ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી

January, 2010

ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી (crystal field theory – CFT) : સંકીર્ણ સંયોજનોમાં રાસાયણિક આબંધન (bonding) માટેનો મુખ્યત્વે આયનિક અભિગમ, જે જૂના સ્થિરવૈદ્યુતિક (electrostatic) સિદ્ધાન્તને પુનર્જીવિત (revitalize) કરે છે. તેની મદદથી સંક્રાંતિક ધાતુ-આયનોનાં સંયોજનોનાં શોષણ-વર્ણપટો અને ચુંબકીય ગુણધર્મો સમજાવી શકાય છે તેમજ વિવિધ લિગેન્ડો (સંલગ્નીઓ, Ligands) સાથે જુદી જુદી ધાતુઓનાં સંકીર્ણોની સ્થિરતા, તેમની પ્રક્રિયાના દર અને ક્રિયાવિધિ અંગે આગાહી થઈ શકે છે. આ ઉપરાંત ઉપસહસંયોજક (co-ordinate) સંયોજનમાંના ધાતુ-આયનનાં ઇલેક્ટ્રૉનોની ઊર્જાની પરિમાણાત્મક (quantitative) ગણતરી કરવાનું પણ શક્ય બને છે. આ સિદ્ધાન્તનું મુખ્ય પૂર્વવિધાન (premise) એ છે કે સંકીર્ણમાંના મધ્યવર્તી ધાતુ-આયનની આસપાસ ગોઠવાયેલા લિગેન્ડ એક સ્થિરવૈદ્યુતિક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે ધાતુ-આયનના ઊર્જાસ્તરોને ક્ષુબ્ધ કરે છે. સામાન્ય ધાતુ-આયનની d કક્ષકો પાંચગણી અપભ્રષ્ટ (degenerate) (સરખી ઊર્જા ધરાવતી) હોય છે અને પ્રત્યેકને તેનો લાક્ષણિક ભૌમિતિક પ્રક્ષેપ હોય છે; પણ આયન લિગેન્ડોની વચ્ચે ગોઠવાતાં તેની ઊર્જાની ભાત બદલાય છે; દા.ત., Co(CN)3-3  જેવો 6 સવર્ગ અંક ધરાવતો સંકીર્ણ આયન (આકૃતિ-1)માં દર્શાવ્યા પ્રમાણેનો અષ્ટફલકીય દિગ્વિન્યાસ (orientation) ધરાવે

આકૃતિ 1 : 6 સવર્ગ અંક ધરાવતા કેન્દ્રીય પરમાણુની આસપાસ સમૂહોનો અષ્ટફલકીય દિગ્વિન્યાસ

છે. તેની લિગેન્ડો x, y અને z અક્ષ ઉપર આવેલી હોય તો ધાતુ-આયનની d સપાટીમાંના ઇલેક્ટ્રૉન અને લિગેન્ડમાંના ઇલેક્ટ્રૉન (અથવા ઋણ વીજભાર) વચ્ચે અપાકર્ષણ થશે. આમાં પણ જ્યારે 3d કક્ષક લિગેન્ડની દિશામાં સીધી જ આવેલી હોય ત્યારે તે લિગેન્ડથી દૂર આવેલી કક્ષક કરતાં વધુ અપાકર્ષણ અનુભવશે. (આકૃતિ-2) ગણિતીય રીતે આ કુલમ્બીય અપાકર્ષણને વડે વર્ણવી શકાય.

