ક્લૉરોક્વિન : મલેરિયા સામે વપરાતું ઔષધ. તે એમિનૉક્વિનોલિન જૂથની દવા છે. મલેરિયાનો રોગ પ્લાઝમોડિયમ પ્રજાતિના સૂક્ષ્મ જીવો ઉત્પન્ન કરે છે. તેમાં 4 જાતિઓ છે – પી. વાયવૅક્સ, પી. ફાલ્સિપેરમ, પી. મલેરી અને પી. ઑવેલી. માણસના શરીરમાં તે લોહીના રક્તકોષોમાં વૃદ્ધિ અને વિકાસ કરે છે. કેટલાક પ્રકારોમાં યકૃત (liver) અને બરોળ(spleen)ના તનુતન્વી – અંત:ચ્છદીય(reticulo-endothelial) તંત્રના કોષોમાં પણ સ્થાયી થાય છે. આમ તે રક્તકોષીય અને બહિર્રક્તકોષીય જીવનચક્રો ધરાવે છે. વળી તેમનાં બે મુખ્ય સ્વરૂપો છે – અલિંગીય (asexual) અને લિંગીય (sexual). તેના લિંગીય સ્વરૂપને જનનકોષ (gamate) કહે છે. ક્લૉરોક્વિન લોહીમાંના રક્તકોષોમાંના અલિંગીય સ્વરૂપ સામે કાર્યશીલ હોય છે. વળી તે પી. વાયવૅક્સ પ્રકારના સૂક્ષ્મ જીવના લિંગીય સ્વરૂપ(જનનકોષ)ની સામે પણ સક્રિય હોય છે. પી. ફાલ્સિપેરમ પ્રકારના મલેરિયાના સૂક્ષ્મ જીવોમાં ક્યારેક ક્લૉરોક્વિનની અસર થતી નથી. તેને ઔષધ-અવરોધ (drug resistance) કહે છે. પી. ફાલ્સિપેરમ પ્રકારના સૂક્ષ્મ જીવોનો ઔષધરોધ દક્ષિણપૂર્વ એશિયા તથા ભારતના વિવિધ ભાગોમાં જોવા મળ્યો છે. તેનું ચોક્કસ પ્રમાણ નિશ્ચિત નથી; પરંતુ ક્લૉરોક્વિન સામેનો આ પ્રકારનો અવરોધ તે સૂક્ષ્મ જીવથી થતા મલેરિયાના રોગની સારવારમાં વિશિષ્ટ મુશ્કેલીઓ સર્જે છે.

મોં વાટે તે ગોળી રૂપે લેવાયા બાદ તેની લગભગ પૂરેપૂરી માત્રા લોહીમાં પ્રવેશે છે. તે પેશીમાં સંગૃહીત થતું હોવાથી તેની પ્રથમ માત્રા ઘણી મોટી રાખવી પડે છે, જેને કારણે લોહીમાં તેનું યોગ્ય પ્રમાણ ઉત્પન્ન થાય. મલેરિયાના સૂક્ષ્મજીવોને મારવાની શક્તિ ઉપરાંત તે પ્રતિશોથકારી (anti-inflammatory) પણ છે તેથી આમવાતાભી સંધિવા (rheumatoid arthritis) તથા ચકતીવત્ રક્તકોષભક્ષિતા (discoid lupus-erythamatosus) નામના રોગોની સારવારમાં પણ તેનો ઉપયોગ થાય છે.

સામાન્યપણે ક્લૉરોક્વિનની કોઈ આડઅસરો થતી નથી. ક્યારેક સામાન્ય અને ટૂંકા ગાળાનો માથાનો દુખાવો, આંખે અંધારાં આવવાં, પેટમાં તકલીફ થવી તથા ખૂજલી થઈ આવવી વગેરે તકલીફો જોવા મળે છે. કેટલીક વખત ક્લૉરોક્વિનને કારણે પેટમાં બળતરા અને ખૂબ ઊલટી પણ થાય છે. આવી સ્થિતિમાં તે ઇન્જેક્શન દ્વારા અપાય છે. પાંચ વર્ષથી નીચેનાં બાળકોમાં ક્લૉરોક્વિનનાં ઇન્જેક્શન અપાતાં નથી. ક્લૉરોક્વિનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો ક્યારેક ચામડી પર સ્ફોટ (rash) ઉદભવે છે, આંખમાં વિકૃતિઓ થાય છે અને ક્યારેક ચેતા અને સ્નાયુમાં વિકારો પણ થાય છે.

જેમને યકૃતનો વિકાર હોય તેમની બાબતમાં તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરાય છે. તેવી જ રીતે જઠર-આંતરડાના, ચેતાતંત્રના કે લોહીના મહત્વના રોગો હોય તોપણ તેના ઉપયોગમાં સાવચેતી રખાય છે. જો ક્લૉરોક્વિન મોટી માત્રામાં વધુ સમય સુધી આપવામાં આવ્યું હોય તો આંખની વખતોવખત તપાસ કરાવાય છે.

ઉપચારલક્ષી ઉપયોગો : ક્લૉરોક્વિન મલેરિયાની સારવારમાં વપરાતું અગત્યનું ઔષધ છે. તે પી. વાયવૅક્સથી થતા મલેરિયાના હુમલાને શમાવે છે અને જો તેને લાંબા સમય સુધી લેવામાં આવે તો તેને દબાવી રાખીને મટાડે છે. તેથી ઉગ્ર હુમલાના સમયે 1500 મિગ્રા. જેટલું ક્લૉરોક્વિન અલગ અલગ માત્રામાં અપાય છે અને તાવ ઊતરી જાય તે પછી લાંબા સમય સુધી અઠવાડિયે એક વખત આપવામાં આવે છે. પી. ફાલ્સિપેરમ પ્રકારના સૂક્ષ્મ જીવોને ફક્ત રક્તકોષી જીવનચક્ર છે માટે જે પી. ફાલ્સિપેરમ પર ક્લૉરોક્વિનની અસર થાય છે, તેનાથી થતા મલેરિયાને ક્લૉરોક્વિનનો પ્રથમ પ્રયોગ જ મટાડે છે. ક્લૉરોક્વિનનો બીજો મહત્વનો ઉપયોગ મલેરિયાનો રોગ થતો અટકાવવામાં છે. માટે તે અઠવાડિયે એક વખત અપાય છે.

આ ઉપરાંત ક્લૉરોક્વિન લાંબા સમયના અને યકૃતને અસર કરતા અમીબાજન્ય રોગની સારવારમાં, ચિરશોથગંડીય રોગ (granulo-matous-disease)માં કૅલ્શિયમના વધતા પ્રમાણની સારવારમાં અને આમવાતી સંધિવાની સારવારમાં પણ ઉપયોગી છે.

શિલીન નં. શુક્લ

સંજીવ આનંદ