કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો

January, 2008

કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો (1974) : જાણીતું ગુજરાતી નાટક. લેખક મધુ રાય. પ્રચ્છન્ન અપરાધ, વિશિષ્ટ સજા અને વિષમ પરિસ્થિતિમાં પ્રવર્તતા માનવમનને ર્દશ્ય રૂપે રંગભૂમિ પર રજૂ કરતું આ ચતુરંકી નાટક વીસમી સદીના સાતમા દશકનું સીમાસ્તંભરૂપ નાટક ગણાય છે. મંચનપ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલ મધુ રાયની આ નાટ્યકૃતિની અમદાવાદની ‘દર્પણ’ નાટ્યસંસ્થા દ્વારા રજૂઆત ગુજરાતી રંગભૂમિનો યાદગાર પ્રસંગ બની ગયેલ છે. આ નાટકમાં માનવીય સંબંધોનાં આભાસી અને અસલી રૂપોનું અસ્તિત્વ અને અસ્મિતા ટકાવી રાખવા એક સ્ત્રીની મથામણનું, ભ્રમને સત્ય તરીકે ગળે ઉતારવાની વૃત્તિ-પ્રવૃત્તિનું, નાટકને જીવન અને જીવનને નાટક માનતી એક યુવતી(કામિની)ના પાત્રનું, અને એના દ્વારા સર્જાયેલી શેખર ખોસલાની પુરાકથા(મિથ)નું અતિઆકર્ષક નિરૂપણ થયું છે. નાટકમાં નાટક, અંદર-બહાર બે તખ્તા, પાત્રો પાસે કેફિયત કરાવતી અદાલત, ન્યાયાધીશને સ્થાને પ્રેક્ષકોને મૂકતી નાટ્યયુક્તિ વગેરે કલાકરામતોને, હાસ્ય, જિજ્ઞાસા, સમસ્યા વગેરેની નાટ્યગતિ દ્વારા, નાટ્યોચિત પ્રસંગો-સંવાદોમાં નિરૂપવામાં મધુ રાયે ભારે સફળતા મેળવી છે. જોકે, ક્યાંક ક્યાંક અતિનાટકીયતા એના વિચારોત્તેજક નાટ્યમાળખાની અભિવ્યક્તિમાં અવરોધરૂપ બને છે, પરંતુ સંઘર્ષગર્ભ ઘટનાઓ, સુગ્રથિત આયોજન અને સંકુલ પાત્રાલેખન એની ઊણપોને ઢાંકી દે છે. ગુજરાતી રંગભૂમિના આધુનિક ઉત્તમ નાટક તરીકે એ ઉચિત રીતે લોકાદર પામ્યું છે. લેખકે આ નાટક ઉપરથી ‘કામિની’ નવલકથા લખી છે. હિન્દી અને અન્ય ભાષાઓમાં પણ તેની રજૂઆત થઈ છે.

હસમુખ બારાડી