કોકેસિયન ભાષાપરિવાર

January, 2008

કોકેસિયન ભાષાપરિવાર : દક્ષિણ-પશ્ચિમ રશિયામાં કાળા સમુદ્ર અને કાસ્પિયન સમુદ્ર વચ્ચે આવેલ પર્વતમાળા તે કોકેસસ. આ પર્વતમાળાને આધારે અહીં વસતા લોકો કો-કા-શૉન  કહેવાય છે. ‘ધોળી જાતિ’ (white race) અથવા ‘યુરોપિડ જાતિ’ (uropid race) તરીકે ઓળખાતા આ લોકો આધુનિક માનવોની સૌથી જૂની કડીરૂપ મનાય છે. આ લોકો મૂળ યુરોપ, પ. એશિયા અને ઉ. અમેરિકાના રહેવાસી ગણાય છે. કૉકેસિયન ભાષા બોલનારાઓની સંખ્યા લગભગ 50 લાખ ગણાય છે, જેમાં તુર્કી અને ઈરાનમાં વસતા કો-કા-શૉનનો પણ સમાવેશ થાય છે.

આ ભાષા-પરિવારની આશરે 35 ભાષા-બોલીઓની નોંધ વિદ્વાનોએ કરી છે. એના આધારે આ ભાષા-પરિવારને બે મુખ્ય શાખાઓમાં વહેંચી દેવામાં આવ્યો છે : ઉત્તર શાખા અને દક્ષિણ શાખા. ઉત્તર શાખાની વળી બે ઉપશાખાઓ છે : ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ. ઘણા વિદ્વાનો ઉત્તર અને દક્ષિણ શાખાની ભાષાઓ વચ્ચેના સંબંધ વિશે શંકા સેવે છે.

ભાષાવૈજ્ઞાનિક અને ઇતર સંશોધનો પ્રમાણે દક્ષિણ શાખા અને ઉત્તર-પશ્ચિમ ઉપશાખામાં ત્રણથી ચાર ભાષાઓ જ નોંધાઈ છે, જ્યારે ઉત્તર-પૂર્વ ઉપશાખામાં લગભગ 30 ભાષા-બોલીઓની નોંધ અને માહિતી મળે છે. મોટાભાગનાં ભાષા-બોલીઓનાં નામ બોલનાર જાતિ, અને ગામડાં તથા ભાષા-શાખાનાં નામ-સ્થળ ઉપરથી પડેલાં દેખાય છે.

દક્ષિણ કૉકેસિયન શાખા (કાર્તવેલિયન, ઇબેરિયાન) : આ શાખાની મુખ્ય ભાષાઓ છે જ્યૉર્જિયન, મિંગ્રેલો-લાઝ અને સ્વાન. (1934ના રશિયન આંકડા પ્રમાણે 22,48,566 બોલનારા.)

જ્યૉર્જિયન : જ્યૉર્જિયન 1992 પૂર્વેના રશિયાની રાજભાષા હતી જે લગભગ 30 લાખ લોકો બોલે છે. આ ભાષા બોલનારાઓ મોટા અને નાના કૉકેસસના નામે જાણીતા પશ્ચિમ અને મધ્યભાગના પ્રદેશ અને આલાઝાની નદીના પૂર્વ કિનારે વસે છે. તે સિવાય નાના કૉકેસસની દક્ષિણ-પશ્ચિમના નીચેના કુરા અને આરાક્સ ભાગમાં પણ આ ભાષા બોલનારા વસે છે. રાજકીય ર્દષ્ટિએ મોટાભાગના જ્યૉર્જિયન અગાઉના રશિયા પાસેના ઉત્તર આઝરબૈજાન અને ઉત્તર-પૂર્વ તુર્કી સુધી ફેલાયેલા છે. તે ઉપરાંત ઈરાનના ઇસ્પહાન પ્રદેશનાં ચૌદ ગામડાંમાં વસે છે.

