કેલર – હેલન ઍડૅમ્સ

January, 2008

કેલર, હેલન ઍડૅમ્સ (જ. 27 જૂન 1880, ટસ્કમ્બિયા, આલાબામા; અ. 1 જૂન 1968, ઇસ્ટન કનેક્ટિકટ, અમેરિકા) : દુનિયાભરનાં અંધજનો તથા વિકલાંગો માટે આશાનું કિરણ પ્રગટાવનાર અને તેમને માર્ગદર્શન આપનાર અમેરિકાની સેવાભાવી સન્નારી.

હેલન ઍડૅમ્સ કેલર

પિતાનું નામ આર્થર આદમ સંયુક્ત સંસ્થાનના ધનાઢય અધિકારી હતા. માતાનું નામ કૅથરિન. 18 માસની વયે હેલને મગજ અને હોજરીની અસાધ્ય બીમારીથી ર્દષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી. માત્ર હાવભાવ અને ઇશારાથી પ્રારંભમાં તે માબાપ અને નજીકના લોકોને સમજાવી શકતાં હતાં. ડૉક્ટર તથા પ્રખ્યાત વૈજ્ઞાનિક ઍલેક્ઝાન્ડર બેલની સલાહથી બૉસ્ટનનાં ઍન મેસફીલ્ડ સલિવાન(1866-1936)ને હેલનની સાત વર્ષની ઉંમરથી શિક્ષિકા તરીકે રોકવામાં આવ્યાં. આ શિક્ષિકા તેમને બ્રેલ લિપિની મદદથી શીખવતાં. તેમની દોરવણી નીચે અભ્યાસ કરીને વાંચતાં, લખતાં તથા બોલતાં શીખ્યાં. અંધત્વની આપત્તિમાંથી આ શિક્ષિકા પોતે અંશત: બચી ગયેલાં અને ‘પર્કિન્ઝ સ્કૂલ ફૉર બ્લાઇન્ડ’માંથી તેમણે પદવી પ્રાપ્ત કરી હતી. આ શિક્ષિકા પાસે તારીખ 2 માર્ચ 1807ના દિવસે હેલન કેલરે શિક્ષણ લેવાની શરૂઆત કરી હતી અને તેથી તે દિવસ કેલર ‘પોતાના આત્માનો જન્મદિવસ’ તરીકે ઊજવતા. માત્ર એક માસના ટૂંકા ગાળામાં તેઓ સ્પર્શસંવેદનથી ભાષા શીખી ગયાં હતાં. અગિયારમો પાઠ પૂરો થયો ત્યારે અચાનક હેલન બોલી ગયાં, ‘હું હવે મૂંગી નથી.’ સલિવાન દ્વારા અપાતું શિક્ષણ અને ‘હૅરિસમન સ્કૂલ ફૉર ધ ડેફ’ જેવી સંસ્થાઓના માર્ગદર્શનને કારણે હેલન કેલર લખવામાં, વાંચવામાં અને વક્તૃત્વમાં પારંગત થયાં, એટલું જ નહિ પરંતુ ઔપચારિક શિક્ષણમાં પણ તેમણે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી. 1896માં તેમણે મૅસેચૂસેટ્સ રાજ્યમાંના ‘કૅમ્બ્રિજ સ્કૂલ ફૉર યંગ લેડીઝ’માં પ્રવેશ મેળવ્યો જ્યાં તેમણે અંગ્રેજી અને જર્મન ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું. વર્ષ 1900માં તેમણે રેડક્લિફ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો જ્યાંથી તેમણે પદવી પ્રાપ્ત કરી.

સેલિવાનના અવસાન પછી હેલન કેલરને ઍગ્નેસ ઉર્ફે પૉલી હૉમ્પસનનું સાહચર્ય પ્રાપ્ત થયું જે છેક 1960 સુધી અકબંધ રહ્યું. ઉપરાંત, એચ. એચ. રૉજર્સ, માર્ક ટ્વેન, યૂજીન ડેબ્જ જેવા વિદ્વાનો પાસેથી પણ સહાય મળતી રહી. ચાર્લ્સ કોપલૅન્ડે તેમને લેખનપ્રવૃત્તિમાં જોડાવાની પ્રેરણા આપી.

વર્ષ 1923થી ન્યૂયૉર્ક શહેરના ‘અમેરિકન ફાઉન્ડેશન ફૉર બ્લાઇન્ડ્ઝ’ નામની સંસ્થામાં સેવાઓ આપવાની શરૂઆત કરી. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના ગાળામાં તેમણે મિત્રરાષ્ટ્રોનાં ઘવાયેલા સૈનિકોની સેવા કરી. અંધજનોની શૈક્ષણિક પ્રગતિને મદદરૂપ થવા માટે તેમણે ‘હેલન કેલર એન્ડાઉમેન્ટ ફંડ’ની શરૂઆત કરી અને તેમાં ધનપ્રાપ્તિ થાય તે હેતુથી તેમણે અમેરિકા, જાપાન અને યુરોપના કેટલાક દેશોમાં જાહેર વ્યાખ્યાનો આપ્યાં.

તેમણે લખેલાં ઘણાં પુસ્તકોનો વિશ્વની જુદી જુદી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. તેમણે લખેલું એક મહાકાવ્ય તેમના નિવાસસ્થાનમાં લાગેલી આગમાં ભસ્મીભૂત થયું હતું. 1904માં ઑનર્સ સાથે સ્નાતક થયાં, સાહિત્ય અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો અને લેખો અને પુસ્તકો લખી મૂંગા અને અંધજનોના શિક્ષણ માટે લોકમત જાગ્રત કર્યો. તે માટે તેમણે ભારત સહિત ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. અમેરિકન પ્રમુખ તથા યુરોપના વિવિધ દેશોની પ્રમુખ વ્યક્તિઓએ તથા અગ્રગણ્ય સંસ્થાઓએ તેમનું બહુમાન કર્યું હતું. દુનિયાના લાખો અપંગ લોકોને તે પ્રેરણારૂપ બન્યાં હતાં. તેમની આત્મકથાના બે ગ્રંથ ‘અપંગની પ્રતિભા’ અને ‘મઝધાર’ ગુજરાતીમાં અનૂદિત થયા છે. ‘ધ સ્ટોરી ઑફ માય લાઇફ’ (1902), ‘ધ વર્લ્ડ આઈ લિવ ઇન’ (1910), ‘માય રિલીજિયન’ (1927), ‘મિડ સ્ટ્રીમ’ (1929), ‘હેલન કેલર્સ જર્નલ’ (1938) વગેરે તેમનાં મુખ્ય પુસ્તકો છે.

શિવપ્રસાદ રાજગોર