ક્યૂ-જ્વર (Q-fever) : રિકેટ્સિયાસી કુળના Coxiella burneti બૅક્ટેરિયાના ચેપથી ઉદભવતો તાવના જેવો રોગ. પશુધન અને તેનાં દૂધ, માંસ, ખાતર અને ઊન જેવાં ઉત્પાદનો સાથે સંકળાયેલી વ્યક્તિઓ સામાન્યપણે આ રોગથી પીડાય છે. જૂ, ચાંચડ, ઈતડી જેવા લોહીચૂસક સંધિપાદો વડે આ રોગનો ફેલાવો થાય છે. જાનવરના સંપર્કમાં આવેલી ધૂળથી પણ માનવને આ રોગનો ચેપ લાગે છે. પ્રતિજીવી (antibiotic) દવા આ રોગને મટાડે છે. જોકે દીર્ઘકાલીન (chronic) ક્યૂ-જ્વરથી પીડાતા રોગી પર પ્રતિજીવોની ખાસ અસર થતી નથી. રસી મૂકવાથી આ રોગથી મુક્તિ મેળવી શકાય છે.

અરવિંદ દરજી