કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ

January, 2008

કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ (જ. 29 જૂન 1871, બુલઢાણા; અ. 1 જૂન 1934, પુણે) : વિખ્યાત મરાઠી લેખક. તે નાટકકાર, વિવેચક અને હાસ્યકાર હતા. મૂળ વતન રત્નાગિરિ જિલ્લાનું નેવરે ગામ. પિતા કૃષ્ણરાવ. શરૂઆતનું શિક્ષણ અકોલા ખાતે, જ્યાં તેમણે કિર્લોસ્કર નાટક મંડળીનાં નાટકો જોયાં હતાં. 1888માં મૅટ્રિક પાસ થયા. ઉચ્ચ શિક્ષણ પુણે તથા મુંબઈ ખાતે. બી.એ. (1891) અને એલએલ.બી.(1897)ની પરીક્ષાઓ પાસ કર્યા પછી વિદર્ભમાં વકીલાત શરૂ કરી. 1931માં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી.

બાળપણથી જ તેમને સાહિત્ય તેમજ નાટક પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. રમૂજી સ્વભાવ, શાસ્ત્રીય સંગીતનો ભારે શોખ, વાચનલેખનમાં રસ વગેરેના પરિણામે તેમના સાહિત્યિક જીવનનું ઘડતર થયું. વાઙ્મયસેવાનો પ્રારંભ તેમણે સંગીતનાટક ‘વિક્રમશશિકલા’ પર વિવેચનાત્મક લેખ લખીને કર્યો (1896). ‘સંગીત વીરતનય’ (1896) એ રંગમંચ પર ભજવાયેલું તેમનું પહેલું નાટક. તે પછી ‘મૂકનાયક’ (1901), ‘ગુપ્તમંજૂષ’ (1903), ‘મતિવિકાર’ (1907), ‘પ્રેમશોધન’ (1911), ‘વધૂપરીક્ષા’ (1914), ‘સહચારિણી’ (1918), ‘જન્મરહસ્ય’ (1918), ‘પરિવર્તન’ (1923), ‘શિવપાવિત્ર્ય’ (1924), ‘શ્રમસાફલ્ય’ (1929) તથા ‘માયાવિવાહ’ નાટકો લખ્યાં, જેમાંથી પ્રથમ આઠ રંગભૂમિ પર ભજવાયાં. વિધવાવિવાહ, વિધુરવિવાહ, મદ્યપાનનિષેધ, સ્ત્રીઓના સમાન હક જેવા સામાજિક વિષયો તેમણે નાટકોમાં ગૂંથવાને કારણે તેમનાં નાટકોએ મરાઠી રંગભૂમિ પર નવી ભાત પાડી. સંસ્કૃત અને અંગ્રેજી બંને ભાષાનાં નાટકોનો પ્રભાવ તેમના નાટ્યસર્જન પર ઓછાવત્તા પ્રમાણમાં પડેલો છે. 1896થી 1911નો ગાળો તેમનાં નાટકોનો વૈભવકાળ ગણાય છે. તેમની પદ્ય-રચનાઓએ મરાઠી રંગભૂમિના સંગીતને નવો ઓપ આપ્યો છે.

શ્રીપાદ કૃષ્ણ કોલ્હટકર

‘સાક્ષીદાર’ તેમનો પ્રથમ વિનોદી લેખ (1902) ‘સુદામ્યાચે પોહે’ તેમના વિનોદી લેખોનો સંગ્રહ છે (1910). તેમનું અન્ય લખાણ ‘કોલ્હટકરાંચા લેખસંગ્રહ’ (1932) નામથી પ્રકાશિત થયું છે, જેમાં નિબંધો, વિવેચનલેખો, વ્યાખ્યાનો વગેરેનો સમાવેશ થયો છે. ‘દુટપ્પી કી દુહેરી’ (1925) અને ‘શ્યામસુંદર’ (1925) નવલકથાઓ છે. તેમનો કાવ્યસંગ્રહ ‘ગીતોપાયન’ નામથી પ્રકાશિત થયો છે (1923). આ ઉપરાંત તેમણે ‘જ્યોતિર્ગણિત’ (1913) તથા ‘આત્મવૃત્તાંત’ (1935) ગ્રંથો લખેલા છે.

પુણે ખાતે 1922માં યોજાયેલ અખિલ ભારતીય કવિસંમેલનના, 1927માં યોજાયેલ અ. ભા. મહારાષ્ટ્ર સાહિત્યસંમેલનના વાર્ષિક અધિવેશનના તથા 1920માં સાંગલી ખાતે યોજાયેલ જ્યોતિષ સંમેલનના તે અધ્યક્ષ હતા.

ઉષા ટાકળકર

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે