કોસ્ટરલિટ્ઝ, જ્હૉન એમ. (Kosterlitz, John M.)

કોસ્ટરલિટ્ઝ, જ્હૉન એમ. (Kosterlitz, John M.) (જ. 22 જૂન 1943, એબરડીન, યુ.કે.) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ  (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. તેમને પુરસ્કારનો એક-ચતુર્થાંશ ભાગ પ્રાપ્ત થયો હતો અને અન્ય ભાગ ડેવિડ થાઉલેસ અને ડન્કન હાલ્ડેનને મળ્યો હતો.

જ્હૉન એમ. કોસ્ટરલિટ્ઝ

કોસ્ટરલિટ્ઝ બ્રિટનમાં જન્મેલા અમેરિકન ભૌતિકશાસ્ત્રી છે. તેમનાં પિતા અને માતા જર્મન-જ્યૂઈશ મૂળનાં હતાં. યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજમાંથી તેમણે 1965માં સ્નાતકની પદવી તથા 1969માં પીએચ.ડી.ની પદવી મેળવી. ઇટાલીના ટ્યૂરિનમાં તથા યુનિવર્સિટી ઑવ્ બર્મિંગહામમાં સંશોધક તરીકે કાર્ય કર્યું. કોર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્કમાં પણ તેમણે સંશોધનો હાથ ધર્યાં. 1982માં તેમણે બ્રાઉન યુનિવર્સિટી(રહોડ આઇલૅન્ડ, યુ.એસ.એ.)માં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે પદ ગ્રહણ કર્યું.

1970ના દાયકાની શરૂઆતમાં બર્મિંગહામમાં કોસ્ટરલિટ્ઝ અને થાઉલેસે દ્વિ-પારિમાણિક દ્રવ્યમાં પ્રાવસ્થા સંક્રમણનો અભ્યાસ કર્યો. જ્યારે દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત થાય છે ત્યારે પ્રાવસ્થા સંક્રમણ (phase transition) થાય છે. ઉદાહરણ રૂપે, પાણીનું વરાળમાં રૂપાંતરિત થવું, પદાર્થની અતિપ્રવાહિતા તથા અતિવાહકતા જેવી અવસ્થાઓ. ભૌતિકશાસ્ત્રીઓ માનતા હતા કે દ્વિ-પારિમાણિક દ્રવ્યોમાં પ્રાવસ્થા સંક્રમણ શક્ય નથી, પરંતુ કોસ્ટરલિટ્ઝ અને થાઉલેસે દર્શાવ્યું કે દ્વિ-પારિમાણિક દ્રવ્યોમાં સાંસ્થિતિક    (topological) પ્રાવસ્થા સંક્રમણ થાય છે.  તેને કોસ્ટરલિટ્ઝ – થાઉલેસ સંક્રમણ તરીકે ઓળખવામાં આવ્યું.

1981માં કોસ્ટરલિટ્ઝને બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ દ્વારા મૅક્સવેલ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો. તથા 2000માં અમેરિકન ફિઝિકલ સોસાયટી દ્વારા લાર્સ ઑન્સેન્જર ઇનામ આપવામાં આવ્યું. તેઓ અમેરિકન નાગરિક છે અને નાસ્તિક છે. હાલમાં બ્રાઉન યુનિવર્સિટીમાં કાર્યરત છે.

પૂરવી ઝવેરી