ક્રોમ, જોન (જ. 22 ડિસેમ્બર, 1768, નોર્વીચ, બ્રિટન; અ. 22 એપ્રિલ 1821, નોર્વીચ, બ્રિટન) : રંગદર્શી બ્રિટિશ ચિત્રકાર. નિસર્ગચિત્રોના આલેખન માટે તેઓ જાણીતા છે. બ્રિટિશ ચિત્રકારો ગેઇન્સ્બરો અને વિલ્સન તથા ડચ ચિત્રકારો રુઇસ્ડાયેલ, કુઇપ અને હોબેળાનાં ચિત્રોની અનુકૃતિ કરી તેઓ ચિત્રકલા શીખેલા.

યુરોપભરમાંથી નેપોલિયોંએ લૂંટી લાવેલાં ચિત્રો અને શિલ્પો નિહાળવા તેઓ 1814માં પૅરિસ ગયેલા. બ્રિટન પાછા ફરી નોર્ફોકમાં તેમણે મૌલિક ચિત્રો ચીતર્યાં. એમનાં ચિત્રોમાં પ્રકાશ અત્યંત ઋજુ છે. બ્રિટનનો ગ્રામીણ પરિવેશ એમનાં ચિત્રોનો મુખ્ય વિષય બન્યો છે.

અમિતાભ મડિયા