કેશવદેવ, પી. (જ. 1905, પેરુર, ક્વિલોન પાસે કેરળ; અ. 1983) : આધુનિક મલયાળમ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને રાજકીય સક્રિય કાર્યકર. તેઓ આર્યસમાજી બન્યા ત્યારે તેમણે પોતાનું નામ ‘કેશવ પિલ્લાઈ’ને બદલે ‘કેશવ દેવ’ રાખ્યું. વર્ષો સુધી તેઓ કેરળના સમાજવાદી પક્ષ સાથે સંકળાયેલા રહ્યા.

તેમને તેમની નવલકથા ‘અયલ્કકાર’ (‘નેબર્સ’, 1963) બદલ 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે નવલકથાઓ, વાર્તાસંગ્રહો અને નાટકો મળીને 25 ગ્રંથોની રચના કરી. ‘એટિરપ્પુ’ (ક્રાંતિ) નામક લાક્ષણિક આત્મકથા આપી છે. ‘ઓટમિલ નિન્નુ’, ‘નટી’ અને ‘ભ્રાન્તાલયમ્’ તેમની અન્ય નોંધપાત્ર નવલકથાઓ છે.

‘નાટ્યકૃત’, ‘મુન્નોટુ’ તેમનાં નાટકો છે, જ્યારે ‘એતિપટ્ટુ’ સાહિત્યિક વિચારોનો ગ્રંથ છે. ગરીબ અને દલિત લોકોના જીવનના વાસ્તવદર્શી આલેખનની તેમની દિલચસ્પી જાણીતી છે. ગંદા, સ્વાર્થી અને દંભી લોકો સામે તેમણે હંમેશાં અવાજ ઉઠાવ્યો છે. માનવહૃદયમાં રહેલ ર્દઢમૂલ સદભાવ અને સત્યવૃત્તિનાં બીજ તેમણે પ્રકાશમાં આણ્યાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘અયલ્ક્કાર’માં તેમણે ઝડપથી પરિવર્તન પામતી સામાજિક સ્થિતિ અને સત્તાની સમતુલાની વિશાળદર્શી ભૂમિકા સામે અમીર નાયર પરિવારની અવનતિની આબેહૂબ કથા રજૂ કરી છે. તેમની શૈલી સત્યનિષ્ઠ, વાસ્તવનિષ્ઠ અને મોહક છે. તેમની આ કૃતિ મલયાળમ સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે.

અક્કવુર નારાયણન્

બળદેવભાઈ કનીજિયા