આ ભાષામાં સૌથી જૂનું સાહિત્ય ઉપલબ્ધ છે. તેને પોતાની લિપિ છે. તેની સાહિત્યિક ભાષા કાર્તલિયન બોલી ઉપર આધારિત છે.

મિંગ્રેલિયન્સ (19262,84,834) : આ ભાષા બોલનારાઓ રિઓની નદીના ઉત્તર પ્રદેશ ને ત્સ્ખેનીસત્સ્કાલીના પૂર્વ પ્રદેશ જે રિઓની નદીના મુખ પાસે કાળા સમુદ્રકિનારાથી ઓચેમચીરી સુધી ફેલાયેલા છે તે સિવાય આબખાઝ એ.એસ.એસ.આર.નાં શહેરો ને આસપાસનાં ગામડાંઓમાં વસે છે. આ ભાષા લાઝની બહુ નિકટ છે. તેની કોઈ લિપિ નથી ને કોઈ સાહિત્ય નોંધાયું નથી.

લાઝ : 1945ના તુર્કીના આંકડા પ્રમાણે 46,987 બોલનારા ચોરોખ નદી અને કાળા સમુદ્રકિનારાના તુર્કીના પાઝાર પ્રદેશ સુધી ફેલાયેલા છે. આ ભાષામાં લિપિ-સાહિત્ય મળતું નથી.

સ્વાન : મળતી માહિતી પ્રમાણે આના બોલનારા (23,000) એલબ્રુસ પર્વતની બંને ખીણોની દક્ષિણે વસેલા છે. આ ભાષા મિંગ્રેલો-લાઝ અને જ્યૉર્જિયન ભાષાઓથી થોડી જુદી પડે છે. આ ભાષામાં કોઈ લિપિબદ્ધ સાહિત્ય મળતું નથી.

ઉત્તર કૉકેસિયન : ઉત્તર-પશ્ચિમ ઉપશાખા : (પશ્ચિમ કૉકેસિયન, આબાસગો-કેરકેનિયન, પોન્નિક) : મુખ્ય ભાષાઓ આબખાઝ, ઉબિખ, સિરકેસિયન છે.

આબખાઝ (192613,057) : મુખ્યતયા આબખાઝિયન એ.એસ.એસ.આર.માં બોલાય છે. તે સિવાય આ ભાષા પ્સોઉ અને ઇંગુરની વચ્ચે કાળા સમુદ્રના દક્ષિણ કિનારે આવેલી મુખ્ય કૉકેસસ પર્વતમાળાના પ્રદેશમાં બોલાય છે. આની બે બોલીઓ આબઝૂઈ અને તાપાન્તામાં લિખિત સાહિત્ય મળે છે. આબાઝા બોલનારા દ્વિભાષી છે, જે કાબારદિયન પણ બોલે છે. આબખાઝ એ.એસ.એસ.આર.માં જ્યૉર્જિયન ભાષા બધે ફેલાયેલી જોવા મળે છે. આબખાઝની પાંચ મુખ્ય બોલીઓને બે ભાગમાં વહેંચી શકાય : (1) બ્ઝીબ, આબઝૂઈ, સામુરઝાકાન, આશખારવા અને (2) તાપાન્તા. બીજી નોંધાયેલી બોલીઓ છે : ત્સેબેલદિન્ત્સી, દ્ઝિગેતિ, બેશીલબેઈ, તામ અને બારાકેઈ.

