ક્લર્ક, એફ. ડબ્લ્યૂ. દ

January, 2010

ક્લર્ક, એફ. ડબ્લ્યૂ. દ (જ. 18 માર્ચ 1936, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : 1993નો શાંતિનો નોબેલ પુરસ્કાર મેળવનાર દક્ષિણ આફ્રિકાના પ્રમુખ (1989-94) અને વડાપ્રધાન. આ પુરસ્કાર તેમને તે જ દેશના હબસી નેતા નેલ્સન મન્ડેલાની સાથે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો. ક્લર્કની સિદ્ધિ એ છે કે છેલ્લી ત્રણ સદીના બિનલોકશાહી, અલ્પસંખ્યક ગોરાઓના શાસનનો તથા દુનિયાભરમાં વગોવાયેલી રંગભેદની નીતિનો અંત લાવવામાં તેમણે હિંમતભેર પહેલ કરી છે. દક્ષિણ આફ્રિકામાં ગોરાઓની વસ્તી 17 % છે, જ્યારે કાળા લોકોની 71 % છે. એશિયામાંથી આવનારા 3 % તથા અન્ય 9 % છે.

એફ. ડબ્લ્યૂ. દ ક્લર્ક

તેમની આ નીતિની શરૂઆત તેમણે 1990માં 27 વર્ષથી કારાવાસ ભોગવી રહેલા નેલ્સન મન્ડેલાને મુક્ત કરીને તથા તેમની નેતાગીરીવાળી આફ્રિકન નૅશનલ કૉંગ્રેસને સરકારની માન્યતા આપીને કરી છે. 1990થી 1993ના ગાળામાં કાળા લોકોએ પારાવાર મુશ્કેલીઓ, રુકાવટો તથા યાતનાઓનો સામનો કર્યો હતો. આ ત્રણ વર્ષ દરમિયાન હિંસાના બનાવોમાં 11,000થી વધુ લોકો (મોટેભાગે હબસીઓ) માર્યા ગયા હતા. જેમ નેલ્સન મન્ડેલા કાળા લોકોના ઇન્કાથા પક્ષનો સામનો કરતા રહ્યા તેમ ક્લર્કે રૂઢિચુસ્ત ગોરાઓના વિરોધ વચ્ચે કામ કરી પ્રતિસ્પર્ધી પક્ષો વચ્ચે સમજૂતીના સેતુ સર્જ્યા. બંને પક્ષના નેતાઓ વચ્ચેની મંત્રણાઓના આધારે ક્રમશ: ઘટતો રંગભેદ 1990માં નાબૂદ કરવામાં આવ્યો. 25થી વધુ વર્ષોના જેલવાસ બાદ નેલ્સન મંડેલાને મુક્ત કરવામાં આવ્યા અને વિવિધ કરારો દ્વારા શ્યામ વર્ણના મૂળ વતની આફ્રિકનોને ગોરા નાગરિકો સમકક્ષનું સ્થાન આપવામાં આવ્યું. એપ્રિલ, 1994માં આ નવા સમાન ધોરણોને આધારે લોકશાહી ચૂંટણીઓ યોજાઈ. રંગભેદનાબૂદી અને લોકશાહીની સ્થાપનાથી દક્ષિણ આફ્રિકા ઝડપી વિકાસ ભણી આગળ વધી રહ્યો છે. ત્યાર પછી નવી લોકશાહી સરકારની રચના થઈ. આ લોકશાહીમાં બંધારણની સર્વોપરીતા, પ્રત્યેક પુખ્ત નાગરિકને મતાધિકાર, બહુપક્ષીય પ્રથા, માનવહકની જાળવણી, નિષ્પક્ષ ન્યાયપદ્ધતિ અને કાયદાનું શાસન સ્થાપિત થયાં.

નોબેલ પુરસ્કાર આપતી સમિતિએ આ બંને નેતાઓને પસંદ કર્યા તેનું એક કારણ તેમનો શરૂઆતથી જ રંગભેદ સામેનો વિરોધ છે. રંગભેદની નીતિને વિદાય આપવામાં બંને નેતાઓએ ફાળો આપ્યો છે. મંત્રણાઓ અને સમાધાનના રસ્તે સધાયેલી સમજૂતી એક યશસ્વી સિદ્ધિ છે, જેમાં શાંતિનો વિજય થયો ગણાય. આ પહેલાં પણ દક્ષિણ આફ્રિકાના નેતાઓ જેવા કે આલ્બર્ટ લુથુલીને 1960માં તથા ડેઝમન્ડ તુતુને 1984માં શાંતિનો પુરસ્કાર અપાયો હતો.

દક્ષિણ આફ્રિકાની બદલાયેલી પરિસ્થિતિને લક્ષમાં લઈને યુ.એન.(United Nations)ની સામાન્ય સભાએ તે દેશ ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવાનો ઠરાવ પસાર કર્યો છે. ભારતે પણ પચાસ વર્ષના ગાળા બાદ દક્ષિણ આફ્રિકા સાથેના રાજકીય સંબંધો સ્થાપ્યા છે.

દેવવ્રત પાઠક