કોટેશ્વર (કચ્છ) : કચ્છમાં કોરી ખાડી ઉપર આવેલું બંદર અને તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન. 23o 41′ ઉ.અ. અને 68o 31′ પૂ.રે. : લખપત તાલુકાના નારાયણ સરોવરથી તે 1 કિમી. અને ભૂજથી 165 કિમી. દૂર આવેલ છે. કોટેશ્વરના શિવમંદિરનું એક મીટર ઊંચું લિંગ સ્વયંભૂ મનાય છે. દેવોએ તે રાવણ પાસેથી છળકપટથી પ્રાપ્ત કરેલ એવી કિંવદન્તી છે. જૂનું મંદિર સં. 1875ના જેઠ વદિ નોમના રોજ થયેલ ધરતીકંપને કારણે ધરાશાયી થતાં જેઠા શિવજી તથા સુંદરજી શિવજી સોદાગરે રાવ ભારમલના શાસનમાં તેનાં મંડપ, કોટ, ભંડાર, બેઠકની જગ્યા વગેરે બંધાવ્યાં હતાં. મંદિરનું સમગ્ર કામ સં. 1877ના મહા સુદ તેરસને દિવસે પૂર્ણ કર્યું હતું. લિંગ ઉપર ઘાનાં નિશાન છે. મંદિરનો પિત્તળનો નંદી રાવ દેશળજી પહેલાએ (1718-41) સ્થાપિત કર્યો હતો. જૂના મંદિરના એક પથ્થર ઉપરના લેખથી સૂચિત થાય છે કે જૂનું મંદિર ઘોલાયના કેરોએ બંધાવ્યું હતું. નવું મંદિર બાંધતી વખતે પૂર્વ તરફનો પાયો અકબંધ રાખી તેનું પશ્ચિમ તરફ વિસ્તરણ કરેલ છે. નજીકમાં ઉપર દર્શાવેલ ગૃહસ્થોએ કલ્યાણેશ્વરનું બીજું મંદિર બંધાવ્યું હતું. તેની નજીક કુંડ છે. લોકો અહીં સ્નાન કરી શ્રાદ્ધ કરે છે. નીલકંઠેશ્વરનું મંદિર લાખા ધુરારાની ગોહિલ રાણીએ તેરમી સદીમાં બંધાવ્યાનું કહેવાય છે. તેનો જીર્ણોદ્ધાર સુંદરજી સોદાગર અને દોલતગરજી ગોસાંઈએ કરાવ્યો હતો. કોટેશ્વરના નાથ સંપ્રદાયના સાધુ તેની પૂજા કરતા હતા.

કોટેશ્વર મંદિર, કચ્છ

આ સ્થળ એક સમયે બૌદ્ધ ધર્મનું મથક હતું. ચીની મુસાફર હ્યુએન સંગે (640 AD) તેનો Kie-tsi-fa-lo તરીકે ઉલ્લેખ કર્યો જણાય છે. તેના કથન મુજબ કોટેશ્વરનો ઘેરાવો 8 કિમી.નો હતો. સિંધુ નદી તથા અરબી સમુદ્રની નજીક તે હતું. ત્યાં 80 જેટલા બૌદ્ધ વિહારો હતા. તેમાં હીનયાન પંથના 5000 બૌદ્ધ સાધુઓ રહેતા હતા. આ શહેરમાં તેર મંદિરો હતાં. સૌથી મોટા શિવમંદિરની માહેશ્વરની મૂર્તિ ચમત્કારિક મનાતી હતી. તેની પૂજા ભસ્મધારી સાધુઓ કરતા હતા.

કોરી ખાડીના મુખથી અંદરના ભાગમાં 15 કિમી. દૂર કોટેશ્વરનું બારું આવેલ છે. તે કરાંચીથી સહુથી વધુ નજીક છે. સિંધ સાથે તેનો બહોળો વેપાર હતો. રેલવેની શરૂઆત પછી આ બંદરનો વેપાર ક્રમશ: ઘટ્યો હતો. 1962-63થી બંદરની આયાત-નિકાસ બંધ છે. તેમ છતાં પાનન્ધ્રોના લિગ્નાઇટની નિકાસ માટે સરકારે જેટી બાંધી છે. કોરી ખાડી અને નજીકની સીર ખાડી મચ્છીમારીનાં સમૃદ્ધ ક્ષેત્રો ધરાવે છે. મંદિરોને કારણે યાત્રાળુઓ માટેની કેટલીક ધર્મશાળાઓ આવેલ છે. આ સ્થળ ભારતના છેક પશ્ચિમ છેડા પરની જળસીમા અને ભૂમિસીમા ઉપર આવેલું હોવાથી તેનું લશ્કરી ર્દષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ છે. આ કારણે અહીં બી.એસ.એફ.નું waterwing તેમજ તટરક્ષક દળનું મુખ્ય સીમાન્ત રક્ષણ મથક છે.

શિવપ્રસાદ રાજગોર