કૉર્નેલ, એરિક એ. (જ. 19 ડિસેમ્બર 1961) : બોઝ આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ (condensate) તરીકે ઓળખાતી દ્રવ્યની નવી સ્થિતિના શોધક અને 2001ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કાર-વિજેતા.

એરિક એ. કૉર્નેલ

તેમણે બી.એસસી. અને 1990માં એમ.આઇ.ટી.(Massachusetts Institute of Technology)માંથી ભૌતિકવિજ્ઞાનના વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી.

લેસર પ્રકાશમાં બધા જ કણો એકસરખી ઊર્જા ધરાવતા હોય છે અને તે બધા એકસાથે દોલન કરતા હોય છે. દ્રવ્યને આ રીતે નિયંત્રિત કરવા માટે શોધકો સામે વર્ષોથી પડકાર હતો. 2001માં કૉર્નેલ અને તેમના નોબેલ પુરસ્કારના સહભાગી કેટેર્લી(Ketterle)એ તે શક્ય કરી બતાવ્યું. તેમણે પરમાણુઓનું સ્વરૈક્ય (singing unision) શક્ય કરી બતાવ્યું. તે રીતે તેમણે દ્રવ્યનું નવું સ્વરૂપ બોઝ આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ (B.E.C.) શોધી કાઢ્યું.

1924માં ભારતીય વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝે પ્રકાશના કણોને લગતી સૈદ્ધાંતિક ગણતરી કરી બતાવી. તેને આધારે આઇન્સ્ટાઇને આગાહી કરી કે વાયુમાં પરમાણુઓને અતિ નીચા તાપમાન સુધી ઠંડા પાડી શકાય તો બધા જ પરમાણુઓ શક્ય એટલી ન્યૂનતમ ઊર્જાસ્થિતિમાં ભેગા થઈ શકે. વાયુમાંથી પ્રવાહી બુંદ બનવાની પ્રક્રિયા જેવી જ આ ઘટના છે. આથી તે સંઘનિત દ્રાવ (condensate) કહેવાય છે. બોઝની સૈદ્ધાંતિક ગણતરી બાદ 70 વર્ષે આ ઘટના પ્રયોગશાળામાં સંભવિત બની.

કૉર્નેલ અને તેમના નોબેલ પુરસ્કારના સહભાગી વાઇમૅન (Wieman) 20nk (નેનોકેલ્વિન) જેટલા અતિ નિમ્ન તાપમાને રુબિડિયમના 2000 પરમાણુઓનું શુદ્ધ સંઘનિત દ્રાવ તૈયાર કર્યું.

કૉર્નેલ 1985માં સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. તેઓ 1992થી આજ લગી, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્ટાન્ડર્ડ્ઝ ઍન્ડ ટૅક્નૉલૉજી(NIST)ના અને કૉલોરાડો યુનિવર્સિટી(બોલ્ડર)ના ફેલો, વરિષ્ઠ વૈજ્ઞાનિક, ભૌતિકશાસ્ત્ર-વિભાગના સહપ્રાધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યા છે. 1992-95 સુધી તેમણે તે જ વિભાગમાં સહાયક પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1990-1992 દરમિયાન જૉઇન્ટ ઇન્સ્ટિટ્યૂટ ફૉર લૅબોરેટરી ઍસ્ટ્રૉફિઝિક્સ(બોલ્ડર)માં પોસ્ટ ડૉક્ટરેટ સંશોધન કર્યું. રોલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ, કૅમ્બ્રિજમાં 1990ના સમયમાં પોસ્ટ ડૉક્ટરેટનું કાર્ય કર્યું.

તેમણે ઘણાંબધાં માન-સન્માન, પદકો, ચંદ્રકો મેળવ્યાં છે. તેમાં નૅશનલ સાયન્સ ફાઉન્ડેશન ગ્રૅજ્યુએટ ફેલોશિપ (1985-88); શ્રેષ્ઠ પૂર્વસ્નાતક સંશોધન માટે ફાયરસ્ટોન ઍવૉર્ડ (1985); NISTનો સેમ્યુઅલ વેસ્લી સ્ટ્રેટોન ઍવૉર્ડ (1985); અમેરિકન ઍસોસિયેશન ફૉર ધી ઍડ્વાન્સમેન્ટ ઑવ્ સાયન્સનું ન્યુકોમ્બ ક્લીવલૅન્ડ ઇનામ (1995-96); વિજ્ઞાન અને ઇજનેરીમાં પ્રેસિડેન્શિયલ અર્લી કેરિયર ઍવૉર્ડ (1996); ડિપાર્ટમેન્ટ ઑવ્ કૉમર્સનો સુવર્ણચંદ્રક (1996); નિમ્ન તાપમાન ભૌતિકવિજ્ઞાન માટેનું ફ્રિટ્ઝ-લંડન પારિતોષિક (1996); નૅશનલ સાયન્સ ફાઉન્ડેશન એલન. ટી વૉટરમૅન ઍવૉર્ડ (1997); વિજ્ઞાનમાં કિન્ગ ફૈઝલ ઇન્ટરનૅશનલ ઇનામ (1997); અમેરિકન ફિઝિકલ સોસાયટીનું આઇ. આઇ. રબી ઇનામ (1997); રૉયલ નેધરલૅન્ડ્ઝ એકૅડેમી ઑવ્ આર્ટ્સ અને સાયન્સનો લૉરેન્ટ્ઝ મેડલ (1998); ભૌતિકશાસ્ત્રનો બેન્જામિન ફ્રેન્કલિન મેડલ(1999)નો સમાવેશ થાય છે.

કૉર્નેલ અને કેટેર્લીનું B.E.C. ઉપરનું કાર્ય સીમાચિહ્નરૂપ છે. તેમના સંશોધનથી વિવિધ ફળદાયી ઉપયોગોના વિસ્તારની દિશાઓ ખૂલી છે.

આશા પ્ર. પટેલ