ક્રૂક્સ, વિલિયમ (સર) (જ. 17 જૂન 1832; લંડન, ઇંગ્લૅન્ડ; અ. 4 એપ્રિલ 1919, લંડન, ઇંગ્લૅન્ડ) : ઓગણીસમી સદીના અંતભાગમાં ભૌતિકશાસ્ત્ર તેમજ રસાયણશાસ્ત્રમાં શોધાયેલાં અનેક નવાં ક્ષેત્રોમાં પ્રદાન કરનાર અંગ્રેજ પ્રાયોગિક વિજ્ઞાની (experimentalist). 1950માં ફોટોગ્રાફીની પ્રક્રિયામાં તેમણે કરેલું અન્વેષણ વર્ણપટવિદ્યા-(spectroscopy)ની નવી શાખાના તેમના કાર્ય માટે પ્રેરક બન્યું હતું. તેની તકનીકનો ઉપયોગ કરીને ક્રૂક્સે 1861માં થેલિયમ તત્વની શોધ કરી. તેને પરિણામે રૉયલ સોસાયટીમાં તેમની પસંદગી થઈ. નિર્વાતિત (evacuated) કોષ્ઠક(chamber)માં થેલિયમનો ભાર  નક્કી કરવા

સર વિલિયમ ક્રૂક્સ

માટેના તેમના પ્રયાસો, નિર્વાત ભૌતિકશાસ્ત્ર(vacuum physics)માં સંશોધનરૂપ હતા. 1875માં ક્રૂક્સે રેડિયોમિટરની શોધ કરી અને 1878માં પ્રારંભ કરી, ક્રૂક્સની નળીઓ તરીકે ઓળખાતી અતિનિર્વાતિત નળીઓમાં વિદ્યુતવિભાર(electrical discharge)નું અન્વેષણ કર્યું. આ અભ્યાસ જે. જે. થૉમસને 1890ના ગાળા દરમિયાન વિભારનળીની ઘટનાને લગતા કરેલા સંશોધનકાર્ય માટે પાયારૂપ હતો. 68 વર્ષની વયે ક્રૂક્સે રેડિયો-ઍક્ટિવિટીની ઘટના(જેની શોધ 1896માં થઈ ચૂકી હતી.)ના અન્વેષણની શરૂઆત કરી અને રેડિયોઍક્ટિવ દ્રવ્યમાંથી ઉત્સર્જિત થતા આલ્ફા કણ(હિલિયમ ન્યૂક્લિયસ)ના વિચલનની પ્રયુક્તિની શોધ કરી. આધ્યાત્મિક વિષયો, ઘટનાઓ તથા કૃષિમાં પણ ક્રૂક્સે પોતાનો રસ જાળવી રાખ્યો હતો. 1878માં તેમણે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે ખાતરના નવા સ્રોતની ખોજ કરવામાં નહિ આવે તો વિશ્વની પ્રજાને ભૂખમરાનો સામનો કરવો પડશે. 1897માં ‘નાઇટ’ના ખિતાબથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

એરચ મા. બલસારા