આકૃતિ 2 : ક્રિસ્ટલ ફિલ્ડ અસર અનુભવતી d-કક્ષકો

(e અને q અનુક્રમે ઇલેક્ટ્રૉન અને લિગેન્ડના વીજભાર છે અને r તેમની વચ્ચેનું અંતર છે). આમ dx2  y2 અને dz2 કક્ષકો કે જે ઊર્જાની ર્દષ્ટિએ સમતુલ્ય (equivalent) છે અને અક્ષ ઉપર લિગેન્ડની દિશામાં ગોઠવાયેલ છે તે લિગેન્ડ-ક્ષેત્ર અપાકર્ષણ વધુ અનુભવશે અને તેથી તેમની ઊર્જામાં વધારો થશે (તે અસ્થિર બનશે). આની સરખામણીમાં dxy, dyz, dxz કક્ષકો બે અક્ષોની વચ્ચે આવેલી હોવાથી સ્થિરતા પ્રાપ્ત કરશે. (આકૃતિ 3). આમ અષ્ટફલકીય સંકીર્ણમાં લિગેન્ડના ઇલેક્ટ્રૉન અને ધાતુના ઇલેક્ટ્રૉન વચ્ચેના અપાકર્ષણને લીધે d સ્તરોની પાંચગણી અપભ્રષ્ટતા બદલાઈને ઓછી ઊર્જાવાળા ત્રણ અને વધારે ઊર્જાવાળા બે સ્તરો ઉત્પન્ન થાય છે; કારણ કે કક્ષકોની કુલ ઊર્જા અચળ હોય છે. ચોક્કસ ભૂમિતિમાં લિગેન્ડની ગોઠવણીને લીધે અપભ્રષ્ટ સ્તરોનું આવું વિદારણ ‘ક્રિસ્ટલ ફિલ્ડ વિદારણ’ કહેવાય છે અને તેનું પ્રમાણ સામાન્ય રીતે D અથવા 10 Dq વડે દર્શાવાય છે. (Dq એ શક્તિ માટેનું પદ છે જે ચોક્કસ ભૂમિતિ ધરાવતા લિગેન્ડ-ધાતુયુગ્મ માટે અચળ હોય છે, જ્યારે આપેલા ધાતુ-આયન માટે તે લિગેન્ડક્ષેત્ર ઉપર આધાર રાખે છે.) આવી રીતે સ્થિરતા પ્રાપ્ત કરેલ dxy, dyz અને dxz સ્તરોને t2g સંજ્ઞા (કેટલીક વાર dε અથવા γ5) અને અસ્થિર dx2  y2 અને dz2 સ્તરોને eg સંજ્ઞા (કેટલીક વાર dγ અથવા γ3) આપવામાં આવે છે. eg સ્તરો અવિદારિત d-કક્ષકોની શક્તિ કરતાં 3/5 Do જેટલા ઊંચા અને t2g સ્તરો 2/5 Do જેટલા નીચે આવેલા હોય છે. (નિમ્ન પાદલિપિ o એ ઑક્ટાહેડ્રલ સંરચના સૂચવે છે.) d-કક્ષકોનું આ વિદારણ લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર, લિગેન્ડ તથા ધાતુની પ્રકૃતિ અને તેની ઉપરના વીજભાર અથવા તેની ઑક્સિડેશન અવસ્થા ઉપર આધાર રાખે છે.

આકૃતિ 3 : લિગેન્ડ ક્ષેત્રમાં d-કક્ષકોનું વિદારણ

ઉપરની ધારણા અષ્ટફલકીય સંકીર્ણોમાં ધાતુ-આયનની d-કક્ષકોમાં ઇલેક્ટ્રૉન વહેંચવાની સરળતા કરી આપે છે; દા.ત., TiCl33- -ની ભૂતલ અવસ્થામાં તેનો એકાકી d ઇલેક્ટ્રૉન કક્ષકોના નિમ્નતર સમુચ્ચય(set)માં જશે, જેની ઊર્જા -4 Dq છે; આથી તેની ‘ક્રિસ્ટલ ફિલ્ડ સ્થિરીકરણ ઊર્જા’ (crystal field stabilisation energy – CFSE) 4 Dq ગણવામાં આવે છે.

આકૃતિ 4 : અષ્ટફલકીય ક્રિસ્ટલ ફિલ્ડને કારણે પાંચ d-કક્ષકોનું વિદારણ

એક કરતાં વધુ ઇલેક્ટ્રૉન હાજર હોય ત્યારે Dq-નું વર્ણપટીય(spectroscopic) મૂલ્યાંકન એટલું સહેલું નથી; તેમ છતાં આવા કિસ્સામાં પણ CFSE સહેલાઈથી ગણી શકાય છે, કારણ કે CFSE, કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રૉનની સંખ્યા અને કક્ષકની ઊર્જાનો ગુણાકાર છે. 3d1, 3d2 અને 3d3 ઇલેક્ટ્રૉન, હુંડના નિયમ પ્રમાણે, પ્રત્યેક t2g સ્તરમાં એક એ પ્રમાણે ગોઠવાશે. તેમની CFSE નીચે પ્રમાણે ગણી શકાય :

