કોમલ, બલરાજ (જ. 1928, સિયાલકોટ, હાલ પાકિસ્તાનમાં) : ઉર્દૂના નામી લેખક. તેમના કાવ્યસંગ્રહ ‘પરિંદોં ભરા આસમાન’ને 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. દિલ્હી પ્રશાસનતંત્રના શિક્ષણ વિભાગમાં જોડાયા.

ઉર્દૂ સાહિત્ય-જગતમાં નામના પામેલા કોમલે 7 કાવ્યસંગ્રહો, ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ, સાહિત્યિક વિવેચનાનો એક ગ્રંથ, એક લઘુ નવલ તથા ભાષાંતરિત કૃતિઓ આપ્યાં છે. તેમને ‘સફર મુદમ સફર’ માટે 1971માં અને 1982માં ‘આંખે ઔર પાંવ’ માટે ઉત્તર પ્રદેશ ઉર્દૂ અકાદમીનો ઍવૉર્ડ તેમજ ‘હરિયાલી કા એક ટુકડા’ બદલ ભારત સરકારનો ઍવૉર્ડ મળ્યા છે. લખનૌ ખાતેની મીર અકાદમી તથા દિલ્હી ખાતેની ઉર્દૂ અકાદમી તરફથી કવિતા બદલ તેમને ઍવૉર્ડ્ઝ અપાયા છે.

પુરસ્કૃત કૃતિ તેમનો નવીનતમ કાવ્યસંગ્રહ છે. કાવ્યરૂપ વિશેની પ્રયોગાત્મકતા, સહજ અને પ્રચલિત ભાષાનો ઉપયોગ તેમજ કલ્પનોની અભિનવ તાજગી જેવી વિશેષતાઓને કારણે આ કૃતિ ઉર્દૂ સાહિત્યમાં ગણનાપાત્ર છે.

મહેશ ચોકસી