ક્રોબર, આલ્ફ્રેડ લૂઈ (જ. 11 જૂન 1876, હોબોકન, ન્યૂ જર્સી, યુ.એસ.; અ. 5 ઑક્ટોબર 1960, પૅરિસ) : પ્રખર જર્મન-અમેરિકન માનવશાસ્ત્રી. અભ્યાસ કોલંબિયા યુનિવર્સિટીમાં. 1901માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. બર્કલે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં 1901થી 1946 સુધી અધ્યાપનનું કામ કર્યું. તે દરમિયાન યુનિવર્સિટી સંગ્રહાલયના ક્યુરેટર અને પછી નિયામક તરીકે રહ્યા.

તેઓ અમેરિકન માનવશાસ્ત્રના સૂત્રધાર સમા હતા. પ્રજાતિઓના અભ્યાસોનું મહત્વ દર્શાવીને તેમણે માનવશાસ્ત્રમાં ક્ષેત્રકાર્યનું મહત્વ સ્થાપ્યું. મૅક્સિકોમાં (1924–30), પેરુ પ્રદેશમાં (1925, 26, 42) વિસ્તૃત ક્ષેત્રકાર્ય કર્યું. તેમના પુસ્તક ‘ઍન્થ્રપૉલૉજી’ (1923), ‘કૉન્ફિગરેશન ઑવ્ કલ્ચર’ (1945) અને ‘ધ નેચર ઑવ્ કલ્ચર’(1952)માં સંસ્કૃતિના ખ્યાલને પરિમાર્જિત કર્યો. તેઓ દર્શાવે છે કે સંસ્કૃતિ આદિમાનવ દ્વારા સર્જાઈ અને તેમાંથી ધીરે ધીરે તેનું કાઠું બંધાતાં માનવજીવન વિકસ્યું છે. તેમાંથી સાંસ્કૃતિક ભાવ અને તેનો વિકાસ, તેના નિયમો, કાર્ય વગેરે દર્શાવીને તેમણે સંસ્કૃતિના વિકાસનો સિદ્ધાંત સ્પષ્ટ કર્યો. તેઓ નિયતિવાદ અને ઇતિહાસને સંસ્કૃતિના વિકાસની પ્રક્રિયા દર્શાવનાર પરિબળ તરીકે ગણાવે છે.

આલ્ફ્રેડ લૂઈ ક્રોબર

તેમણે યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે સ્થાપ્યું. માનવશાસ્ત્રની વૈજ્ઞાનિક સજ્જતા માટે આંકડાકીય પદ્ધતિના ઉપયોગ પર ભાર મૂક્યો. તેઓ માનતા હતા કે માનવસંસ્કૃતિને સમજવા માટે તેનાં જૈવકીય તેમજ પર્યાવરણીય પાસાંની અસરને ધ્યાનમાં લેવી જોઈએ. આથી માનવશાસ્ત્રના અભ્યાસમાં શારીરિક માનવશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, પુરાતત્વ તથા લોકકલાનું મહત્વ દર્શાવીને તેમણે માનવશાસ્ત્રની એક વિજ્ઞાનશાખા તરીકે વ્યાપક પ્રતિષ્ઠા કરવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે.

અરવિંદ ભટ્ટ