d1 ઇલેક્ટ્રૉન માટે CFSE = (1 x 4) – (0 x 6) = 4 Dq

d2 ઇલેક્ટ્રૉન માટે CFSE = (2 x 4) – (0 x 6) = 8 Dq

d3 ઇલેક્ટ્રૉન માટે CFSE = (3 x 4) – (0 x 6) = 12 Dq

આકૃતિ 5 : Co+3નાં d6 ઇલેક્ટ્રૉનનું નિર્બળ અને પ્રબળ અષ્ટફલકીય ક્ષેત્રોમાં વિતરણ

d4 ઇલેક્ટ્રૉન t2g સ્તરમાં અથવા eg કક્ષકમાં જઈ શકે. આ પસંદગીમાં બે અવયવો અસરકર્તા છે : (i) ક્રિસ્ટલ ફિલ્ડ વિદારણ (Δ અથવા 10 Dq) અને (ii) ઇલેક્ટ્રૉન યુગ્મનઊર્જા (pairing energy) (P). જો ક્રિસ્ટલ ફિલ્ડ, કક્ષકોની નીચલી સપાટીમાંના ઇલેક્ટ્રૉનના યુગ્મનથી ઉદભવતી અપાકર્ષણ-ઊર્જાની ઉપરવટ જઈ શકે તેવું પ્રબળ હોય (10 Dq > P) તો ચોથો ઇલેક્ટ્રૉન તેના પ્રચક્રણ(spin)ના જોડાવાના સાથે t2g કક્ષકમાં જશે. તેને માટે CFSE=16 Dq થશે. આને લીધે સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રામાં ઘટાડો થશે. આવો સંકીર્ણ નિમ્ન પ્રચક્રણ સંકીર્ણ કહેવાય છે, જ્યારે ઘટનાને પ્રબળ-ક્ષેત્ર કિસ્સા’ તરીકે ઓળખવામાં આવે છે. વૈકલ્પિક રીતે જો P > 10 Dq હોય, એટલે કે નિર્બળ ક્ષેત્રના કિસ્સામાં, ઇલેક્ટ્રૉન યુગ્મન (અપાકર્ષણ) ઊર્જા ક્રિસ્ટલ ફિલ્ડ (આકર્ષણ) ઊર્જા કરતાં વધુ હોવાથી, અયુગ્મિત ઇલેક્ટ્રૉન વધુમાં વધુ જોવા મળશે. અહીં ઇલેક્ટ્રૉન માટે eg સ્તરમાં જવાનું શક્ય બનશે (આકૃતિ 4). આને લીધે સંકીર્ણના કુલ પ્રચક્રણ અને ચુંબકીય ચાકમાત્રામાં વધારો થશે. આવો સંકીર્ણ ‘ઉચ્ચ પ્રચક્રણ સંકીર્ણ’ તરીકે ઓળખાય છે. Mn(II)ના ઘણાખરા સંકીર્ણોમાં [દા.ત., Mn(H2O)6 2+] ક્રિસ્ટલ ફિલ્ડ નિર્બળ હોવાને લીધે પાંચે ઇલેક્ટ્રૉન અયુગ્મિત રહેતા હોવાથી CFSE = (3 x 4) – (2 x 6) = 0 હોય છે. આમ જે લિગેન્ડ વધુ વિદારણ આપે (દા. ત., CN) તે નિમ્ન પ્રચક્રણ સંકીર્ણ ઉત્પન્ન કરશે, જ્યારે નિર્બળ ક્ષેત્રવાળા લિગેન્ડ (દા.ત. F) વડે બનતા સંકીર્ણો ઉચ્ચ પ્રચક્રણ પ્રકારના હશે. Fe3+ આયન (3d5 સંરચના) F અને CN બંને સાથે અષ્ટફલકીય સંકીર્ણો બનાવે છે. પહેલામાં P > 10 Dq હોવાથી સંકીર્ણમાંના પાંચ ઇલેક્ટ્રૉન (t2g)3 (eg)2 સંરચનામાં ગોઠવાશે. આથી તેની ચુંબકીય ચાકમાત્રા 5.9 મૅગ્નેટૉન જોવા મળે છે, જ્યારે F કરતાં CNનું વિદારણ પાંચગણું વધારે હોવાથી, ઉપલી કક્ષકોની સપાટીઓ નીચલી કરતાં ઘણી દૂર હોવાથી, Fe(CN)63-માં બધા ઇલેક્ટ્રૉન નીચલી સપાટીમાં કેન્દ્રિત થતાં તેની સંરચના (t2g)5(eg)0 અને ચુંબકીય ચાકમાત્રા 1.7 મૅગ્નેટૉન જોવા મળે છે. (CoF6)3માં 6 અયુગ્મિત ઇલેક્ટ્રૉન હોવાથી તે પૂર્ણ અનુચુંબકત્વ (paramagnetism) દર્શાવે છે, જ્યારે Co(NH3)63+માં એક પણ ઇલેક્ટ્રૉન અયુગ્મિત ન હોવાથી તે પ્રતિચુંબકીય (diamagnetic) છે. વળી જેમના નિમ્ન ઊર્જાસ્તરોમાં વધુ ઇલેક્ટ્રૉન આવેલા હોય તેવા સંકીર્ણો જેમની d કક્ષકો સરખી રીતે ભરાયેલી હોય તેવા સંકીર્ણો કરતાં વધુ સ્થિર હશે.

