કોરાલી, જ્યૉ (Coralli Jean) (જ. 15 જાન્યુઆરી 1779, પૅરિસ, ફ્રાંસ; અ. 1 મે 1854, પૅરિસ, ફ્રાંસ) : પ્રસિદ્ધ ફ્રેંચ બૅલે નર્તક અને કોરિયોગ્રાફર. તેમના દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવેલ બૅલે ‘ગિઝેલ’ (Giselle) રંગદર્શી બૅલેનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે.

જ્યૉ કોરાલી

‘પૅરિસ ઓપેરા’માં કોરાલીએ નૃત્યની તાલીમ લીધી હતી. પોતાના નૃત્યનો પહેલો જલસો તેમણે 1802માં ત્યાં જ કર્યો. ત્યાર બાદ મિલાન, લિસ્બન અને મર્સાઇલમાં 1815થી 1824 સુધી પોતાના નૃત્યના તેમજ પોતે કોરિયોગ્રાફ કરેલાં નૃત્યોના જલસા કર્યા. 1825માં પૅરિસ પાછા ફરી સ્થિર થયા અને થિયેટર ઑવ્ પૉર્ટ સેંટ-માર્ટિનમાં બૅલેની કોરિયોગ્રાફી શરૂ કરી. 1841માં પ્રસિદ્ધ બૅલે-નર્તકી કાર્લોટા ગ્રિસી માટે ‘ગિઝેલ’ બૅલેની જુલે પેરોના(Jules Perrot)ના સહયોગમાં કોરિયોગ્રાફી કરી. ત્યાર બાદ 1836માં બૅલે ‘લા દિયાબલ બોઇત્યૂ’ (La Diable Boiteux), 1839માં ‘લા તારાન્તુલે’ (La Tarantule) તથા 1843માં બૅલે ‘લા પૅરિ’ની (La Peri) કોરિયોગ્રાફી તેમણે કરી હતી.

અમિતાભ મડિયા