કોળું : વર્ગ દ્વિદલા, કુળ Cucurbitaceae-નો વેલો. ફળને કોળું અને વેલાને કોળી કહે છે. ભારતમાં ચાર પ્રકારનાં કોળાંનું વાવેતર થાય છે. (જુઓ સારણી.)

ક્રમ ગુજરાતી નામ હિંદી અંગ્રેજી શાસ્ત્રીય નામ
1. ચોમાસુ કોળું कददु pumpkin Cucurbita
moschanta
Duchesne
ex Poir
2. ઉનાળુ કોળું सफद कददु Field
pumpkin
અથવા
summer
squash
C. Pepo. L
3. શિયાળુ કોળું कददु पीला
या लाल અથવા
मीठा
Red gourd
or winter
squash
C. maxima

Duchesne

4. ભૂરું કોળું पेठा Ash gourd
wax gourd
or white
gourd
Benincasa
hispida
(Thumb)
Cogn.

વેલાવાળાં શાકભાજીનાં જૂથ (cucurbits) પૈકી કોળાનો પાક આદિવાસી તથા ડુંગરાળ પ્રદેશનો મહત્વનો પાક ગણાય છે કારણ કે કોળું લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે અને તે સારું પોષણમૂલ્ય પણ ધરાવે છે. આથી પછાત વિસ્તાર માટે કોળું શાકભાજીનો એક હાથવગો પાક ગણાય. વેપારી ધોરણે વવાતા વેલાવાળા શાકભાજીના પાક જેવા કે કારેલાં, ટીંડોરાં, પરવળ, કાકડી વગેરેની સરખામણીમાં આ પાક મહત્વનો ન હોવાથી તેના વાવેતરની અલગ નોંધ થતી નથી; પરંતુ ગુજરાત રાજ્યમાં આશરે 600થી 800 હેક્ટરના વિસ્તારમાં તેનું છૂટુંછવાયું વાવેતર થાય છે.

હવામાન : ઉનાળુ તથા ચોમાસુ પાક નીચા તાપમાન તથા વધુ ભેજવાળા પ્રદેશોમાં થઈ શકે છે. અર્ધછાંયાવાળી પરિસ્થિતિમાં પણ વાવેતર થઈ શકે છે. કોળાનો પાક 110થી 120 દિવસમાં તૈયાર થાય છે. સારી વૃદ્ધિ અને ઉનાળા માટે હિમમુક્ત ચાર માસનો ગાળો જરૂરી છે.

જમીન : વ્યાપક છીછરાં મૂળવાળા કોળાનો પાક સામાન્ય મધ્યમ પ્રકારની સારા નિતારવાળી જમીનમાં થઈ શકે છે. 6.0થી 6.5 pHવાળી ડુંગરાળ ભાસ્મિક જમીનોમાં પણ ઉગાડી શકાય છે.

કોળાની ઉપજાતિઓ : ભારતમાં કોળાની ઘણી ઉપજાતિઓનું વાવેતર થાય છે. ફળના આકારમાં તથા પરિપક્વ થયેથી ફળની છાલના તથા માવાના રંગમાં ભિન્નતા પ્રવર્તે છે. પરિપક્વ થયેથી છાલના રંગમાં પીળો કે લાલ રંગ ધરાવતી શિયાળુ કોળાની સામાન્ય ઉપજાતો લાર્જ રેડ, લાર્જ રાઉન્ડ, યલો ફ્લૅશ, રેડ ફલૅશ વગેરે છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, દિલ્હી ખાતે તૈયાર થયેલ સુધારેલ જાતો અર્લી યલો, પ્રૉલિફિક ઑસ્ટ્રેલિયન ગ્રીન, બટરનટ, ગ્રીન હબ્બાર્ડ, ગોલ્ડન હબ્બાર્ડ વગેરે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હૉર્ટિકલ્ચર, બૅંગલોરની શિયાળુ કોળાની ભલામણ થયેલ જાત પુસા અલંકાર છે.