સિરકેસિયન : 1934ના રશિયાના આંકડા પ્રમાણે કાબારદિયન્સ બોલનારા 1,64,106 અને બીજી સિરકેસિયન ભાષા બોલનારા 87,973 છે. આ ભાષા-બોલીઓ બોલનારા કાબારદિયન એ.એસ.એસ.આર.ના પ્રદેશમાં ફેલાયેલા છે. પ્રદેશના આધારે આ ભાષાઓ ઉપલી સિરકેસિયન (કાબારદિયન) અને નીચલી સિરકેસિયનમાં વહેંચાયેલી છે. તેના આધારે ત્યાંની બોલીઓ ઉપલી સિરકેસિયન અથવા નીચલી સિરકેસિયન તરીકે ઓળખાય છે. અહીંની બોલીઓનાં નામ તે બોલી બોલનાર જાતિ પરથી પડ્યાં છે. દા.ત., આદિગેઈ > આદિગેઇત્સી, ચેરકસ > ચેરકેસી, કાબારદિયન > કાબારદિન્ત્સી વગેરે. કાબારદિન્સ્કી (ઉપલી) અને આદિગેઇત્સ્કી ઇઆઝિક (નીચલી) સાહિત્યિક ભાષાનો મોભો ધરાવે છે. આ ઉપશાખામાં બોલીનાં નોંધાયેલાં નામ આ પ્રમાણે છે. ઉપલી સિરકેસિયન : કાબારદિન અને બેસ લૈને. નીચલી સિરકેસિયન (કૈખ) : બ્ઝેદુખ-તેમિગોઈ (અથવા ચેમુગુઈ), શાપસુગ અને આબાદ્ઝેખ.

