ક્રેઇસ્લર, ફ્રિટ્ઝ (જ. 2 ફેબ્રુઆરી 1875, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 29 જાન્યુઆરી 1962, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : પ્રસિદ્ધ વાયોલિનવાદક, વિયેના ખાતેની વિયેના કૉન્ઝર્વેટરીમાં સાત વરસની ઉંમરે ક્રેઇસ્લર વાયોલિનવાદન શીખવા માટે દાખલ થયેલા. 1885માં દસ વરસની ઉંમરે પૅરિસ જઈ પૅરિસ કૉન્ઝર્વેટરીમાં વાયોલિન અને સંગીતનિયોજન શીખવા માટે તેઓ દાખલ થયેલા. ત્યાર બાદ 1888-89માં બે વરસ માટે તેમણે અમેરિકાનાં ઘણાં નગરોમાં વાયોલિનવાદનના કાર્યક્રમો રજૂ કર્યા. 1889માં વિયેના પાછા ફરીને મેડિસીનનો અભ્યાસ શરૂ તો કર્યો પણ થોડા વખતમાં તે છોડી દીધો. ત્યાર બાદ પૅરિસ અને રોમમાં તેમણે શિલ્પ-ચિત્રનો કલા-અભ્યાસ શરૂ કર્યો, એ પણ અધૂરો જ પડતો મૂક્યો. થોડો વખત ઑસ્ટ્રિયન લશ્કરમાં સૈનિક તરીકે પણ કામ કર્યું.

ફ્રિટ્ઝ ક્રેઇસ્લર

આખરે 1899માં એક પૂર્ણ સમયના વાયોલિનવાદક તરીકે તેમણે કારકિર્દી શરૂ કરી. જોતજોતાંમાં તેમની નામના થઈ. બરોક યુગના યુરોપિયન સંગીતથી માંડીને આધુનિક સંગીતમાંથી વિવિધ સંગીતનિયોજકોએ લખેલી વાયોલિન માટેની ઘણી રચનાઓ તેમણે વગાડી છે. બ્રિટિશ આધુનિક સંગીતનિયોજક એડવર્ડ એલ્ગારે તેમને માટે ખાસ વાયોલિન કન્ચર્ટો લખીને તેમને અર્પણ કર્યા, જેમનું પ્રથમ વાદન 1910માં ક્રેઇસ્લરે કરેલું.

પ્રસિદ્ધ સ્વરનિયોજકો વિવાલ્દી, કૌપરિન, જોહાન સ્ટેમિટ્ઝ, પાદરી માર્તિની અને અન્યોને નામે ચઢાવીને ક્રેઇસ્લરે ઘણી કૃતિઓ વગાડેલી, જે બધી પોતાની મૌલિક રચનાઓ છે એમ તેમણે 1935માં કબૂલ કર્યું હતું.

અમિતાભ મડિયા