વાવેતર : ચોમાસુ કોળાનો પાક સારાય દેશમાં થાય છે. શિયાળુ કોળું મુખ્યત્વે ડુંગરાળ પ્રદેશમાં વવાય છે. મેદાનોમાં ચોમાસુ પાક તથા ઉનાળુ પાક માટે 1.50 ´ 1.20 મીટરના ગાળાએ 80 સેમી.ની ગોળાઈના ખોદેલ ખામણામાં 12થી 15 સેમી.ની ઊંડાઈએ 3થી 4 બીજ વાવવામાં આવે છે. સારો ઉગાવો થયા બાદ ખામણાદીઠ બે સારા છોડ રાખી પારવણી કરવામાં આવે છે. ડુંગરાળ પ્રદેશમાં બીજ છાંટીને 1.5 મી.ના ગાળે ચાસમાં વાવણી કરીને વાવેતર થાય છે અને પછીથી વધારાના છોડની પારવણી કરવામાં આવે છે.

ઉનાળુ કોળા માટે મેદાનોમાં જાન્યુઆરીથી માર્ચ માસ દરમિયાન વાવેતર થાય છે. વહેલું બજાર મેળવવા હિમ સામે સંરક્ષણની સગવડ સાથે નદીના ભાઠામાં ડિસેમ્બર માસમાં વાવેતર થાય છે. મેદાનોમાં બટાટાના વાવેતરમાં તેની લણણી પહેલાં વાવેતર કરવામાં આવે છે. બિયારણનો દર હેક્ટરે 6થી 7 કિલોનો હોય છે. પાકની વૃદ્ધિ દરમિયાન બેત્રણ વખત નીંદણ જરૂરી બને છે. ચોમાસુ પાક માટે પિયતની જરૂર રહેતી નથી. શિયાળુ પાક માટે 8થી 10 દિવસ તથા ઉનાળુ પાક માટે 3થી 4 દિવસના અંતરે જમીનની જાત તથા તાપમાન મુજબ પિયત આપવામાં આવે છે.

ખાતર : આ પાકનાં મૂળિયાં છીછરાં હોવાથી ઉપરથી વેરીને આપેલ ખાતરની અસર સારી થાય છે. જમીન તૈયાર કરતી વખતે હેક્ટર-દીઠ 50 ગાડી છાણિયું અથવા ગળતિયું ખાતર અપાય છે. વેપારી ધોરણે સારું ઉત્પાદન મેળવવું હોય તો વાવણી પહેલાં હેક્ટર- દીઠ 50 કિલો ફૉસ્ફરસ તત્વ માટે 313 કિલો સિંગલ સુપરફૉસ્ફેટ, 50 કિલો પોટાશ માટે 86 કિલો મ્યુરેટ ઑવ્ પોટાશ તેમજ વાવણી પછી દોઢ મહિને 25 કિલો નાઇટ્રોજન માટે 125 કિલો એમોનિયમ સલ્ફેટ અથવા 54 કિલો યૂરિયા પૂરક ખાતરો તરીકે આપી શકાય.

લિંગઅભિવ્યક્તિ અને લિંગગુણોત્તર : કોળાનો પાક પણ લિંગ- અભિવ્યક્તિની ખાસિયત ધરાવે છે. નર અને માદા ફૂલો જુદાં જુદાં બેસે છે અને માદા ફૂલોમાં જ ફળ બેસે છે. કેટલાક સંજોગોમાં નર ફૂલ વધુ બેસે છે, જ્યારે કેટલાક સંજોગોમાં માદા ફૂલ વધુ બેસે છે. લિંગ-ગુણોત્તર (sex ratio) વાતાવરણનાં પરિબળો, ખાસ કરીને તાપમાન અને પ્રકાશ-અવધિ ઉપર અવલંબિત રહે છે.

લણણી અને ઉત્પાદન : ઉનાળુ કોળાના પાક્ધાી લણણી, ફળ પરિપક્વ થતાં અગાઉ લીલાં હોય ત્યારે જ વેલામાંથી ફળને આમળીને ડીંટામાંથી છૂટું પાડીને કરવામાં આવે છે. સારા વિકસેલ શિયાળુ કોળાના ફળની લણણી તે પૂર્ણ પરિપક્વ થયેથી ડીંટા સાથે ફળને વેલાથી છૂટાં પાડી કરવી જોઈએ. લણણી બાદ ફળોને નાના નાના ઢગલામાં બે અઠવાડિયાં રાખ્યા બાદ તેનો લાંબા સમય માટે સંગ્રહ થઈ શકે છે.

