ક્રીટ (Crete) : આયોનિયન સમુદ્ર અને પૂર્વ ભૂમધ્ય સમુદ્રને અલગ પાડતો ગ્રીસનો પ્રાચીન મિનોઅન સંસ્કૃતિ ધરાવતો દ્વીપ. ભૌગોલિક સ્થાન 35° 29’ ઉ.અ. અને 24° 42’ પૂ.રે. ક્ષેત્રફળ : 8,336 ચોકિમી. છે. આ ટાપુ ગ્રીસની મુખ્ય ભૂમિથી 96 કિમી. અને ઍથેન્સથી 257 કિમી., ઉત્તર આફ્રિકાના કિનારાથી 320 કિમી. અને ડાર્ડેનલ્સની ભૂશિરથી 523 કિમી. દૂર પૂર્વ ભૂમધ્ય સમુદ્રના મધ્યભાગમાં આવેલો છે. આ ટાપુની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 256 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 11થી 56 કિમી. છે. તેનું ક્ષેત્રફળ 8,336 ચોકિમી. છે. સમગ્ર ટાપુનો ઘણો ભાગ ડુંગરાળ છે જ્યારે ત્રીજા ભાગ જેટલું સપાટ મેદાન છે. સૌથી ઊંચો પર્વત ઇડા (2,456 મી.) છે. વસ્તી : 6,01,131 (2001).

અહીં ભૂમધ્ય સમુદ્રની આબોહવા છે. ચારે બાજુ સમુદ્ર હોવાને કારણે ઉનાળાનું સરેરાશ તાપમાન 20° સે., જ્યારે જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 10° સે. હોય છે. શિયાળામાં પર્વતીય વિસ્તારમાં ક્યારેક બરફ પડે છે. ઉનાળો સૂકો હોય છે. સરેરાશ 625 મિમી. વરસાદ પડે છે. ડુંગરાળ પ્રદેશનાં જંગલો કપાઈ જતાં ઘેટાંબકરાં માટે ચરાણ માત્ર રહ્યું છે. લોખંડ, સીસું, જસત, તાંબું, મૅંગેનીઝ અને લિગ્નાઇટની ધાતુઓ મળે છે. ખેતીમાં જવ, ઘઉં ઉપરાંત દ્રાક્ષ, લીંબુ, મોસંબી વગેરે ખાટાં ફળો અને ઑલિવ, રેઝિન વગેરે મુખ્ય પેદાશ છે. તે પૈકી દ્રાક્ષ, રેઝિન કૅરોબીન અને ઑલિવના તેલની નિકાસ થાય છે. રેલવેનો સદંતર અભાવ છે. ઉત્તર કિનારો તૂટક હોઈ અહીં કુદરતી બંદરો આવેલાં છે. મુખ્ય શહેર કેનિયા (Canea) છે. ટાપુને ચાર જિલ્લામાં વહેંચી નાખવામાં આવ્યો છે.

કાંસ્ય યુગ દરમિયાન (ઈ. પૂ. 2500-1100) ગ્રીસની સંસ્કૃતિ પૂર્વેની મિનોઅન સંસ્કૃતિની ઝલક બતાવતાં કેટલાક અવશેષો જેવાં ભીંતચિત્રો, મણકા, માટીનાં ચિત્રિત વાસણો, મહેલના અવશેષો વગેરે જોવા મળે છે. મિનોઅન, ડોરિયન આરબ અને વેનિસના નગરરાજ્યના શાસન નીચે તે 1660 પૂર્વે હતું. ઑટોમન તુર્ક સામ્રાજ્યના ભાગ તરીકે 1660થી 1898 સુધી રહ્યા બાદ તે યુરોપીય મહાસત્તાઓના દબાણને કારણે સ્વતંત્ર થયું અને 1913થી ક્રીટની ધારાસભાના ઠરાવ મુજબ તે ગ્રીસનો ભાગ બન્યું છે. મે, 1941માં તે જર્મન આક્રમણનો ભોગ બનેલ, પણ બીજા વિશ્વયુદ્ધનો અંત આવતાં ફરી ગ્રીસનો અંતર્ગત ભાગ બનેલ છે.

શિવપ્રસાદ રાજગોર