વધુ માત્રામાં અપાય છે જ્યારે EMB અને PZAની માત્રા ઘટાડવામાં આવે છે અથવા તે આપી શકાતાં નથી. પારગલન (dialysis) કરવામાં આવે તો INH, SM, તથા EMB પૂરતા પ્રમાણમાં આપી શકાય છે. RMPની માત્રામાં કોઈ ફેરફારની જરૂર પડતી નથી. યકૃતના વિકારવાળા દર્દીમાં SM અને EMP વડે સારવાર કરવાથી આડઅસર થતી નથી. તેવા દર્દીને RMP તથા PZA આપવામાં આવતી નથી. સગર્ભા સ્ત્રીમાં SM અને ઇથિયોનેમાઇડ અપાતાં નથી તથા PZA અને સાઇક્લોસેરિન અંગે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. તેમને INH અને RMP અપાય છે. બાળકોમાં પણ INH અને RMP સૌથી વધુ સુરક્ષિતતા આપે છે. 13 વર્ષથી નીચેની ઉંમરે EMP અપાતી નથી. હાલના જમાનામાં ફેફસાંના ક્ષય માટે ભાગ્યે જ શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.

ક્ષયનો ફેલાવો : ક્ષયના જીવાણુનો ફેલાવો મુખ્યત્વે હવા મારફતે થાય છે. જે દર્દીને ફેફસાંનો ક્ષય હોય તેના ગળફામાં ક્ષયના જીવાણુ બહાર પડે છે અને હવામાં ફેલાય છે. તેને થૂંકબિંદુજન્ય ચેપ (droplet infection) કહે છે. આ થૂંકબિંદુઓમાંનો ભેજ સુકાય એટલે તે હવામાં ઊડે છે અને જે કોઈ વ્યક્તિ આવી હવા શ્વાસમાં લે તેના ફેફસાંમાં ક્ષયનો જીવાણુ દાખલ થાય છે અને આમ પ્રાથમિક ચેપ લાગે છે. ભારતમાં લગભગ 40 %થી 50 % વસ્તીમાં ક્ષયનો પ્રાથમિક ચેપ થયેલો જોવામાં આવે છે. જ્યારે વસ્તીની આશરે 1.8 % વ્યક્તિઓમાં ક્ષયનો રોગ જોવામાં આવે છે. ભારતમાં દર દસ લાખની વસ્તીએ આશરે 4,000 વ્યક્તિઓના ગળફામાં ક્ષયના જીવાણુ આવે છે. પશ્ચિમી દેશોમાં તેનો દર ક્રમશ: ઘટી રહ્યો હતો. હાલ તેમાં થોડો વધારો થયો છે તેનું કારણ એઇડ્ઝનો રોગ છે. ખાંસી વખતે 2 થી 3,500 જેટલાં, પાંચ મિનિટની વાતચીતમાં 0 થી 3,500 જેટલાં અને છીંક ખાતાં 90 લાખ થૂંકબિંદુઓ બહાર પડે છે. તેથી દર્દીની સાથે

આકૃતિ 2 : ક્ષયના રોગનો ફેલાવો : (1) શ્વાસનળી, (2) શ્વસનનલિકા, (3) ફેફસું, (4) યકૃત, (5) બરોળ, (6) મૂત્રપિંડ, (7) મગજ, (8) કરોડરજ્જુ, (9) ફેફસામાં ક્ષયનો શરૂઆતનો વિકાર, (10) લસિકાગ્રંથિઓમાં ફેલાવો, (11) જવદાણા (miliary) જેવા ક્ષયના રોગવિસ્તારો, (12) તંતુમય-મલાઈકૃત (fibrocaseous) રોગવિસ્તાર, (13) પરિફેફસી અવકાશમાં પ્રવાહી ભરાવું, (14) જળોદર, (15) ફેફસામાં ક્ષયજન્ય ગુહા (cavity), (16) શ્વસનનલિકાઓ પહોળી થવાનો વિકાસ (bronchiactesis). નોંધ : (અ) ફેફસાંના ક્ષયની શરૂઆત, (આ) ગ્હોનનું સંકુલ, (ઇ, ઈ) મિલિયરી ક્ષય, (ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ) ફેલાવો તથા પ્રાથમિકોત્તર ક્ષય, (એ) પેટનો આડો છેદ.

