ક્ષત્રી, લીલ બહાદુર (જ. 1 માર્ચ 1933, ગુવાહાટી) : નેપાળી સાહિત્યકાર. તેમની ‘બ્રહ્મપુત્ર કા છેડછાડ’ નામની કૃતિને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમણે શાળાકીય શિક્ષણ શિલોંગમાં અને ઉચ્ચ શિક્ષણ ગુવાહાટીમાં મેળવ્યું. ત્યાંથી જ તેમણે 1958માં અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. થોડો વખત ગુવાહાટી ખાતેના આકાશવાણી કેન્દ્રમાં સ્ટાફ આર્ટિસ્ટ તરીકે કામ કર્યા પછી તેઓ ગુવાહાટી ખાતેની આર્ય વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના વિભાગીય અધ્યક્ષ બન્યા.

શૈશવથી જ તેમણે નેપાળી સાહિત્યમાં રસ લેવા માંડ્યો હતો. 1948માં તેમણે નેપાળીમાં ‘શિવસ્તુતિ’ નામની પુસ્તિકા પ્રગટ કરી હતી. ‘કર્તવ્ય’ નામની તેમની પ્રથમ વાર્તા બનારસથી પ્રગટ થતા સાપ્તાહિક ‘યુવવાણી’માં 1952માં પ્રગટ થઈ. કાઠમંડુથી પ્રગટ થયેલ તેમની પ્રથમ નવલકથા ‘બરસાઇન’ લોકપ્રિય નીવડી. તેમની એક બીજી નવલકથા ‘અતૃપ્તા’ને પણ સારો આવકાર સાંપડ્યો. આ ઉપરાંત એક નાટક ‘દોબાર્તો’, ટૂંકી વાર્તાનો એક સંગ્રહ ‘તીન દશક : વીસ અભિવ્યક્તિ’ અને એક નિબંધસંગ્રહ ‘અસમ્મા નેપાળી ભાષારા ત્યેમકો સારહોગારહો’ પણ પ્રકાશિત થયાં છે. તેઓ નેપાળી સાહિત્ય સંમેલન(દાર્જિલિંગ)ના દિયાલો પુરસ્કાર તથા પશ્ચિમ બંગાળ સરકારની નેપાળી અકાદમીના ભાનુભક્ત ઍવૉર્ડનું સન્માન પામ્યા છે.

પુરસ્કૃત કૃતિમાં બ્રહ્મપુત્ર નદીકાંઠે વસતી નેપાળી પ્રજાનો સામાજિક, રાજનૈતિક, આર્થિક તથા પ્રાકૃતિક આપત્તિઓ સામેનો સંઘર્ષ આલેખાયો છે. મનોવૈજ્ઞાનિક સંશોધનલક્ષી અભિગમ તથા પ્રભાવક ભાષાશૈલીને કારણે નેપાળી સાહિત્યમાં તે મહત્વના પ્રદાનરૂપ લેખાઈ છે.

મહેશ ચોકસી