ઉત્તરપૂર્વ ઉપશાખા : (પૂ. કૉકેસિયન, ચેચેનો – લેઝગિયાન ચેચેનો – દાગેસ્તાનિયન, કાસ્પિયન) : આ ઉપશાખાની ભાષાઓને છ ભાગમાં વહેંચી શકાય. (1) વૈનાખ : (ઉત્તર મધ્ય કૉકેસિયન). બોલાતી ભાષા-બોલીઓ ચેચેન-ઇંગુશ અને બેત્સ. રશિયાના આંકડા પ્રમાણે (1939) ચેચેન બોલનારા 4,07,690; ઇંગુશ બોલનારા 94,074 અને બેત્સ બોલનારા (1926) 2,459 છે. આ ભાષાપ્રદેશમાં પહેલાંના તેરેકનો મધ્ય પ્રવાહ પ્રદેશ અને મુખ્ય કોકેસસ, અત્યારે અસ્તિત્વ ન ધરાવતો એવો ચેચેન-ઇંગુશ એ.એસ.એસ.આર.નો પ્રદેશ જે હાલ ક્રાઇ ગ્રોઝન્યીનો ભાગ ગણાય છે. ચેચેન અને ઇંગુશ બંને નજીકની અને સાહિત્યિક મોભો ધરાવતી ભાષાઓ છે. કારાબુલાક દ્વારા બોલાતી ખાસ બોલી બોલનારા તુર્કીમાં જઈ વસ્યા છે. બેત્સના બોલનારા કાખેસિયન આલાઝાની પ્રદેશમાં આવેલ ઝમો આલવાની નામના ગામમાં શિયાળો અને વસંત વિતાવે છે ને ઉનાળામાં ઉપલી કાખેસિયન આલાઝાની અને તુરા આલાઝાની નદીઓના પ્રદેશમાં સ્થળાંતર કરે છે. (2) આવરો-એન્દો-દિદો : (અ) આવાર; (બ) એન્દિ : ઉપવિભાગ – એન્દિ, બોતલિખ-ગોદોબેરી, કારાતા, બાગુલાલ, તિન્દી, ચામાલાલ, આખવાખ; (ક) દિદો. ઉપવિભાગ – ખ્વારશી, દિદો, કાપુચા-ખુનઝાખ-ગિનુખ અને (ડ) આર્ચી. આવાર (1926-1,58,922) : એન્દિ કોઈસુ અને આવાર કોઈસુના નીચલા ભાગમાં, થોડાઘણા એન્દિ કોઈસુનીના પશ્ચિમ ફાંટાઓના પ્રદેશમાં અને થોડા મુખ્ય કૉકેસિયન પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર વસેલા છે. આવાર સાહિત્યિક ભાષાનો દરજ્જો ભોગવે છે, જે ખુનઝાખ બોલી કે જેના ઉપર જૂની ‘બોલ મેત્સ’ (સૈન્ય ભાષા) આધારિત હતી, તેના પર આધારિત છે. આ ભાષા એન્દિ-દિદો પ્રદેશ સિવાય ત્સાખુર, આર્ચી, પ. લાક અને દાર્ગ્વા ભાગોમાં જાણીતી છે. આની મુખ્ય બોલીઓ છે – ખુનઝાખ, ગિદાત્લ – આંદાલાલી – કારાખ, અન્તસુખ અને ચાર. એન્દિ : (1926 – 7,720) ઉ. એન્દિસ્કોએ કોઈસુ અને તેના પૂર્વી વળાંકના પ્રદેશમાં આ ભાષા બોલનારા ફેલાયેલા છે. બોતલિખ : (1926 – 2,789) એન્દિસ્કોએ કોઈસુના ઉ. વળાંક અને દ.પ. એન્દિ પ્રદેશમાં બોલાય છે. બોતલિખ અને ગોદોબેરી બંને એક જ ભાષાની બોલીઓ ગણાય છે. ગોદોબેરી : (1926 – 1,425) એન્દિસ્કોએ કોઈસુના ઉ.પ. વળાંક અને બોતલિખના પ. પ્રદેશમાં બોલાય છે. કારાતા : (1926 – 5,303) એન્દિસ્કોએ કોઈસુના દ. વળાંક આઉલ્સ (auls), કારાતા, આર્ચી, આન્ચિખ, તોકિતા, માશતાદા, રાચાબાલ્દા, ચાબાકોરોના પ્રદેશમાં બોલાય છે. બાગુલાલ : (1926 – 3,053) એન્દિસ્કોએ કોઈસુનો દ. વળાંક અને કારાતાના દ. પ્રદેશમાં બોલાય છે. તેન્દિ : (1926 – 3,704) આઉલ્સ તિન્દિ, તિસિ, ઍચેહા, અને આખનાદાના પ્રદેશમાં બોલાય છે. ચામાલાલ : (1926 – 3,438) એન્દિસ્કોએ કોઈસુનો પૂ. પ્રદેશ, વળાંક નીચેનો ભાગ, આઉલ્સ વેરખ્ની ગાકવારી(નાં બધાં ગામડાં), નિઝની ગાકવારી(નાં બધાં ગામડાં), આગવાલિ ત્સુમાદા, ત્સુમાદા-ઉરુખ, રિચાગાનિક ગાદીરિ(નાં બધાં ગામડાં), ગાચિત્લ, ગિગાત્લ(નાં બધાં ગામડાં) અને કવાન્ખિ પ્રદેશમાં બોલાય છે. નોંધાયેલી બોલીઓ આ પ્રમાણે છે : (1-અ) ગાકવારિ (+ આગવાલિ, ત્સુમાદા, ત્સુમાદા-ઉરુખ, રિચાગાનિક), (1-બ) ગાદીરિ (+ ગાચિત્લ) અને ક્વાન્ખિ. (2) ગિગાત્લ. આખવાખ : (1926 – 3,683) : આવારસ્કોએ કોઈસુ અને એન્દિસ્કોએ કોઈસુનો