કૉપીરાઇટ : કોઈ પણ મૌલિક કલા કે સાહિત્ય-કૃતિ, વ્યાખ્યાન અગર તેના મહત્વના ભાગની પુન: રજૂઆત, અનુવાદ, અભિવ્યક્તિ અથવા વેચાણ કરવાનો સુવાંગ હક.

જે કૃતિ મૌલિક હોય તેના તેમજ ટૅકનિકલ અને વૈજ્ઞાનિક સંશોધનોને લગતી કૃતિના સર્જકને કૉપીરાઇટનો હક પ્રાપ્ત થાય છે. સર્જક તેનો કૉપીરાઇટ સ્વેચ્છાથી બીજાને લેખિત કરાર દ્વારા હસ્તાંતરિત કરી શકે છે અને તેમ થાય ત્યારે લેખકનો મૂળ હક વિસર્જિત થાય છે. તે માટે કૉપીરાઇટના રજિસ્ટ્રારને નોટિસ આપવી પડે છે (કલમ 21).

કૉપીરાઇટ ઍક્ટ, 1957ની કલમ 14માં કઈ કઈ કૃતિમાં કયા પ્રકારનો કૉપીરાઇટ રહેલો છે તેની સમજૂતી આપવામાં આવી છે, જેમ કે કલાત્મક કૃતિના સંબંધમાં કોઈ પણ સ્વરૂપે તેની પુન: રજૂઆત કરવી, પ્રસિદ્ધ કરવી, તેની ફિલ્મ ઉતારવી વગેરે કૉપીરાઇટથી મળતા અધિકારો છે. આ રીતે જોઈએ તો કૉપીરાઇટ એટલે કોઈ મૌલિક કલા કે સાહિત્ય જેવી કૃતિઓની પુન: રજૂઆત, પ્રકાશન અને તેના વેચાણનો અબાધિત અધિકાર.

કોઈ પણ કૃતિ રચવામાં, અભિવ્યક્ત કરવામાં, સંક્ષિપ્ત બનાવવામાં, સંપાદિત કરી તેને વ્યવસ્થિત કરવામાં પોતાની મૌલિકતાનો ઉપયોગ કરે તો તેવી કૃતિ મૌલિક ગણાય છે. દાખલા તરીકે કવિએ લખેલ કવિતા, ચિત્રકારે દોરેલ ચિત્રો, નાટ્યકારે લખેલાં નાટકો અગર નવલકથાકારની નવલકથાને મૌલિક કૃતિ ગણવામાં આવે છે. તેમજ ધાર્મિક ઉપદેશકની કૃતિ અગર તેણે આપેલાં પ્રવચનોનું માત્ર સંકલન પણ મૌલિક કૃતિ ગણાય. સાહિત્યિક ગુણવત્તા હોય કે ન હોય છતાં કોઈ પણ લેખિત કૃતિને મૌલિક કૃતિ ગણી શકાય. પરીક્ષકે કાઢેલા પ્રશ્નપત્રમાં પરીક્ષકને મળેલો કૉપીરાઇટ યુનિવર્સિટીને સોંપી દેવાનો હોય છે. મૂળ વિચાર બીજી વ્યક્તિનો હોય તેમ છતાં જો તે અંગેની કૃતિ મૌલિક રીતે રચાઈ હોય તો તેવી કૃતિ મૌલિક ગણાય છે. પરંતુ જો મૂળ કૃતિનું મહદંશે પુન: વિસ્તરણ હોય અથવા તેના પુન: પ્રસારણમાં સામ્ય હોય તો તેમ કરવાથી કૉપીરાઇટનો ભંગ ગણાય છે. તેવી જ રીતે બીજી વ્યક્તિની કૃતિની અભિવ્યક્તિનું મહદંશે અનુકરણ હોય તોપણ તેને કૉપીરાઇટનો ભંગ ગણવામાં આવે છે.

કૉપીરાઇટ ઍક્ટ 1957ની કલમ 22 અન્વયે કોઈ પણ નાટ્ય, સંગીત કે કલાને લગતી કૃતિ અંગે લેખકની હયાતી દરમિયાન અને ત્યારબાદ 62 વર્ષ સુધી કૉપીરાઇટનો હક રહે છે.

કલમ 25 અન્વયે ફોટોગ્રાફમાં, કલમ 26 હેઠળ સિનેમામાં, કલમ 27 નીચે રેકર્ડમાં કૉપીરાઇટ હક તેના સર્જનના સમયથી 50 વર્ષ સુધી રહે છે.

કૉપીરાઇટ ઍક્ટ 1957ની કલમ 44માં કૉપીરાઇટ નોંધવા માટે તે અંગેના એક રજિસ્ટરમાં કૃતિનું નામ, લેખકના, પ્રકાશકના, કૉપીરાઇટના માલિકનાં નામ અને સરનામાં અને અન્ય બીજી વૈધાનિક વિગત આપવાની હોય છે.

નોંધણીના લાભ : કૉપીરાઇટ અંગેના રજિસ્ટરમાં દર્શાવેલી વિગતો પ્રથમદર્શનીય પુરાવા તરીકે બધી કોર્ટમાં રજૂ કરી શકાય છે અને ત્યારે અસલ કૃતિ રજૂ કરવાની અગર તેની સાબિતી આપવાની જરૂર રહેતી નથી. (ક. 48)

કૉપીરાઇટની નોંધણી નીચેની વિગતો અંગે આનુમાનિક પુરાવો ગણાશે. (1) કૃતિ મૌલિક છે, (2) કૉપીરાઇટ રજિસ્ટરમાં જેનું નામ છે, તે સદરહુ કૃતિનો માલિક છે, (3) કૃતિ માટે કૉપીરાઇટ અપાયેલ છે.

કૉપીરાઇટનો ભંગ : (1) કોઈ પણ વ્યક્તિની અપ્રસિદ્ધ કૃતિને વિધિસરની પરવાનગી વગર પ્રસિદ્ધ કરવી, (2) અન્ય લેખકની કૃતિમાંથી નકલ કરવી, (3) અન્યની કૃતિનો અનુવાદ કરવો, (4) અન્ય લેખકનું અનુકરણ કરવું.

કૉપીરાઇટના ભંગ અંગે કાયદાકીય ઉપાયો : કૉપીરાઇટના ભંગ બદલ દીવાની રાહે પગલાં લઈ શકાય છે. મનાઈ હુકમ મેળવવો, વળતર માટે દાવો માંડવો વગેરે તેમાં સામેલ હોય છે. (ક. 55)

લેખકની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેવો કૃતિમાં કોઈ મૂળભૂત અથવા મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો હોય તો લેખકને કેટલાક વિશિષ્ટ હક છે. (આને લેખકના નૈતિક હક પણ કહેવામાં આવે છે.) (ક. 57)

કૉપીરાઇટનો ભંગ થાય ત્યારે તેવું આચરણ કરનાર વ્યક્તિ ઉપરાંત તેના પ્રકાશકને તથા છાપનારને પણ કાયદામાં દર્શાવેલ સજા થઈ શકે છે. કૉપીરાઇટનો ઇરાદાપૂર્વક ભંગ કરવો એ એક ગુનાહિત કૃત્ય ગણવામાં આવે છે. કમ્પ્યૂટર અને બીજાં વીજાણુ-માધ્યમોમાં સંગ્રહ કરેલ વિગતો પણ હવે આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.

1957ના આ મૂળ કાયદામાં 1994માં અને ત્યાર બાદ 1999માં ટૅકનૉલોજીના ક્ષેત્રમાં ભારતમાં આઝાદી પછી જે ફેરફારો થયા છે તેના અનુસંધાનમાં સુધારાવધારા દાખલ કરવામાં આવ્યા અને તે મુજબ ભારત સરકારે એક અર્ધન્યાયિક સ્વરૂપ ધરાવતા કૉપીરાઇટ બોર્ડની રચના કરી છે, જેનો કાર્યકાળ ફેબ્રુઆરી 2001થી પાંચ વર્ષનો નિર્ધારિત કરવામાં આવ્યો છે અને તેને કૉપીરાઇટને લગતા વિવાદોનો નિકાલ કરવાની સત્તા આપવામાં આવી છે.

આ કાયદાની નવી જોગવાઈઓ મુજબ સાહિત્ય, સંગીત, નાટક કે કલાની કૃતિઓ જે તે સર્જકની હયાતી દરમિયાન અને તેમના અવસાન પછી 60 વર્ષ સુધી અબાધિત રહેશે.

જે કોઈ વ્યક્તિ કૉપીરાઇટ કાયદાની જોગવાઈઓનો ભંગ કરશે તેને ઓછામાં ઓછી છ માસની અને વધુમાં વધુ ત્રણ વર્ષની કારાવાસની સજા થઈ શકશે. કૉપીરાઇટ કાયદાના ભંગ બદલ કરવામાં આવતા દંડની રકમ ઓછામાં ઓછા રૂ. 50,000 અને વધુમાં વધુ રૂ. 3,00,000 જેટલી થઈ શકશે (કલમ 63). ઉપરાંત, જે કોઈ વ્યક્તિ આ કાયદાના ભંગની પુનરાવૃત્તિ કરશે તેને વધારાની સજા કરવાની જોગવાઈ પણ સુધારેલા કાયદામાં કરવામાં આવી છે.

નલિનકાન્ત નૃસિંહપ્રસાદ બુચ