ચોમાસા દરમિયાન પાકનું ઉત્પાદન વધુ મળે છે. હેક્ટરદીઠ 20થી 25 ટન ઉત્પાદન મળે છે. ઉનાળા દરમિયાન ઉત્પાદન અડધું રહે છે.

પાકસંરક્ષણ : જીવાતનો ઉપદ્રવ ચોમાસુ પાકમાં બીજી ઋતુના પ્રમાણમાં વધારે હોય છે. અગત્યની જીવાતોમાં લાલ અને કાળા મરિયાં (red and black pumpkin beetle), મસી (aephid) તથા ફળમાખી(fruitfly)નો સમાવેશ થાય છે. રોગોમાં ફૂગજન્ય રોગ ભૂકીછારો (powdery mildew) તથા તળછારો (downy mildew) છે.

કાળાં મરિયાંનો જો પાકની શરૂઆતમાં ઉપદ્રવ હોય તો તેના નિયંત્રણ માટે 0.65 % લિન્ડેન ભૂકીનો હેક્ટરે 16થી 20 કિલોના પ્રમાણમાં છંટકાવ કરવો પડે. છોડ ઉપર ફૂલ આવી ગયા બાદ પાયરેથમ ભૂકી હેક્ટરે 16થી 20 કિલોના હિસાબે છાંટવી પડે. 0.07 ટકા મૅલેથિયૉન પ્રવાહી મિશ્રણના છંટકાવથી મસીનું નિયંત્રણ થઈ શકે છે. ફળમાખીના નિયંત્રણ માટે ખેતરની સ્વચ્છતા રાખવી ખાસ જરૂરી છે. રોગવાળાં ફળોનો નાશ કરવામાં આવે છે. ફૂલો બેસવાની શરૂઆત થાય ત્યારથી 0.07 % મૅલેથિયૉન અથવા 0.05 % લૅબેસિડનો છંટકાવ દર 15 દિવસના આંતરે કરવો જોઈએ. ફળ ઉતારવાના 8થી 10 દિવસ અગાઉ કોઈ પણ જાતની જંતુનાશક દવા છાંટવી જોઈએ નહિ.

રોગો : કોળાના વેલાનાં વિવિધ અંગોને થતા રોગો. આ રોગો મુખ્યત્વે ફૂગ (fungus) કે વિષાણુ(virus)ને લીધે થાય છે.

  1. ચાઠાં(ટપકાં)નો રોગ : Cladosporium cucumerinum ફૂગને લીધે આ રોગ થાય છે. આ રોગને કારણે પાંદડાં પર ટપકાં, થડ ઉપર બળિયા જેવાં ખરબચડાં અને ફળ ઉપર ગુંદરિયા રંગનાં ચાઠાં જોવા મળે છે. ભેજ અને ઉષ્ણતાવાળા વાતાવરણમાં આ રોગનો ફેલાવો થાય છે. પાકની ફેરબદલી કરીને, રોગપ્રતિકારક જાતોની વાવણી કરીને અથવા બીજની માવજત દ્વારા આ રોગને કાબૂમાં રાખી શકાય છે.
  2. કોળાનો તળછારો (downy mildew) : Pseudoperono-spora cubensis ફૂગને લીધે આ રોગનો ચેપ લાગે છે. આ રોગને લીધે પાંદડાંની ઉપલી સપાટીએ પીળા ડાઘા પડે છે. તેની નીચેની બાજુએથી રતૂમડી ફૂગી ઊગે છે. પરિણામે પાંદડાં સુકાઈ જાય છે જ્યારે ફળ નાનાં અને વણપોષાયેલાં રહે છે. ભેજયુક્ત અને ગરમ વાતાવરણમાં આ રોગનો ફેલાવો થાય છે. ઝાયનેબ કે તાંબાવાળી દવા છાંટવાથી આ રોગનો નાશ થાય છે.
  3. કોળાનો ભૂકી છારો (powdery mildew) : Erysiplae cichoracearum ફૂગ આ રોગનું કારણ છે. આ રોગને લીધે શરૂઆતમાં પાન ઉપરના ભાગમાં અને છેવટે આખાય વેલા ઉપર સફેદ-રાખોડી ફૂગીનો ઉગાવો જોવા મળે છે જ્યારે ફળ બદામી થઈને સુકાઈ જાય છે. સૂકું અને ઠંડું હવામાન આ ફૂગને માફક આવે છે અને રોગનો ફેલાવો થાય છે. કૅરાથાન ડબ્લ્યૂ. ડી. અને ઝાયનેબના છંટકાવથી રોગને કાબૂમાં રાખી શકાય છે.
  4. કોળાનો રંગીન ટીપકીવાળો રોગ : વિષાણુઓને લીધે કોળાને આ રોગનો ચેપ લાગે છે. આ રોગ કીટકોને લીધે પ્રસરે છે. આ રોગની અસર હેઠળ પાંદડાં અને ફળ ઉપર તરી આવતી રંગીન ટીપકી જોવા મળે છે; વેલાનો વિકાસ થતો નથી અને ઊગેલાં ફળ નાનાં રહે છે અને પીળાં પડી જાય છે.