વચ્ચેનો પ્રદેશ, અને બંનેના પૂર્વી વળાંકનો પ્રદેશ આનો પ્રદેશ ગણાય છે. ખવાર્શી (ખ્વાર્શી) (1926 – 1,018) : પહેલાંનો એન્દિસ્કોએ કોઈસુના દક્ષિણ ફાંટાનો પ્રદેશ અને બાગુલાલનો દક્ષિણ-પશ્ચિમ પ્રદેશ આનો પ્રદેશ ગણાય છે. દિદો (1926 – 3,198) : ઉપરી એન્દિસ્કોએ કોઈસુનો દક્ષિણ પ્રદેશ. કાપુચા (1926 – 1,448) : આવારસ્કોએ કોઈસુનો તટપ્રદેશ. કાપુચા, ખુનઝાલ (1926 – 129) અને ગિનુખ (200) એક જ ભાષાની 3 બોલીઓ ગણાય છે. આમાંની ખુનઝાલ આઉલ્સ ખુનજીબ અને ગારબુત્લમાં અને ગિનુખ આઉલગિનુખ અને રેયૉન ત્લિઆરાતામાં બોલાય છે. ગિનુખ બોલનારા મોટાભાગના 1949માં રેયૉન વેદેનોમાં સ્થળાંતર કરી ગયા છે. આર્ચી (1926 – 859) : ખાતાર નદી પર આવેલ આઉલ રુચ – આર્ચી અને રેયૉન ચારોદામાં બોલાય છે. (3) લાક (1955 – 55,000ની ઉપર) : ઉપલી ત્લેઉસેરાખનો તટપ્રદેશ, ખાતાર અને કાઝીખુમુખ્સ્કોએ કોઈસુનો પ્રદેશ અને 1944થી એન્દિના તળેટીનો પ્રદેશ દાગેસ્તાન એ.એસ.એસ.આર.ની આ સાહિત્યિક ભાષા છે. આની લિખિત ભાષા કુમુખ બોલી પર આધારિત છે. દાર્ગ્વા (1926 – 1,07,645) : કાઝી ખુમુખ્સ્કોએ કોઈસુ વચ્ચેના નીચલા પર્વતો અને ઉલ્લા-ચાઇના પ્રદેશમાં બોલાય છે. આ ભાષા સાહિત્યિક દરજ્જો ધરાવે છે ને તેની લિખિત ભાષા આકુશા બોલી પર આધારિત છે. મુખ્ય બોલીઓ છે : આકુશા-ઉરાખા અને ત્સુદાખાર (તેની ઘણી બોલીઓ). કૈતાક અને કુબાચી હવે દાર્ગ્વાની બોલીઓ ગણાય છે. કૈતાક (1926 – 14,469) દાર્ગ્વા અને તાબાસારાન વચ્ચેના ઉલ્લા-ચાઇના તટપ્રદેશમાં બોલાય છે. કુબાચી (1926 – 2,490) આઉલ-કુબાચી પ્રદેશમાં બોલાય છે. (4) સામુરિયન (લેઝગિયાન, આગુલ, રુતુલ, ત્સાખુર, તાબાસારાન, બુદુખ, દ્ઝેક). લેઝગિયન : (1926 – 1,64,763) ગિઉલગેરિ-ચાઈનો તટપ્રદેશ, સામુર અને શાખ-નાબાદ નદીઓનો મધ્ય અને નીચલો પ્રદેશ સાહિત્યિક ભાષાનો મોભો ધરાવે છે. તેની લિખિત ભાષા કિઉરી ઉપર આધારિત છે. આની ત્રણ મુખ્ય બોલીઓ છે  કિઉરિ, આખ્તિ, કુબા, આગુલ (1926 – 7,653) : કુરાખ-ચાઈનો ઉપરી તટવિસ્તાર અને ગિઉલગેરિ, ચાઈનો પ્રદેશ. બે મુખ્ય બોલીઓ છે  આગુલ અને કોચાન રુતુલ : (1926 – 10,356). સામુર અને કારા-સામુરનાં ગામડાં  ત્સાખુર (1926 – 10,951) : સામુર તટપ્રદેશનો કારાસામુર તરફનો પશ્ચિમ ભાગ અને એલિસુ પ્રદેશમાં આવેલ કૉકેસસનો દક્ષિણ ઢોળાવનો પ્રદેશ. તાબાસારાન (1926 – 29,726) : ઉપરી રુબાસ-ચાઈ અને ઉપરી ચિરાખ-ચાઈનો તટપ્રદેશ. સાહિત્યિક મોભો ધરાવતી ભાષા છે. લિખિત ભાષા દક્ષિણ બોલી પર આધારિત છે. આની મુખ્ય બોલીઓ છે  ઉત્તરી અને દક્ષિણી તાબાસારાન. બુદુખ : (1926 – 1,995) શાખદાગ પર્વત પ્રદેશ અને કારા-ચાઈનો ઉપરી તટપ્રદેશ. દ્ઝેક (1926 – 4,348; દ્ઝેક + ક્રીઝ + ખાપુત) : શાખદાગ પર્વત પ્રદેશ, કુદિઆલ- ચાઈનો ઉપરી તટપ્રદેશનો જમણો પ્રદેશ, તે ઉપરાંત ખાચમાસ પ્રદેશમાં આવેલ કાસ્પિયન કિનારાની વસાહતો. (5) ખિનાગુલ (1926 – 1,540) : શાખદાગ પ્રદેશ અને કુદિઆલ-ચાઈનો ઉપરી ભાગનો જમણા ફાંટાનો આઉલ-ખિનાલુગ પ્રદેશ. (6) ઉદિ (1926 – 2,762) : વાર્તાશેન અને નિદ્ઝ ગામડાંનો પ્રદેશ. ઓકતેમ્બેરિની ક્રાન્તિ પહેલાં ઉદિ લેખિત રૂપમાં હોવા છતાં, આઝેરિને સાહિત્યિક દરજ્જો મળ્યો હોવાથી, આ ભાષાને સાહિત્યિક ભાષાનો મોભો મળ્યો નથી.

