ક્રેમલિન : રશિયાની રાજધાની મૉસ્કોમાં આવેલું સરકારનું મુખ્ય કેન્દ્ર અને કાર્યાલય. તેનાં મહત્ત્વ તથા ખ્યાતિના કારણે ઘણી વાર ‘ક્રેમલિન’ એટલે રશિયા એવો શબ્દપ્રયોગ થતો. ‘ક્રેમલિન’ એટલે દુર્ગ કે કિલ્લો. મધ્યયુગમાં સામંતશાહી સમયમાં રશિયાનાં પ્રમુખ નગરોમાં આવા કિલ્લા ધાર્મિક તથા વહીવટી કેન્દ્રો તરીકે બંધાયેલા. સામાન્ય રીતે આવા દુર્ગો નદીના તટ પર, વ્યૂહાત્મક સ્થાન પર બાંધવામાં આવતા. શરૂઆતમાં લાકડાની અને તે પછી ઈંટો કે પથ્થરોની બનેલી દીવાલોથી નગરના આજુબાજુના વિસ્તારોથી તેમને અલગ પાડવામાં આવતા. આવા દરેક દુર્ગના ભાગ તરીકે બુરજ, મિનારા, કાંગરા તથા ખાઈઓ બાંધવામાં આવતાં. આવા દુર્ગોની આસપાસ વસાવવામાં આવેલાં નગરોમાં રાજપ્રાસાદો, સરકારી કાર્યાલયો, શસ્ત્રાગારો, ગિરજાઘરો તથા ધર્મગુરુઓનાં નિવાસસ્થાનોની જોગવાઈઓ કરવામાં આવતી હતી. રશિયાનાં જે નગરોમાં આવા દુર્ગો બનાવવામાં આવ્યા હતા તેમાં મૉસ્કો, નૉવોગોરાડ, કઝાન, રોસ્ટૉવ, અસ્ત્રાખાન તથા પાસ્કૉવ મુખ્ય છે.

1156માં મૉસ્કોમાં બાંધવામાં આવેલો દુર્ગ સૌપ્રથમ બંધાયેલો, સૌથી મોટો, વિશાળ અને પ્રખ્યાત છે. 1156-1712 દરમિયાન તથા 1918 પછી તે રશિયાની સરકારના મુખ્ય કાર્યાલય તરીકે રહ્યો છે. તેનો કુલ વિસ્તાર 36.4 હેક્ટર (90 એકર) છે; તેની આસપાસ 2.25 કિમી. લાંબી દીવાલ મૂળ લાકડાની બનેલી હતી. જ્યારે મૉસ્કો રાજધાનીનું શહેર બન્યું ત્યારે 1485-95ના ગાળામાં લાકડાની દીવાલને સ્થાને ઈંટોની દીવાલ બનાવાઈ હતી. આ દુર્ગનું સ્થાપત્ય બાઇઝેન્ટાઇન, રશિયન તથા પ્રશિષ્ટ શૈલીનું મિશ્રણ છે અને સ્થાપત્યના વૈવિધ્ય માટે તે જાણીતો છે. તેમાં 20 ટાવરો છે અને તેમાંનો એક જાણીતો વોદોવઝોનાયા ટાવર (Vodovzvodnaya Tower) છેક આગળના ભાગમાં છે. આ ટાવરની ડાબી બાજુએ આર્મરી પૅલેસ અને જમણી બાજુએ ગ્રાન્ડ ક્રેમલિન પૅલેસ છે. એ સાથે ઘણા ઘુમ્મટો ધરાવતું કૅથીડ્રલ ઑવ્ આર્ચેન્જેલ માઇકેલ છે. તેની પૂર્વ તરફ સુપ્રસિદ્ધ રેડ સ્ક્વૅર છે જ્યાં લેનિનનો મૃતદેહ રાખવામાં આવ્યો છે. રેડ સ્ક્વૅરમાં લશ્કરની પરેડ યોજાય છે. દુર્ગનાં ચાર વિશાળ પ્રવેશદ્વાર તથા પાછળના ભાગમાં મૉસ્કો નદી તરફ જવા માટે એક ગુપ્ત માર્ગ છે.

ક્રેમલિન, મૉસ્કો

ઈ. સ. 1600 દરમિયાન ક્રેમલિનના ટાવરો અને મકાનો મોટાં બનાવવામાં આવ્યાં તેમજ સુશોભિત કરાયાં. આ ગાળા દરમિયાન ક્રેમલિનની મુખ્ય ઇમારતોમાં ટેરેમ પૅલેસ (1635-1636) અને પૅલેસ ઑવ્ ધ પૅટ્રિયાર્ક
(1645-1655) છે. સત્તરમી અને અઢારમી સદીમાં પણ બાંધકામ ચાલુ રહ્યું. આર્સેનલ, મેન્થિકૉવ ટાવર, સેનેટ અને ગ્રાન્ડ ક્રેમલિન પૅલેસ તેમાંની નોંધપાત્ર ઇમારતો છે. 1712માં પીટર પહેલાએ દેશના પાટનગરનું મૉસ્કોથી પીટર્સબર્ગ (પછીનું નામ લેનિનગ્રાન્ડ) સ્થળાંતર કર્યા પછી આ દુર્ગનું મહત્વ ઘટી ગયું હતું; પરંતુ ‘ઑક્ટોબર ક્રાન્તિ’ પછી 1918માં દેશની નવી પ્રથમ સામ્યવાદી સરકારે ફરી મૉસ્કોને પાટનગર બનાવ્યું હતું અને ત્યારથી આ દુર્ગ રશિયાની સામ્યવાદી સરકાર(1917-1991)ની સત્તાનું પ્રમુખ કેન્દ્ર બન્યો છે, જોકે આમજનતા માટે તે બંધ કરવામાં આવ્યો. દુર્ગમાં લેનિનનું કક્ષ (apartment) તથા તેમનું કાર્યાલય મૂળ સ્થિતિમાં રાખવામાં આવ્યાં હતાં. દુર્ગના વિસ્તારમાં બે નવી ઇમારતો બાંધવામાં આવી છે : પ્રિસિડિયમ ઑવ્ ધ સુપ્રીમ સોવિયેત (1932-34) તથા પૅલેસ ઑવ્ ધ કૉંગ્રેસ (1959-61). ‘ક્રેમલિન’ નામથી વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલો આ દુર્ગ સ્ટાલિનના મૃત્યુ પછી 1955માં પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેના કેટલાક ભાગોને નૅશનલ મ્યુઝિયમ તરીકે જાહેર કરવામાં આવ્યા. સોવિયેત સંઘના વિઘટન (1991) પછી હાલ ત્યાં રશિયન પ્રજાસત્તાકનું મુખ્ય કાર્યાલય છે. ક્રેમલિન અદભુત સૌંદર્ય, અલંકારો, ચિત્રો અને ઝાર દ્વારા વપરાશમાં લેવાયેલા વિવિધ તાજનો ખજાનો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે