કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (C.I.S.) : સોવિયેટ સંઘ- (Union of Soviet Socialist Republic – U. S. S. R.)ના વિઘટન (1991) પછી અસ્તિત્વમાં આવેલો રાષ્ટ્રસમૂહ. 1917ની બૉલ્શેવિક ક્રાન્તિ પછી સામ્યવાદી વિચારસરણી ઉપર પ્રતિષ્ઠિત થયેલા અને બીજા વિશ્વયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી અમેરિકા પછી બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરનાર સોવિયેટ સંઘનું 74 વર્ષ પછી થયેલું ઝડપી અને નિર્ણાયક વિઘટન વીસમી સદીના છેલ્લા દસકાનો એક અભૂતપૂર્વ, ગંભીર અને મહત્વનો બનાવ છે. આ ઘટનાના પરિણામે માત્ર રશિયા અને પૂર્વ યુરોપમાં જ નહિ પણ સારીયે દુનિયાના રાજકારણમાં આમૂલ પરિવર્તન આવ્યું. 1985માં ગૉર્બાચૉવના આગમન પછી ઠંડા યુદ્ધનાં વળતાં પાણી શરૂ થઈ ગયાં હતાં. પણ સોવિયેટ સંઘના વિઘટન પછી તેનું જાણે કે હંમેશના માટે દફન થઈ ગયું.

સોવિયેટ સંઘની છેલ્લાં 74 વર્ષની સિદ્ધિઓ લક્ષમાં લઈએ તો તેના વિઘટનની ગંભીરતાનો ખ્યાલ આવે છે. સોવિયેટ સંઘ પાસે દુનિયામાં સૌથી મોટું લશ્કર (40 લાખ) હતું. શસ્ત્રોની સંખ્યા અને વિવિધતામાં તે અમેરિકાની બરોબરીએ પહોંચ્યું હતું. તેલ, સુવર્ણ, હીરા અને પ્લૅટિનમનો સૌથી મોટો જથ્થો તેની પાસે હતો. 1957માં બૉલ્શેવિક ક્રાન્તિને 40 વર્ષ થતાં સોવિયેટ સંઘના વૈજ્ઞાનિકોએ પહેલો ઉપગ્રહ ‘સ્પુટનિક’ અંતરીક્ષમાં તરતો મૂકેલો. દેશની કુલ રાષ્ટ્રીય આવક 1.2 ટ્રિલિયન ડૉલરની હતી, જેમાંથી 25 % એટલે કે 180 અબજ ડૉલર સંરક્ષણ પાછળ ખર્ચવામાં આવતા હતા.

1945 પછીના દ્વિધ્રુવી (bi-polar) રાજકારણમાં સોવિયેટ સંઘ અમેરિકાના શક્તિશાળી પ્રતિસ્પર્ધી તરીકે ઊપસી આવ્યો હતો. તેની વિદેશનીતિ અને વિચારસરણીના આધારે તે મહા-સત્તા તરીકે ત્રીજી દુનિયાનાં ઘણાં રાષ્ટ્રોમાં પ્રભાવક સ્થાન ધરાવતો હતો.

પરંતુ સંરક્ષણ પાછળના અમર્યાદ ખર્ચને કારણે દેશ ટૅક્નૉલૉજીના વિકાસમાં તેમજ આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ અને વિકાસ સાધવામાં સફળ રહ્યો નહિ. ખેતીના ક્ષેત્રે ઉત્પાદન ઘટતું રહ્યું, આર્થિક પ્રગતિનો દર ધીમો પડ્યો અને વધુ પડતા કેન્દ્રીકરણના કારણે વહીવટ શિથિલ બન્યો. સામ્યવાદી પક્ષના અબાધિત આધિપત્ય અને નોકરશાહીની પકડના કારણે ભ્રષ્ટાચાર વધતો રહ્યો. દેશની કુલ આવકના 85 % રાજ્યહસ્તક હતા. 90 % જમીન રાજ્યના કબજામાં હતી, જેમાં લોકોનાં ઘરોનો પણ સમાવેશ થતો હતો.

સોવિયેટ સંઘની આર્થિક-રાજકીય પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા 1985થી સત્તા ઉપર આવેલા મિખાઈલ ગૉર્બાચૉવે સંરક્ષણ ખર્ચમાં મોટો ઘટાડો કરવાનું અને તેની સફળતા માટે અમેરિકા સાથે શાન્તિની નીતિ અનુસરવાનું તેમજ દેશના રાજકારણ અને અર્થકારણમાં મૂળભૂત પરિવર્તન લાવવાનું બીડું ઝડપ્યું. આ પ્રયત્નમાંથી તેમની ‘પેરેસ્ટ્રૉઇકા’ (નવરચના) અને ‘ગ્લાસનૉસ્ટ’(ખુલાવટ, મુક્ત વાતાવરણ)ની નીતિનો જન્મ થયો. આ ઉપરાંત નવા વૈશ્વિક પ્રશ્નો વિશે ગૉર્બાચૉવ સજાગ હતા. પર્યાવરણ (પ્રદૂષણ તેમજ કુદરતી સાધનસંપત્તિની વરતાતી અછત), આતંકવાદ, ગરીબી, વસ્તીવિસ્ફોટ, ‘એઇડ્ઝ’ વગેરેને હલ કરવા માટે એકલે હાથે કોઈ દેશ સક્ષમ ન હતો. તેને માટે વૈશ્વિક ધોરણે સહકાર સાધવો અનિવાર્ય હતો. આ ર્દષ્ટિબિંદુ પણ શાંતિ અને નિ:શસ્ત્રીકરણની દિશા બતાવતું હતું. લશ્કરી તાકાતથી તે હલ થઈ શકે તેમ ન હતું.

ટૂંકમાં રશિયાની નિર્બળ બનતી આર્થિક સ્થિતિ, ટૅક્નૉલૉજીનો રૂંધાયેલો વિકાસ, સામ્યવાદી પક્ષ, નોકરશાહી, લશ્કર અને ગુપ્તચર સંસ્થા તેમજ સરકારી વર્તમાનપત્રોના ચતુર્વિધ દબાણ નીચે કચડાયેલો સમાજ અને નવા વૈશ્વિક પ્રશ્નોના સંદર્ભમાં ગૉર્બાચૉવની નીતિ પાછળનાં પરિબળો જોઈ શકાય છે.

કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ

પશ્ચિમના માર્ગે જવા માટે મુક્ત સાહસ અને બજારના અર્થતંત્રની ભૂમિકા ઉપર રશિયાને મૂકવાની જરૂર હતી. પણ તેમ કરવા માટે વિચારોનું મુક્ત વાતાવરણ, વિચારવિનિમય, મોકળાશ અને ખુલાવટ- (ગ્લાસનૉસ્ટ)ની જરૂર હતી. ગ્લાસનૉસ્ટ દ્વારા નવરચના(પેરેસ્ટ્રૉઇકા)નાં મંડાણ કરવાનાં હતાં. આ દ્વિવિધ મોરચામાં જેટલી સફળતા ગ્લાસનૉસ્ટને મળી તેટલી દેખીતી રીતે જ પેરેસ્ટ્રૉઇકાને મળી નહિ.

જેટલી સરળતાથી પ્રજાએ સ્વાતંત્ર્ય સ્વીકાર્યું, જે ત્વરાથી અને ઉત્સાહથી ચર્ચાઓ થવા લાગી તેટલી કાર્યક્ષમતાથી નવા અર્થતંત્ર તરફ જઈ શકાયું નહિ. ચીજવસ્તુઓની અછત ઊભી થઈ, ભાવો બેસુમાર ઊંચકાયા, ગુનાઓનું પ્રમાણ બેહદ વધ્યું તથા કાયદો અને વ્યવસ્થા કથળ્યાં. રાજ્યાશ્રિત રહેવાને ટેવાયેલા પ્રજાજનો માટે નવી અર્થનીતિ આઘાતજનક હતી. અસંતોષ વધ્યો અને મતમતાંતરને કારણે સમાજ વિભાજિત બન્યો.