ચતુષ્ફલકીય વિન્યાસ (configuration) : ચતુષ્ફલકીય સંકીર્ણો અષ્ટફલકીય સંકીર્ણોથી કક્ષકોના વિદારણની ભાત અને Dq-નાં સાપેક્ષ પરિમાણ (magnitude) પરત્વે જુદા પડે છે. આ સંકીર્ણોમાં લિગેન્ડ ચતુષ્ફલક(ટેટ્રાહેડ્રન)નાં શિરોબિંદુઓ (vertices) ઉપર આવેલા હોય છે. લિગેન્ડોના આ વિન્યાસને કારણે કક્ષકોની ગોઠવણી ઊલટાઈ જતાં dz2 અને dx2  y2 કક્ષકો નીચામાં નીચી (સ્થિર) સપાટીએ આવે છે; જયારે dxy, dyz અને dxz સ્તરો અસ્થિર બને છે. જો ધનાયન અને ઋણાયન તેનાં તે જ હોય અને ચતુષ્ફલકીય તેમજ અષ્ટફલકીય સંરચનામાં તેમની વચ્ચેનું અંતર પણ સરખું હોય તો કક્ષકોના બે સમુચ્ચયોની શક્તિ વચ્ચેનો તફાવત Dt (નિમ્ન પાદલિપિ t ટેટ્રાહેડ્રલ માટે છે.) હવે અષ્ટફલીય સંરચનાની સરખામણીમાં 4/9 ભાગનો થાય છે.

Dq (ચતુષ્ફલકીય) = 4/9 Dq (અષ્ટફલકીય) અથવા Δt = 4/9 Δo

એટલે કે અન્ય બાબતો સરખી હોય ત્યારે ચતુષ્ફલકીય સંકીર્ણમાં ક્રિસ્ટલ ફિલ્ડ વિદારણ અષ્ટફલકીય સંકીર્ણ કરતાં લગભગ અર્ધું હશે. ઓછા વિદારણને લીધે પ્રથમ સંક્રાન્તિ શ્રેણીની ધાતુઓના ફક્ત ઉચ્ચ-પ્રચક્રણ સંકીર્ણો જ જાણીતા છે. કેટલીક વિન્યાસ-રાસાયણિક ઘટનાઓ પણ આ રીતે સમજાવી શકાય છે; દા.ત., સામાન્ય અને વ્યસ્ત (inverse) સ્પિનેલ.

સમચોરસ સમતલીય સવર્ગ સહસંયોજન(square planar coordination)માં, દા.ત., Ni(CN)42-માં, કક્ષકોનું વિદારણ આકૃતિ 3માં બતાવ્યા પ્રમાણેનું થશે. આ વિદારણ પણ d કક્ષકોના આકાર ઉપરથી તારવી શકાય છે. અહીં x અને y અક્ષોને સમચોરસના વિકર્ણ (square diagonal) તરફ આવેલા ગણવામાં આવ્યા છે. વિદારણથી મળતા ચાર ઊર્જાસ્તરોમાં ફક્ત એક જ એકસરખી (similar) બે કક્ષકો ધરાવે છે.

સંકીર્ણ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો સમજાવવામાં ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાન્તની ક્ષમતા સંયોજકતા બંધ સિદ્ધાન્તની તુલનામાં પોતાની ઉપયોગિતા સાબિત કરે છે; પરંતુ જે સંયોજનો સહસંયોજક (covalent) લક્ષણ પણ ધરાવતાં હોય તેમનાં આબંધન સમજાવવા લિગેન્ડ ફિલ્ડ સિદ્ધાન્ત વધુ ઉપયોગી છે. ખરેખર તો ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાન્ત એ સંસિદ્ધ આણ્વીય કક્ષક સિદ્ધાન્ત(molecular orbital theory)નું વધુ વિશિષ્ટ રૂપ છે.

જ. દા. તલાટી