ક્રુઇત્ઝર, રુડોલ્ફ (જ. 16 નવેમ્બર 1766, વર્સાઇલ, ફ્રાંસ; અ. 6 જાન્યુઆરી 1831, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રસિદ્ધ ફ્રેંચ વાયોલિનવાદક, સંગીતનિયોજક તથા સંગીતસંચાલક. સંગીતનિયોજક અને સંગીતસંચાલક ઍન્ટૉન સ્ટૅમિટ્ઝ હેઠળ તેમણે સંગીત અંગેની તાલીમ લીધી હતી. ત્યાર બાદ 1795માં પૅરિસ કૉન્ઝર્વેટરીમાં તેમની  નિમણૂક વાયોલિનના પ્રાધ્યાપક તરીકે થઈ. 1798માં વિયેના ખાતે તેમની મુલાકાત મહાન સંગીતકાર અને સંગીતનિયોજક બીથોવન સાથે થઈ. બીથોવને પોતાની મૌલિક રચના ‘સૉનાટા ઇન અ મેજર ફૉર પિયાનો ઍન્ડ વાયોલિન (ઑપસ 47)’ ક્રુઇત્ઝરને અર્પણ કરી;

રુડોલ્ફ ક્રુઇત્ઝર

પણ ક્રુઇત્ઝરને આ રચના ગમી નહિ અને તેમણે તે કદી વગાડી પણ નહિ. ત્યાર પછી ફ્રેંચ સમ્રાટો નેપોલિયન તથા લુઈ સત્તરમાના દરબારી સંગીતકાર તરીકે તેમની નિમણૂક થઈ. તેમણે કુલ 40 ઑપેરા લખ્યા, જેમાંથી ‘લોડોટ્સ્કા’ (1791) ખૂબ લોકપ્રિય નીવડેલો. ઉપરાંત 19 વાયોલિનકન્ચર્ટો, થોડાં બૅલે તથા ‘40 એત્યુદસ ઍન્ડ ક્રેપ્રાઇસિસ ફૉર વાયોલિન’ તેમની મહત્વની રચનાઓ છે. પ્રખર વાયોલિનવાદકો પિયરે બેઇલો(pierre Baillot)ના તથા પિયરે રોદના સહયોગમાં તેમણે લખેલું પુસ્તક ‘મેથડ ઑવ્ વાયોલિન’ વાયોલિનવાદનના શિક્ષણમાં આજે પણ ઉપયોગી થાય છે.

અમિતાભ મડિયા