ક્લુખોન, ક્લાઇડ (જ. 11 જાન્યુઆરી 1905, લે માર્સ લોવા; અ. 28 જુલાઈ 1960, સાન્તા ફે પાસે, ન્યૂ મેક્સિકો) : ખ્યાતનામ અમેરિકન માનવશાસ્ત્રી. તેમણે વિસ્કૉન્સિન તથા પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું. ન્યૂ મેક્સિકો વિસ્તારમાં રહેતી નવાજો ઇન્ડિયન જાતિ વિશે તેની પ્રજાતિઓને અનુલક્ષીને ખૂબ જ ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે. નૃવંશશાસ્ત્રમાં સાંસ્કૃતિક તરાહ અને મૂલ્યસિદ્ધાંત પરત્વે તેમનું પ્રદાન છે. ઉપરાંત તેમણે સંસ્કૃતિ અને વ્યક્તિત્વ, ભાષાશાસ્ત્ર તથા જનનશાસ્ત્ર વિશે પણ સંશોધનલેખો લખ્યા છે. તેમણે ન્યૂ મેક્સિકો અને છેલ્લે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપનનું કામ કર્યું. તે દરમિયાન રશિયન રિસર્ચ સેન્ટર જેવી સંશોધનસંસ્થાની સ્થાપના કરી.

તેમનાં ઉત્તમ લખાણો પૈકી (1) ‘નવાજો વિચક્રાફ્ટ’(1944)માં નવાજો ઇન્ડિયનમાં ડાકણપ્રથા અને તેની માન્યતાનો દેહતંત્ર સાથે માનસશાસ્ત્રીય સંબંધ દર્શાવે છે. સમાજનું નિયંત્રણ કરવામાં તે પ્રથા કેવો ભાગ ભજવે છે તેનું પણ તેમણે મહત્વ દર્શાવ્યું છે. ‘ધ નવાજો’ (1946) અને ‘મિરર ફૉર મૅન’ (1949) તેમના અન્ય ગ્રંથો છે.

તેમના વિચારોથી એડવર્ડ સેપીર, ફ્રાન્સ બોઆસ, રાલ્ફ લિંટન, આલ્ફ્રેડ ક્રોબર, રૂથ બેનેડિક્ટ અને રૉબર્ટ રેડફિલ્ડ જેવા અમેરિકન માનવશાસ્ત્રીઓ પ્રભાવિત થયા હતા.

અરવિંદ ભટ્ટ