ક્વિન્ટિલિયન (જ. ઈ. આશરે 35, સ્પેન; અ. ઈ. 100, રોમ) : રોમના વક્તૃત્વવિશારદ, શિક્ષક અને લેખક-વિવેચક. આખું લૅટિન નામ માર્કસ ફેબિયસ ક્વિન્ટિલિયૅનસ. તેમણે શિક્ષણ લીધું રોમમાં. ત્યાં તેમના સમયના અગ્રણી અને સમર્થ વક્તા ડોમિટિયસ એફર પાસેથી પ્રત્યક્ષ તાલીમ લેવાની તક મળી. ત્યારપછી રોમમાં વકીલાતનો વ્યવસાય કર્યો. ઈ. સ. આશરે 57થી 68 પોતાના વતન સ્પેનમાં જઈને રહ્યા, પરંતુ ઈ. સ. આશરે 68માં રોમ પાછા આવીને વક્તૃત્વકળા શીખવવાનો પ્રારંભ કર્યો; એમાં અદાલતમાંની દલીલબાજીની વક્તૃત્વછટાનું શિક્ષણ પણ સમાવી લેવાયું હતું. સમ્રાટ વેસ્પેઝીન(શાસનકાળ ઈ. સ. 69થી 79)ના શાસન દરમિયાન, લૅટિન ભાષામાં વક્તૃત્વકળા શીખવવા બદલ રાજ્ય તરફથી પગાર મેળવનારા તેઓ સર્વપ્રથમ શિક્ષક હતા. ઈ. સ. આશરે 88માં નિવૃત્ત થયા ત્યાં સુધી અગ્રણી શિક્ષક તરીકેનાં આ પદ તથા પ્રતિષ્ઠા જાળવી રાખ્યાં. રાજ્યના બે વારસદાર રાજકુંવરોને શિક્ષણ આપવાનું મહત્વનું કાર્ય પણ તેમને સોંપાયું હતું. એ વિશિષ્ટ સેવા બદલ ‘કૉન્સલ’નો માનાર્હ ખિતાબ આપીને તેમનું સન્માન કરાયું હતું.

તેમની કીર્તિદા કૃતિ તે ‘ઇન્સ્ટિટ્યૂશિયો ઑરેટોરિયો’ (ટ્રેનિંગ ઑવ્ ધ ઑરેટર). 12 ગ્રંથના આ પુસ્તકમાં આજીવન શિક્ષક તરીકેના તેમના બહુવિધ અને પરિપક્વ અનુભવ ઉપરાંત આત્મસૂઝ તથા વ્યવહારુ શાણપણનો સુમેળ થવાથી આ કૃતિ કેટલીક બાબતમાં અનન્ય નીવડી છે. અલબત્ત, ચિરંજીવી ગુણવત્તાની ર્દષ્ટિએ સાંપ્રત સંદર્ભમાં કેટલાક છૂટક ફકરા જ વિશેષ મહત્વના છે; એમાંય ગ્રંથ 1માંનાં પ્રાથમિક શિક્ષણ વિશેનાં મંતવ્યો તથા ગ્રંથ 10માંની ગ્રીક તથા રોમન સાહિત્યની તુલનાત્મક સમીક્ષા આજે પણ વાંચવી રસપ્રદ બને તેમ છે. લેખકને મૂલવવા માટે તે વક્તા માટે કેટલો ઉપકારક નીવડે છે એ માપદંડ તેમણે અપનાવ્યો છે.

તેમની ઉત્તરાવસ્થામાં રચાયેલા આ બૃહત ગ્રંથમાં રોમની શિક્ષણપ્રણાલી તથા જાહેર સંભાષણપ્રથાનાં તમામ પાસાંને આવરી લેવાયાં છે; એમાં વાણીનું સંયોજન, દલીલોનો પ્રભાવક ઉપયોગ, છટાદાર પ્રયુક્તિઓ, સ્મરણશક્તિની તરકીબો તથા વક્તૃત્વનાં કલા-કૌશલ્ય ઉલ્લેખનીય છે. જાહેર સંભાષણની સફળતા માટે આ પ્રકારના શિક્ષણની અનિવાર્ય ઉપયોગિતા ઠસાવવાની સાથોસાથ સર્વાંશે તેમણે એવો અભિગમ અપનાવ્યો છે કે પ્રત્યક્ષ અનુભવ અને જાગરૂક વિવેકબુદ્ધિ વિનાનું કેવળ સિદ્ધાંતજ્ઞાન જીવનમાં બહુ ઓછું ખપ લાગે છે. આ ગ્રંથમાં નીતિમત્તા પરત્વે મુકાયેલો ભાર તે તેની લાક્ષણિક વિશિષ્ટતા છે. ક્વિન્ટિલિયનનો હેતુ વિદ્યાર્થીના માનસિક વિકાસની સાથોસાથ તેનું ચારિત્ર્યઘડતર થાય તે પણ રહેલો છે. સારો વક્તા સૌપ્રથમ સારો નાગરિક હોવો ઘટે. વક્તૃત્વછટાથી જાહેર હિત સિદ્ધ થવાનું નિમિત્ત સચવાય છે તેથી જ સદાચારી જીવનમાં વક્તૃત્વકૌશલ્ય સમરસ બની રહેવું જોઈએ એમ તેમનું કહેવું છે.

તેમના સમયની શિક્ષણપ્રથા તથા શિક્ષકો સામે પણ તેમને ઠીકઠીક ફરિયાદ હતી. એ માનતા કે પ્રચલિત શિક્ષણમાં ઉપલક હોશિયારીને પ્રાધાન્ય અપાતું હતું. જુદી જુદી કક્ષાના વિદ્યાર્થીઓની આવડત તથા તેમના વ્યક્તિત્વને અનુરૂપ જુદી જુદી શિક્ષણપદ્ધતિ પ્રયોજવા તેમણે શિક્ષકોને સલાહ આપી છે. યુવાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં આનંદ અને રસ પડવો જોઈએ એવું કહી તેમણે ઉમેર્યું છે કે રમતગમત તથા આનંદપ્રમોદ શિક્ષણમાં ખાસ્સાં મહત્વનાં છે. વિદ્યાર્થીઓ પ્રત્યે અતિશય કડકાઈ દાખવી તેમને નિરુત્સાહી તથા અભ્યાસવિમુખ બનાવી દેવા સામે તેમણે ચેતવણી પણ ઉચ્ચારી છે. વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરવાની પ્રથાની તેમણે ભારોભાર ટીકા કરી છે. શાળાના શિક્ષકે આ બાબતમાં માબાપનું સ્થાન હરગિજ નથી લેવાનું એવી માર્મિક ટકોર પણ તેમણે કરી છે. ‘‘વિદ્યાર્થીઓને યોગ્ય ઢબે શિક્ષણ આપવામાં આવે તો તે સૌ તેમના ગુરુજનો પ્રત્યે સ્નેહ અને સદભાવ દાખવે છે અને આપણે જેમના પ્રત્યે પ્રેમ અને આદર ધરાવતા હોઈએ તેમનું અનુસરણ કેટલા બધા ઉમળકાથી અને સ્વેચ્છાથી કરીએ છીએ એ કળવું ભાગ્યે જ શક્ય છે’’ – એવા સાર્વત્રિક બોધવચન સાથે તેઓ સમાપન કરે છે.

મહેશ ચોકસી