રહેતી વ્યક્તિઓમાં પ્રાથમિક ચેપ વધારે જોવામાં આવે છે. ત્યાર બાદ ઊતરતા પ્રમાણમાં પડોશીઓ અને અન્ય વ્યક્તિઓમાં તેનો પ્રાથમિક ચેપ જોવા મળે છે. જો સમયસર સારવાર લેવામાં આવે તો દર્દીની સાથે રહેનારા(contacts)માં ક્ષયના પ્રાથમિક ચેપનું તથા તેના રોગનું પ્રમાણ ઓછું કરી શકાય છે. પાસ્ચ્યુરાઇઝ્ડ ન કરેલું દૂધ ક્ષયના જીવાણુ માટે ચેપવાહક છે. તેના દ્વારા એમ. બોવાઇન પ્રકારના જીવાણુનો ચેપ લાગે છે જે ખાસ કરીને કાકડા અને ગળાની લસિકાગ્રંથિઓને અસરગ્રસ્ત કરે છે. તેનાથી ઉદભવતા ક્ષયના રોગને કંઠમાળ કહે છે.

ક્ષય પ્રતિરક્ષક રસી (Bacille Calmette Guerin, BCG) : રસી કાલ્મેટ અને ગ્વેરિન નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ શોધી અને સૌપ્રથમ તેનો ઉપયોગ માણસ માટે 1924માં થયો અને ત્યાર બાદ આ રસી ખૂબ મોટા પાયે આખા વિશ્વમાં અને ખાસ કરીને વિકસતા દેશો(developing countries)માં વપરાઈ છે. જુદી જુદી સંસ્થાઓ અને ખાસ કરીને બ્રિટિશ મેડિકલ રિસર્ચ કાઉન્સિલના સંશોધનમાં આ રસી 80 % રક્ષણ 15 વર્ષ સુધી આપે છે તેવું જણાયું હતું.

ભારતમાં ટ્યૂબર્ક્યુલોસિસ પ્રિવેન્શન ટ્રાયલ (tuberculosis prevention-trial) તરીકે જાણીતું સંશોધન 1968-71માં (3½ વર્ષ દરમિયાન) થયું હતું. તે ચેન્નાઈ પાસે આવેલ ચિંગલપુર વિસ્તારમાં આશરે 3,60,000ની વસ્તીને આવરી લેતાં 209 ગામડાંમાં થયું. પરિણામે જાણવા મળ્યું કે ગળફામાં ક્ષયના જીવાણુવાળા (sputum positive) ફેફસાંના ક્ષયના દર્દીને આ રસી કોઈ જ રક્ષણ આપતી નથી. બાળકોમાં તેમજ ફેફસાં સિવાયના અવયવોમાં રક્ષણ મળે કે નહિ તે સંશોધન થયું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા જણાવે છે કે જ્યાં સુધી સંપૂર્ણપણે બધા જ અવયવોમાં રક્ષણની સ્થિતિ ન જાણવા મળે ત્યાં સુધી આ રસીનો ઉપયોગ ચાલુ રાખવો. ભારતમાં હાલની નીતિ પ્રમાણે જન્મસમયે તેમજ 6થી 9 મહિનાની ઉંમર સુધી આ રસી આપવામાં આવે છે.