પરિવર્તનની જે પ્રક્રિયા ગૉર્બાચૉવે શરૂ કરી તેની ગતિવિધિ એકંદરે આવકાર્ય રહી પણ તેનાં અણધાર્યાં પરિણામ પણ આવ્યાં. એકંદરે નવી પેઢી અને યુવાવર્ગ સુધારાને ટેકો આપતાં હતાં. જ્યારે પીઢ નેતાગીરી તેમની વિરુદ્ધ હતી. ગૉર્બાચૉવની નીતિ સાવચેતીભરી અને સમાધાનકારી રહી. તે સાથે બંને પલ્લાંમાં પગ રાખવાની નીતિની મર્યાદાઓ સ્પષ્ટ થવા લાગી. ગૉર્બાચૉવ અને યેલ્ત્સીન વચ્ચેના મતભેદો વધતાં ગૉર્બાચૉવે તેમને દૂર કર્યા. 1985માં ગૉર્બાચૉવે યેલ્ત્સીનને મૉસ્કોના સામ્યવાદી પક્ષના નેતા તરીકે નીમ્યા હતા. 1987માં ગૉર્બાચૉવે તેમને દૂર કર્યા. 1990ની પહેલી લોકશાહી ચૂંટણીમાં યેલ્ત્સીન કાગ્રેસ ઑવ્ પીપલ્સ ડેપ્યુટીઝમાં ચૂંટાઈ આવ્યા. ત્યારબાદ તેઓ રશિયાની પાર્લમેન્ટના પ્રમુખ બન્યા. જુલાઈ 1990માં તેમણે સામ્યવાદી પક્ષમાંથી રાજીનામું આપ્યું. પરંતુ જૂન 1991માં યેલ્ત્સીન રશિયન પ્રજાસત્તાક(સોવિયેટ સંઘ નહિ)ના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. ગૉર્બાચૉવની પક્ષના મહામંત્રી તરીકેની નિમણૂક આન્દ્રાપોવે કરી હતી અને સર્વસંમતિથી તેઓ રાષ્ટ્રપ્રમુખ પણ બન્યા હતા, પણ તેમના અને યેલ્ત્સીનના સ્થાનમાં મોટો તફાવત એ હતો કે ગૉર્બાચૉવ નિયુક્ત થયા હતા જ્યારે યેલ્ત્સીન મુક્ત ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા. નવા, મુક્ત રાજકારણમાં આ તફાવત મહત્વનો બની રહ્યો. બંને વચ્ચેની સ્પર્ધા વધતી રહી.

ગૉર્બાચૉવ ઘરઆંગણે અપ્રિય થતા ગયા જ્યારે વિદેશમાં અને વિશેષ તો પશ્ચિમના દેશોમાં કીર્તિ અને પ્રસિદ્ધિ પામતા ગયા. પૂર્વ અને પશ્ચિમ વચ્ચે શાંતિ અને સુમેળની સ્થાપના કરનાર નેતા તરીકે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો. ઑક્ટોબર 1990માં ગૉર્બાચૉવે નિયુક્ત કરેલા લોકો જ તેમની વિરુદ્ધ કામ કરી રહ્યા છે એવી ચેતવણી તેમને આપવામાં આવી; પરંતુ ગૉર્બાચૉવે તેની અવગણના કરી.

દેશની આ નાજુક પળે ગૉર્બાચૉવનો બદલાતી પરિસ્થિતિ સાથેનો સંપર્ક તૂટ્યો. તેમની આસપાસના લોકો વિશેની તેમની જાણકારી અધૂરી અને ભૂલભરેલી રહી અને તે સૌની ઉપર વિશ્વાસ રાખતા રહ્યા. સોવિયેટ સંઘમાં કેન્દ્રીય નેતાગીરી અને સંઘ તરફ તિરસ્કારની લાગણી ઊભી થઈ અને તેમનું માનસ સ્વનિર્ણયની દિશા તરફ વળ્યું.

સૌપ્રથમ પહેલ કરી વાયવ્ય સરહદે આવેલાં બાલ્ટિક પ્રજાસત્તાક રાજ્યોએ – ઇસ્ટોનિયા, લેટવિયા અને લિથુઆનિયા અને ત્યારબાદ યુક્રેન પણ સ્વતંત્ર થવા તૈયાર થયું. યુક્રેન સ્વતંત્ર બને તો સોવિયેટ સંઘને મોટું નુકસાન થાય તેમ હતું. કારણ કે તેનો ફળદ્રુપ પ્રદેશ સોવિયેટ સંઘના અનાજના કોઠાર જેવો હતો. સ્વનિર્ણય કરી જુદા થવાનો પવન જેમ પ્રસરતો ગયો તેમ તેમને સૌને વધારે સ્વાયત્તતા આપીને પણ સંઘના સભ્ય તરીકે રાખવાનો પ્રયાસ શરૂ કર્યો. જો સંઘનાં રાજ્યો છૂટાં પડી જાય તો સંઘના પ્રમુખ તરીકે ગૉર્બાચૉવનું સ્થાન અર્થહીન અને અશક્ય બની જાય તે તેઓ સારી રીતે જાણતા હતા.

ગૉર્બાચૉવે સંઘને જીવંત રાખવા માટે જે કરારનામું તૈયાર કર્યું તેમાં સભ્ય પ્રજાસત્તાકોને શક્ય હોય તેટલી સ્વાયત્તતા આપવાની વ્યવસ્થા હતી. આ કરારનામું વિકેન્દ્રિત રાજકારણ, મુક્ત અર્થકારણ અને સ્વતંત્ર સમાજરચનાની ભૂમિકા ઉપર થનાર હતું. સત્તારૂઢ, રૂઢિચુસ્ત નેતાગીરીને આ સ્વીકાર્ય ન હતું. ગૉર્બાચૉવ ક્રીમિયાના સાગરકિનારે ગયા તેનો ગેરલાભ ઉઠાવી મૉસ્કોના આઠ સત્તાધીશોએ તેમને ઉથલાવીને સત્તા હાથમાં લેવાનું કાવતરું ઘડ્યું. તે માટે તેમણે 19 ઑગસ્ટનો દિવસ પસંદ કર્યો.

તા. 19, 20 અને 21 ઑગસ્ટના ત્રણ દિવસ (72 કલાક) સુધી ચાલેલો આ વિદ્રોહ સોવિયેટ સંઘ, ગૉર્બાચૉવની નેતાગીરી અને દેશના સમગ્ર ભાવિ માટે અતિ મહત્વનો બની રહ્યો. ત્રણ દિવસની આ પ્રતિક્રાન્તિએ 74 વર્ષ જૂની વિચારસરણી, રાજ્યવ્યવસ્થા અને આર્થિક માળખાને છેલ્લો અને નિર્ણાયક ફટકો માર્યો.

પ્રતિક્રાન્તિના પહેલા પગલા તરીકે ગૉર્બાચૉવના નિવાસસ્થાનને બહારના સંપર્કથી વંચિત કરવામાં આવ્યું. પ્રસંગની નાજુકાઈ વરતીને યેલ્ત્સીને લોકોની સરદારી લીધી. ત્રણ દિવસના આ વિદ્રોહમાં માત્ર ત્રણ યુવાનોનાં મૃત્યુ થયાં.

વિદ્રોહના નેતાઓએ કટોકટી જાહેર કરી; પરંતુ તેઓ દેશનાં જાહેર માધ્યમોને પોતાને હસ્તક લેવાનું ચૂકી ગયા. યેલ્ત્સીને અમેરિકાના પ્રમુખ બુશનો સંપર્ક સાધ્યો અને વિદ્રોહ સામેના લોકસમૂહના આક્રોશની ઝાંખી કરાવી. ગૉર્બાચૉવનો યુગ આથમી ગયો અને મૉસ્કો યેલ્ત્સીનનું બન્યું. યેલ્ત્સીને કહ્યું કે ક્રેમલિન રશિયાનું છે, સોવિયેટ સંઘનું નથી. તા. 19, 20, 21ઑગસ્ટના બોંતેર કલાકના વિદ્રોહના પ્રયાસની નિષ્ફળતા પછી સોવિયેટ સંઘ પહેલાંનો દેશ (સંઘ) રહી શક્યો નહિ. સોવિયેટ સંઘના કિલ્લાને સુરક્ષિત રાખતાં બધાં પરિબળો – સામ્યવાદી પક્ષ, ગુપ્તચર સંસ્થા ‘કેજીબી’, અખબારો – એક પછી એક ભાંગી પડ્યાં. ખુદ ગૉર્બાચૉવ પોતે સામ્યવાદી પક્ષના મહામંત્રી તથા સંઘના પ્રમુખ તરીકે બચી શક્યા નહિ.

સોવિયેટ સંઘના જે નવા કરાર 20મીના રોજ થનાર હતા તેની સામે વિદ્રોહ જગવીને સત્તાસ્થાને બેઠેલા આઠેય નેતાઓએ સંઘની જાળવણીની છેલ્લી આશાને મોટો ફટકો માર્યો.

કૉંગ્રેસ ઑવ્ પીપલ્સ ડેપ્યુટીઝની સભા બોલાવવાના ગૉર્બાચૉવના મિથ્યા પ્રયાસ પછી યેલ્ત્સીને મૉસ્કો અને કીયેવ(યુક્રેનની રાજધાની)માં નહિ પણ બેલોરશિયાની રાજધાની મિન્સ્કમાં ત્રણ મોટાં પ્રજાસત્તાકોની સભા બોલાવી અને નવા રાષ્ટ્રસમૂહના કરાર ઉપર સહીસિક્કા થયા. દરમિયાન કઝાખસ્તાને પણ નવા રાષ્ટ્રસમૂહમાં ભળી જવાની ઇચ્છા પ્રદર્શિત કરી અને તે તેમાં સામેલ થયું.

આ પછી કઝાખસ્તાન ઉપરાંત મધ્યએશિયાનાં અન્ય ચાર પ્રજાસત્તાકો તેમજ કૉકેશિયન પ્રદેશનાં ચારેય પ્રજાસત્તાકો રાષ્ટ્રસમૂહમાં જોડાયાં. સોવિયેટ સંઘના વિઘટન પહેલાં પણ રશિયા, યુક્રેન તેમજ બેલોરશિયા સંયુક્ત રાષ્ટ્રોનાં સભ્ય હતાં. બાકીનાં બીજાં પ્રજાસત્તાકો હવે સ્વતંત્ર રાજ્યની હેસિયતથી સંયુક્ત રાષ્ટ્રસંઘ(U.N.)માં જોડાયાં. આમ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાતંત્ર (organization) તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાની ર્દષ્ટિએ આ પ્રજાસત્તાકોને માન્યતા મળી. બાલ્ટિક સમુદ્ર પાસે આવેલાં આ ત્રણ રાજ્યો સંપૂર્ણ સ્વતંત્ર રહ્યાં.

એક સમયે અમેરિકાની સમકક્ષ મહાસત્તા તરીકે સ્થાન ભોગવનાર, ચાળીસ વર્ષ સુધી ઠંડા યુદ્ધની હરીફાઈમાં ઊતરનાર, સામ્યવાદી વિચારસરણીના કેન્દ્રસ્થાને રહેનાર અને ત્રીજા વિશ્વના અનેક દેશોને પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર સોવિયેટ સંઘનું વિઘટન એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક બનાવ હતો. સત્તા તરીકે તેનો અસ્ત થતાં અમેરિકા એકમાત્ર સત્તા તરીકે રહ્યું. આંતરરાષ્ટ્રીય રાજકારણનો ઢાંચો બદલાઈ ગયો, તેનું કલેવર પરિવર્તન પામ્યું, જાણે કે એક નવો યુગ શરૂ થયો.

આ રાષ્ટ્રસમૂહના ભાવિ વિશે કોઈ ચોક્કસ કે નિશ્ચિત વિધાન કરી શકાય તેમ નથી. તેમની વચ્ચેના મતભેદો ક્યારે કેવું સ્વરૂપ લેશે તે કહેવું મુશ્કેલ છે. તેની આજની પરિસ્થિતિ સમાધાનકારી વલણોને આભારી છે. તે સાથે મૉસ્કોનું પહેલાંનું સ્થાન અને વર્ચસ્ કંઈક અંશે સચવાયાં છે અને યેલ્ત્સીન ભૂતકાળના વારસાને આંતરિક તેમજ વિદેશનીતિમાં જાળવી રાખવામાં અને ચાલુ રાખવામાં સફળતા મેળવી શક્યા છે. પ્રજાસત્તાકોના અંદરઅંદરના સંબંધો ક્યારે કેવો વળાંક લેશે તે કહેવું મુશ્કેલ છે.

દેવવ્રત પાઠક