કોરિન્થિયન ઑર્ડર : ગ્રીક સ્થાપત્યના સ્તંભોની રચનાનો એક પ્રકાર. રોમનકાળમાં તેનો પૂર્ણ વિકાસ થયેલો. તેની ટોચનો ભાગ ઊંધા ઘંટ જેવો હોય છે. પાંદડાની વચ્ચેથી એનું થડ જાણે કે ઉપરના ભાગને આધાર આપતું હોય એમ લાગે છે.

કોરિન્થિયન ઑર્ડર હેલેનિક ગ્રીક લોકોએ શોધ્યો. ગ્રીક સ્થાપત્યશૈલીમાં મુખ્યત્વે સ્તંભ અને પીઢિયાંનો ઉપયોગ થયેલો છે. તેમના સ્તંભોની રચના ત્રણ પ્રકારની હતી જેને તેઓ ‘ઑર્ડર’ કહેતા. ડૉરિક, આયોનિક તથા કોરિન્થિયન — એમ ત્રણ પ્રકારના ઑર્ડર વિકસાવેલા હતા. દરેક સ્તંભ ત્રણ ભાગમાં વિભક્ત હોય છે. ટોચના ભાગને માથોટી (શિરાવટી) અથવા કૅપિટલ કહે છે, વચ્ચેના ભાગને સ્તંભ અને નીચેના ભાગને ‘તળ’ (base) અથવા કુંભી કહે છે. કોરિન્થિયન ઑર્ડર આગલા બે કરતાં વધારે આકર્ષક બનાવેલ છે. તેની માથોટીના ભાગમાં આઠ એકન્થસનાં પાંદડાંની કોતરણી હોય છે. સ્તંભનું પરિમાણ 1:10 વ્યાસનું રાખવામાં આવેલું, જેથી તે વધારે પાતળો અને ઊંચો લાગે.

કોરિન્થિયન ઑર્ડર ધાર્મિક મકાનોમાં વધારે વપરાવા માંડ્યા હતા. આ બધા જ સ્તંભો પહેલાં તો લાકડાના બનાવાતા પરંતુ પાછળથી પથ્થરમાંથી બનાવવામાં આવેલા.

કોરિન્થિયન ઑર્ડર

તે વખતનાં ઘણાં મકાનો ફક્ત કોરિન્થિયન ઑર્ડર વાપરીને બાંધેલાં છે. આ ઑર્ડરનાં મુખ્ય મકાનો નીચે પ્રમાણે છે :

ઈ. પૂ. 450 – 425 B. C. એપિક્યુરસનું એપૉલોનું મંદિર.

ઈ. પૂ. 400 – B. C. ડેલ્ફીમાંનું થોલોસ

ઈ. પૂ. 48 – B. C. ઍથેન્સનું ટાવર ઑવ્ વિન્ડ્ઝ

મીનાક્ષી જૈન