ઔષધીય પ્રતિરોધ (chemoprophylaxis) : જો માતાને ક્ષય થયો હોય અને ગળફામાં તેના જીવાણુ હોય તો બાળક જન્મે કે તરત જ આઇસોનિયાઝિડ દવા આપવાથી બાળકના શરીરમાં પ્રાથમિક ચેપ પ્રવેશતો અટકાવી શકાય છે. આ ક્રિયાને પ્રાથમિક પ્રતિરોધ (primary prophylaxis) કહે છે. જો બાળકને કે મોટી વ્યક્તિના શરીરમાં ક્ષયના જીવાણુ દાખલ થઈ ચૂક્યા હોય, એટલે કે તેમની ક્ષયનિદાન કસોટી હકારાત્મક હોય અને રોગ થવાની શક્યતા જણાતી હોય તો તબીબી નિરીક્ષણ હેઠળ આઇસોનિયાઝિડ અપાય છે. દર્દીને ડાયાબિટીસ (મધુપ્રમેહ) હોય, દમ હોય, તે કૉર્ટિકોસ્ટીરૉઇડ દવા રૂપે લેતો હોય, બાળક ક્ષયના દર્દીના ગાઢ સંપર્કમાં હોય, અથવા તેને ઓરી, અછબડા નીકળ્યા હોય અને તે ક્ષયના રોગીના સંપર્કમાં હોય તો તેમને ક્ષય થવાની શક્યતા છે. આવી વ્યક્તિઓને પણ દવા આપીને ક્ષયનો રોગ અટકાવાય છે.

વ્યક્તિગત સુરક્ષા : દર્દીનો ગળફો બંધ થૂંકદાનીમાં જંતુનાશક દવામાં ભેગો કરીને બંધ ગટરમાં રેડી દેવાની સૂચના અપાય છે અથવા તેને બાળી નંખાય છે. શરૂઆતમાં જ્યારે ગળફામાં જીવાણુ આવતા હોય ત્યારે દર્દીને જુદા રૂમમાં અથવા વરંડામાં એકલા સુવાડીને તેનાં કપડાં, વાસણ જુદાં રખાય છે. તે નાનાં બાળકોને ચુંબન ન કરે, ધવડાવે નહિ અથવા તેમની સાથે રમે નહિ તેવું સૂચવાય છે. તે આરામ કરે, પોષણયુક્ત આહાર લે તથા નિયમિત સારવાર લે તો રોગ મટે છે. દવા બંધ કરવાનો નિર્ણય સારવાર આપતો ડૉક્ટર જ કરે તે હિતાવહ ગણાય છે.

ક્ષય અને એઇડ્ઝ : એઇડ્ઝના વિશ્વવ્યાપી રોગચાળા(pandemic)ને કારણે પશ્ચિમી દેશોમાં ક્ષયના રોગનો ઉપદ્રવ વધ્યો છે. જે નસ વાટે નશાકારક દવાઓ લે છે તેમનામાં તે સૌથી વધુ જોવા મળે છે. એઇડ્ઝના દર્દીમાં ક્ષયનો રોગ ક્યારેક એઇડ્ઝના તબક્કાના પ્રથમ સૂચક ચિહનરૂપ પણ હોય છે. ફેફસાંના ક્ષયનાં લાક્ષણિક ચિહનો તથા એક્સ-રે-ચિત્રણ હોતાં નથી અને તેથી નિદાનમાં મુશ્કેલી પડે છે. ઘણી વખતે લસિકાગ્રંથિઓ અને અન્ય અવયવોમાં તે ફેલાયેલો હોય છે. ઘણી વખતે ફેફસાંમાં તે ઉપરના ઉપખંડોમાં હોતો નથી અને તેમાં ગુહા (પોલાણ) પણ થતી નથી. આધુનિક દવાઓ અસરકારક હોય છે પરંતુ તે 1 વર્ષ માટે અપાય છે. HIVના ચેપવાળા દર્દીમાં ક્ષયનિદાન કસોટી હકારાત્મક હોય તો INH વડે પ્રતિરોધક (prophylactic) સારવાર અપાય છે.

આર. બી. પટેલ

શિલીન નં. શુક્લ