ભાષાગત વિશેષતાઓ : કૉકેસિયન (ઉ. અને દ. શાખા) ભાષાઓની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે : ઉત્ક્ષેપ પદ્ધતિ, કારક પદ્ધતિ અને ઇરિગેટિવ રચના. તે ઉપરાંત દક્ષિણ શાખાની બોલીઓમાં શબ્દના આરંભે છ વ્યંજનોના જોડાક્ષરો મળે છે. આ ભાષાઓમાં વ્યાકરણિક લિંગનો અભાવ છે. નિશ્ર્ચયાત્મક અને અનિશ્ચયાત્મક ઉપપદ(articles)નો અભાવ છે. ઇન્ડો-યુરોપિયન ભાષાઓની શબ્દનાં રૂપોમાં સ્વર-પરિવર્તનની (ablant) પદ્ધતિ અહીં જોવા મળે છે. ઉત્તરની બંને ઉપશાખાઓમાં સંજ્ઞા-વર્ગ ‘માનવી : અમાનવી’ના આધારે શબ્દોના વિભાગ કરે છે, જે આગળ જતાં ફરી સ્ત્રી અને પુરુષ વર્ગમાં વર્ગીકૃત થાય છે. બંને ઉપશાખાઓની ભાષામાં, ઔષ્ઠ્ય, ભારયુક્ત ને નબળા ઘોષ-અઘોષ વ્યંજનો જોવા મળે છે. ઉ.પ.ની ભાષાઓની એક મહત્વપૂર્ણ વિશેષતા છે વ્યંજનોનું બેવડાવું. આ ભાષામાં 70-80 વ્યંજનો અને ફક્ત બે સ્વરોનો ઉપયોગ જોવા મળે છે. તેની સરખામણીમાં ઉ.પૂ.ની ભાષાઓમાં વ્યંજનવ્યવસ્થા સાદી છે પણ સ્વરોમાં દીર્ઘ, અનુનાસિક અને કંઠ્ય સ્વરોનો ઉપયોગ થાય છે.

નોંધ : મેરરિટટ રુહલેનના પુસ્તક પ્રમાણે (1975) ઉ.પ.ના બોલનારા પંદર લાખ છે. તે આ પ્રમાણે વહેંચી શકાય – સિરકેસિયન (2,75,000), ચેચેર (6,00,000), આવાર (4,00,000) અને લેઝઘિયાન (2,20,000).

ઉષા નાયર