ફળોનો સંગ્રહ : કોળાનાં ફળોનો 4થી 6 માસ સુધી સંગ્રહ થઈ શકે છે. 75 ટકા સાપેક્ષ ભેજ અને 15°થી 20° સે. તાપમાને સંગ્રહ કરવો જોઈએ. ફળોના ત્રણ વર્ષના સંગ્રહ-સંશોધન-અભ્યાસનાં પરિણામો ઉપરથી માલૂમ પડેલ છે કે : (1) સંગ્રહ દરમિયાન સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર થાય છે અને લાંબા સંગ્રહ બાદ તે પૂર્ણ થાય છે. (2) લણણી વખતે ફળમાં રહેલ કાર્બોદિત પદાર્થોના જથ્થામાં સંગ્રહના ત્રણ માસ બાદ 2 અને છ માસ બાદ અડધા ઉપરાંતનો ઘટાડો થાય છે. (3) સંગ્રહ દરમિયાન કુલ શર્કરાના પ્રમાણમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. (4) બટરનટ જાતમાં સુક્રોઝનું પ્રમાણ વધુ રહે છે. (5) પ્રોટીન તત્વમાં સાધારણ ઘટાડો અને સેલ્યુલોઝ તથા પેક્ટિન પદાર્થોમાં સાધારણ વધારો થાય છે.

ગુજરાતમાં તળપદી ભાષામાં કંટાળું તરીકે જાણીતા ભૂરા કોળાનો પાક પણ થાય છે. આ ફળ ઔષધીય ગુણો ધરાવતું પોષણક્ષમ છે.

કોળાના સુકાવેલ બીજના ખાંડમિશ્રિત ભૂકાના દિવેલ સાથેના જુલાબથી પેટમાંથી કૃમિ નીકળી જાય છે. બીજનો મધ સાથે પેશાબનાં દર્દો માટે પણ ઉપયોગ થાય છે. ફળના સૂકા માવાનો ઉપયોગ અંત:રક્તસ્રાવ તથા શ્વસનતંત્રના અવયવોની સુધારણા માટે થાય છે. ફળને અડીને આવેલ દાંડીના ભાગના ચૂર્ણનો મલમ જીવજંતુ તથા કાનખજૂરાના ડંખ ઉપર લગાવી શકાય છે.

તેના પાણીનો ઉપયોગ કેળના પાણીની માફક પાપડ અથવા મઠિયાંનો લોટ બાંધવામાં થાય છે. નવચંડી કે યજ્ઞ જેવા ધાર્મિક પ્રસંગોએ કંટાળું ‘બલિ’ તરીકે વપરાય છે. ભૂરા કોળાનું વાવેતર ચોમાસા દરમિયાન છૂટુંછવાયું થાય છે. ભૂરા કોળાની મીઠાઈ ‘પેઠા’ ઉત્તર ભારતમાં ખૂબ જાણીતી છે.

જ. પુ. ભટ્ટ

ભીષ્મદેવ કીશાભાઈ પટેલ