કૉરિન્થ : પ્રાચીન ગ્રીસનું સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્ય. કૉરિન્થ ભૂશિર અને કૉરિન્થ નહેરના કાંઠે તે આવેલું છે. નવું કૉરિન્થ જૂના શહેરથી પૂર્વ તરફ 6 કિમી. દૂર છે અને ધરતીકંપમાં જૂના શહેરના નાશ પછી 1858માં ફરી તે બંધાયું છે. આ શહેર વેપાર અને વાહનવ્યવહારનું કેન્દ્ર છે. જૂના શહેરનાં ખંડેરો ઍથેન્સથી 80 કિમી. પશ્ચિમે છે.

કૉરિન્થ

તેની આબોહવા સમધાત છે. શિયાળામાં 10° સે. અને ઉનાળામાં 27° સે. તાપમાન રહે છે. વરસાદ શિયાળામાં પડે છે. ઉનાળો લાંબો અને સૂકો છે. ઘઉં, જવ, લીંબુ, નારંગી, બદામ, ઑલિવ, દ્રાક્ષ વગેરેનો આસપાસના પ્રદેશમાં પાક થાય છે. ફળો, દ્રાક્ષ અને તમાકુની નિકાસ થાય છે. લોકો ખેતી ઉપરાંત ઘેટાંબકરાં ઉછેરે છે તથા ખાદ્યઉદ્યોગ વિકસેલ છે. પ્રાચીન જગતનું તે સમૃદ્ધ શહેર હતું અને લોકોનું જીવનધોરણ ખૂબ ઊંચું હતું. પ્રાચીન કાળમાં તેની એક લાખની વસ્તી હતી. પરંતુ હાલમાં 38,132 (2011) જેટલી હતી.

નવા પાષાણ યુગથી ઈ. સ. પૂ. 3000 વર્ષથી અહીં લોકોનો વસવાટ હતો. ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં ભૂશિરની પટ્ટી પર બંધાયેલો માર્ગ તેના અંકુશ નીચે હતો. વ્યાપારી કેન્દ્ર હોવાને કારણે તેણે કૉરસાઇરા અને સિરેક્યૂઝ જેવી વસાહતો સ્થાપી હતી. ઈ. સ. પૂ. પાંચમી સદીમાં કૉરિન્થ સ્પાર્ટાના પક્ષે હતું જ્યારે ઈ. સ. પૂ. ચોથી સદી દરમિયાન તે ઍથેન્સનું મિત્ર હતું. ઈરાનના આક્રમણનો સામનો કરવા ગ્રીક નગરરાજ્યોની બેઠક ઈ. સ. પૂ. 481 અને 479માં કૉરિન્થમાં મળી હતી. આ જ રાજ્યમાં ઈ. સ. પૂ. 335માં ગ્રીક રાજ્યોએ ભેગાં મળી સિકંદરનું પ્રભુત્વ સ્વીકાર્યું હતું. ગ્રીસનાં પેલોપોનેશિયન યુદ્ધ કૉરિન્થ અને કૉરસાઇરા વચ્ચે ઈ. સ. પૂ. 431માં શરૂ થયું. ઈ. સ. પૂ. 146માં રોમનોએ તેનો નાશ કર્યો હતો. ત્યાર બાદ ઈ. સ. પૂ. 44માં તે ફરી અસ્તિત્વમાં આવ્યું હતું. રોમના સંસ્થાન તરીકે તે સમૃદ્ધ હતું. ત્યાં ઈ. સ. 57માં સેન્ટ પૉલે ખ્રિસ્તી દેવળ બાંધ્યું હતું. રોમન સામ્રાજ્યના ભાગલા બાદ તે બાયઝેન્ટાઇન સામ્રાજ્ય નીચે સમૃદ્ધ હતું. ક્રુઝેડરો, વેનિસ અને ઑટોમન તુર્કોના કબજા નીચે તે હતું. ત્યાં ખ્રિસ્તી, તુર્કી અને વેનિશિયન કાળનાં કેટલાંક મકાનો છે. 1458માં તુર્કસ્તાને તેને જીતી લીધા પછી તે સામાન્ય નાનું શહેર બની ગયું હતું. 1896થી જૂના શહેરનાં ખંડેરોનું ખોદકામ કરતાં એપૉલોના મંદિરના, મુખ્ય બજાર અને એક્રોકૉરિન્થના ગઢના અવશેષો અને સંખ્યાબંધ મકાનો મળી આવ્યાં છે.

જ. જ. જોશી