કોલ, જી. ડી. એચ. (જ. 1889; અ. 1958) : બ્રિટિશ ચિંતક અને મહાજન સમાજવાદ(guild socialism)ના પ્રવક્તા. મહાજન સમાજવાદના વ્યવહારમાં સક્રિય કામગીરી બજાવવા માટે કોલનું નામ જાણીતું છે.

જી. ડી. એચ. કોલ

તેમની દલીલ હતી કે યંત્રો અને મૂડી નિર્જીવ ચીજો છે તેમાં જીવંત કામદારનો શ્રમ ઉમેરાતાં વસ્તુ મૂલ્ય પ્રાપ્ત કરે છે. આમ, મૂલ્ય-સર્જનમાં કામદાર નિર્ણાયક છે. મજૂરો સંગઠિત બની પોતાની ઇજારાશાહી ઊભી કરે તો તેમના સંખ્યાબળ દ્વારા શોષણકર્તા માલિકોને દૂર કરી પોતાની પ્રભુતા સ્થાપી શકે. માત્ર હડતાળ, મજૂર મંડળોની રચના કે સંસદમાં ચૂંટાવા માત્રથી શોષણ અને દરિદ્રતા દૂર થશે નહિ. વધુમાં, ઉદ્યોગો રાજ્યહસ્તક મૂકવાથી તો અમલદારશાહીનું આધિપત્ય આવશે.

વિકલ્પમાં, રાજ્ય ભલે સહુને સ્પર્શતી કિંમતની બાબત તથા આવક ઉપર નિયંત્રણ રાખે, પણ સંકલન વગેરે કાર્યો રાજ્યહસ્તક રહેવાં જોઈએ.

કોલ માનતા હતા કે પગારપદ્ધતિને કારણે શોષણ થાય છે, વધુમાં, સંપત્તિ એકત્ર થતાં સંઘરાખોરી, વ્યાજખાઉ-વૃત્તિ વિકસે છે. તેના સ્થાને ઉદ્યોગોમાં સ્વશાસન સ્થપાતાં સામાજિક જવાબદારી વિકસશે. વર્તમાન લોકશાહીને તે વ્યવસાયી અને ઉદ્યોગવાર પ્રતિનિધિત્વને ધોરણે રચવાની હિમાયત કરે છે. કામદારોનાં મહાજનો ઉદ્યોગોનું સંચાલન કરશે અને રાષ્ટ્રીય મહાજનના અનુશાસનની મર્યાદામાં રહીને સ્વાયત્તતા ભોગવશે. મહાજનમાં ગ્રાહકો, વિતરકો તથા સ્થાનિક સ્વશાસનની સંસ્થાના પ્રતિનિધિઓ પણ હશે.

કોલે ‘હિસ્ટરી ઑવ્ સોશિયાલિસ્ટ થૉટ’ (6 ગ્રંથ), ‘સોશિયલ થિયરી’, ‘વર્લ્ડ ઑવ્ લેબર’, ‘સેલ્ફ ગવર્નમેન્ટ ઇન ઇન્ડસ્ટ્રી’, ‘સોશિયાલિઝમ રીસ્ટેટેડ’ વગેરે પુસ્તકો લખ્યાં છે.

જયંતી પટેલ