ક્વેકર્સ : ‘ધ સોસાયટી ઑવ્ ફ્રેન્ડ્ઝ’ તરીકે ઓળખાતો ખ્રિસ્તી ધર્મનો સંપ્રદાય, જે ઇંગ્લૅન્ડમાં સત્તરમી સદીમાં આંતરવિગ્રહના સમયે શરૂ થયેલો. તેના મૂળ પ્રવર્તક જ્યૉર્જ ફૉક્સ હતા. તેમની માન્યતા પ્રમાણે ઈશુ ખ્રિસ્ત અન્ય કોઈ માધ્યમ સિવાય સીધા જ તેમના અનુયાયીઓને પ્રાપ્ત થાય છે. તે બાહ્ય આચાર કે કર્મકાંડને બદલે અંત:પ્રેરણા અને મનશ્ચક્ષુને પ્રાધાન્ય આપે છે. પ્રભુનો વાસ દરેક મનુષ્યના હૃદયમાં છે, તેને પામવા માટે દેવળ, પાદરી કે બાઇબલનાં માધ્યમ જરૂરી નથી, પ્રભુનો સાક્ષાત્કાર અંત:સ્ફુરણા ઉપર આધારિત છે એમ આ સંપ્રદાય માને છે.

જ્યૉર્જ ફૉક્સ (1624-91) કહેતા કે, ‘‘પ્રભુના શબ્દ સમક્ષ કંપો (ટ્રેમ્બલ બીફૉર ધ વર્ડ ઑવ્ ગૉડ).’’ તેના આધારે તેમને ‘ક્વેકર’ (કંપનો) કહેવામાં આવેલા અને એ ઉપરથી ‘ક્વેકર’ શબ્દ રૂઢ થયો.

ક્વેકરો યુદ્ધ, હિંસા અને ગુલામીના પ્રખર વિરોધી અને શાંતિના હિમાયતી રહ્યા છે. દારૂબંધી તથા સ્ત્રીસ્વાતંત્ર્યના આદર્શો સાથે સાદગીભર્યા જીવનના હિમાયતી છે. ક્વેકર સંપ્રદાયના મોટા ભાગના અનુયાયીઓ અમેરિકા, ઇંગ્લૅન્ડ તથા કેન્યામાં રહે છે. અહિંસા, સત્ય અને સાત્ત્વિક આચરણ જેવાં ગાંધીજીને પણ પ્રિય મૂલ્યોના તેઓ આગ્રહી રહ્યા છે.

દેવવ્રત પાઠક