કૉરિગન, મેઇરિયાડ મૅગ્વાયર (જ. 1944, બેલફાસ્ટ) : ઉત્તર આયર્લૅન્ડના શાંતિ આંદોલનના અગ્રણી સામાજિક કાર્યકર. ચૌદ વર્ષની ઉંમરે શાળાનો ત્યાગ કર્યો અને રોમન કૅથલિકોના ‘લીજિયન ઑવ્ મેરી’ સંગઠનમાં જોડાયા. બાળકલ્યાણ અને વિકાસપ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા.

મેઇરિયાડ મૅગ્વાયર કૉરિગન

ઑગસ્ટ 1976માં આયરિશ રિપબ્લિકન આર્મી(IRA)ના આતંકવાદીઓની એક મોટરગાડી પર બ્રિટિશ સૈનિકોએ ગોળીઓ છોડતાં વાહનચાલકે કાબૂ ગુમાવ્યો અને કૉરિગનની બહેનનાં ત્રણ બાળકો તેની અડફેટમાં આવી ગયાં. નિરપરાધ બાળકોનાં આવાં કરુણ મૃત્યુ માટે જવાબદાર આતંકવાદીઓની પ્રવૃત્તિઓ કૉરિગને વખોડી કાઢી તથા પડોશમાં રહેતી બેટી વિલિયમ્સ નામની મહિલાની મદદથી કૂચ કાઢી જેમાં ધીમે ધીમે લોકોની સંખ્યા વધતી ગઈ. અઠવાડિયા પછી 10,000 જેટલા માણસોએ વિશાળ સરઘસ કાઢી આતંકવાદને પ્રોત્સાહન આપતી તે વિસ્તારની બે સંસ્થાઓ – આયરિશ રિપબ્લિકન આર્મી (IRA) તથા અલ્સ્ટર ડિફેન્સ ઍસોસિયેશન (UDA)  સામે આંદોલન શરૂ કર્યું. આ આંદોલનને વ્યવસ્થિત ઘાટ આપવા માટે કૉરિગન અને બેટી વિલિયમ્સની પ્રેરણાથી કમ્યુનિટી ઑવ્ પીપલ્સ પીસ (CPP) નામે (જે પીપલ્સ પીસ ઑર્ગેનાઇઝેશન નામથી પણ ઓળખાય છે.) એક સંગઠન ઊભું કર્યું. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ અલ્સ્ટર વિસ્તારમાં નૃશંસ માનવસંહારને ઉત્તેજન આપતા જાતિગત (sectarian) વિગ્રહનો અંત લાવવાનો હતો. પરિણામે બેલફાસ્ટ તથા આજુબાજુના વિસ્તારમાં આતંકવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો. આતંકવાદવિરોધી અભિયાન માટે કૉરિગન તથા બેટી વિલિયમ્સને સંયુક્ત રીતે 1976નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું.

એપ્રિલ 1978માં કૉરિગને ‘કમ્યુનિટી ઑવ્ પીપલ્સ પીસ’ સંસ્થામાંથી રાજીનામું આપ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે