કોપોલા (જ. 7 એપ્રિલ 1939, ડેટ્રોઇટ, મિશિગન) : અમેરિકન ફિલ્મસર્જક. આખું નામ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા. 1957-60 હોફસ્ટ્રા કૉલેજમાં શિક્ષણ. 1960માં બી.એ. થયા. 1960-62 દરમિયાન લૉસ એન્જિલીસ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં માસ્ટર ઑવ્ સિનેમાની ડિગ્રી પ્રાપ્ત કરી (1968). 1963માં એલિનૉર નીલ સાથે લગ્ન.

કોપોલા

1962માં રોજર કૉરમૅનની ફિલ્મ કંપનીમાં ડબિંગ, સાઉન્ડ રેકૉર્ડિંગ અને એડિટિંગનું કામ, 1964માં પટકથાલેખક તરીકે સેવન આર્ટ્સ કંપનીમાં પગારદાર તરીકે કામ અને 1969માં સાન ફ્રાન્સિસ્કોમાં અમેરિકન ઝીટ્રોપ પ્રોડક્શન સ્ટુડિયોનું પોતે નિર્માણ કર્યું. 1971માં જ્યૉર્જ લુકાસ સાથે ફિલ્મ ‘ટી. એચ. એક્સ 1138’નું નિર્માણકાર્ય શરૂ કર્યું. 1972માં અમેરિકન કૉન્ઝરવેટરી થિયેટરનું નાટક ‘પ્રાઇવેટ લાઇવ્ઝ’નું દિગ્દર્શન કર્યું. સાન ફ્રાન્સિસ્કો ઑપેરા કંપનીના ‘ધ વિઝિટ ઑવ્ ધ ઓલ્ડ લેડી’ ઑપેરાનું સંચાલન કર્યું. પીટર બોગ્દાનોવિચ અને વિલિયમ ફ્રાઇડકિન સાથે ‘ડાઇરેક્ટર્સ કંપની’ની સ્થાપના કરી. 1975માં ‘એપોકેલિપ્સ નાઉ’ ફિલ્મના નિર્માણનો પ્રારંભ કર્યો. 1980માં હૉલિવૂડમાં ઝીટ્રોપ સ્ટુડિયો ઊભો કર્યો, જે 1982માં વેચાઈ ગયો.

1970માં શ્રેષ્ઠ કથા-પટકથા માટે ફિલ્મ ‘પેટન’ને અને 1972માં ફિલ્મ ‘ગૉડફાધર’ને ઑસ્કાર ઍવૉર્ડ. 1972માં શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે ફિલ્મ ‘ગૉડફાધર’ને ડાઇરેક્ટર્સ ગિલ્ડ ઑવ્ અમેરિકાનો પુરસ્કાર. 1974માં શ્રેષ્ઠ દિગ્દર્શક તથા શ્રેષ્ઠ પટકથાલેખક તરીકે ફિલ્મ ‘ગૉડફાધર પાર્ટ-ટુ’ને ઑસ્કાર ઍવૉર્ડ.

‘ગૉન વિથ ધ વિન્ડ’ની જેમ ‘ગૉડફાધર’ના સર્જનનો યશ કોપોલાને જાય છે. ફિલ્મ સ્કૂલની તાલીમ લઈને નવોદિત ફિલ્મસર્જકોને માત્ર ઉત્સાહ જ નહિ પરંતુ આર્થિક સહાય આપવાનો યશ પણ કોપોલાને જાય છે. તેમનાં ચલચિત્રોની કક્ષા ઊંચી હોવા છતાં વ્યાવસાયિક ધોરણે તેણે ટંકશાળ પાડી છે. ‘ગૉડફાધર’ અને ‘ગૉડફાધર પાર્ટ ટુ’ જેવી ભવ્ય, ખર્ચાળ ફિલ્મોની સાથે સાથે ‘ધ રેઇન પીપલ’ અને ‘કૉન્વર્સેશન’ જેવી મર્યાદિત બજેટવાળી ફિલ્મો પણ એટલી જ સફળતાથી અને કૌશલ્યથી તેણે બનાવી છે. ‘ધ કૉન્વર્સેશન’ ફિલ્મનું કથાવસ્તુ કોપોલાના માનસમાં વૉટરગેટ કૌભાંડ પહેલાં આકાર પામી ચૂક્યું હતું. લોકોની ખાનગી હકીકતો ‘ટેપ’ કરનાર નાયક તેનું જીવન ખાનગી રાખી શકતો નથી, આ વાત કોપોલાએ ‘ધ કૉન્વર્સેશન’માં આબાદ રીતે વ્યક્ત કરી છે, જે તેની સૌથી ઉત્તમ ફિલ્મ ગણાય છે.

કોપોલાએ 1990માં ‘ગૉડફાધર પાર્ટ થ્રી’ બનાવી. આ ફિલ્મ પૂરી થતાં સુધીમાં કોપોલા દેવાદાર બની ગયો અને તેને નાદારી નોંધાવવી પડી.

પીયૂષ વ્યાસ