કૌમુદી : સાહિત્યસમીક્ષાનું ગુજરાતી સામયિક. પ્રસિદ્ધ વિવેચક વિજયરાય કલ્યાણરાય વૈદ્યે વિ. સં. 1980ના આશ્વિન માસમાં આ સાહિત્યિક માસિકનો પ્રથમ અંક પ્રકટ કર્યો હતો. ડિમાઈ કદના આ સામયિકમાં મુખ્યત્વે સાહિત્યિક લેખો ઉપરાંત જીવનલક્ષી લેખો પણ અવારનવાર અપાતા રહેતા. તેના તંત્રીની સૂઝસમજ અને સાહિત્યપ્રીતિથી સંમાર્જાયેલું આ માસિક એનાં પ્રકાશનોનાં વર્ષ દરમિયાન સાહિત્યરસિકોમાં સારો આદર પામ્યું હતું. સાહિત્યસમીક્ષાના આ સ્વતંત્ર સામયિકનો આરંભ કરી એમણે સાહિત્યિક પત્રકારનું ન ભુલાય તેવું કાર્ય ‘કૌમુદી’ દ્વારા સિદ્ધ કર્યું છે. આ સામયિક ઈ. સ. 1924થી 1935 સુધી ચાલુ રહ્યું હતું. ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશેનાં ઊંડાં રસરુચિ કેળવવામાં અને એક પ્રકારની ઉચ્ચ સમીક્ષાની આબોહવા બાંધવામાં આ માસિકનો ફાળો મહત્વનો ગણી શકાય.

ધીરુ પરીખ